Get The App

બારે મહિના ભલે ડ્રેસ પહેરો પણ...

મેરેજમાં તો સાડી જ સારી...

Updated: Dec 16th, 2019

GS TEAM

Google News
Google News
બારે મહિના ભલે ડ્રેસ પહેરો પણ... 1 - image


'સાડી એક વણકરની અદ્ભૂત કલ્પનાનું પરિણામ છે. તેણે એક સ્ત્રીનું સપનું જોયું તેના ખૂબસૂરત નયનોમાંથી સરીને તેના ગૌર ગુલાબી ગાલને શોભાવતા અશ્રુઓનાં ચળકાટની કલ્પના કરી. અંબોડો છૂટો મુકતા જ લહેરાતી નાગણ સમી કેશવાળીના વળની કલ્પના કરી તેના રંગીન મૂડની કલ્પનાના રંગમાં પીંછીં ઝબોળી, તેના સ્પર્શની મુલાયતાનો વિચાર કર્યો. આ બધી કલ્પનાઓને એકઠી કરી તે વણતો જ ગયો વણતો જ ગયો. અને આ અલૌકિક કાપડ એટલે જ સાડી. પોતાના આ સર્જન પર ખુશ થયેલા વણકરની ખુશી  સાડી સાથે ગૂંથાઈ ગઈ છે જેના મલકાટે સદીઓ સુધી પોતાની તાજગી જાળવી રાખી છે.'

સાડી એ ભારતીય સંસ્કૃતિનું ગૌરવ છે. સાડી વિના પારંપારિક ભારતીય નવોઢાની કલ્પના કરવી જ મુશ્કેલ છે. લગ્ન વિધીમાં જેટલું મહત્ત્વ સપ્તપદી અને અગ્નિ ફરતે સાત ફેરાનું છે એટલું જ મહત્ત્વ સાડીનું છે એ વાત સાથે સૌ કોઈ સંમંત થશે. પરંપરાથી ચાલી આવતી પરંતુ સમકાલીન સાડી આપણો એક અમુલ્ય વારસો છે. ફેશનનાં ફરતાં ચક્રમાં અનેક પોશાકો આવ્યા જતા રહ્યા, ફરી આવ્યા પરંતુ સાડીએ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે.

છવારના જાદુએ આધુનિક નારીને પણ ભાન ભૂલાવી દીધી છે. રંગ, ડિઝાઈન અને ફેશનમાં થોડો ઘણો ફેર જરૂર પડયો હશે પરંતુ નારીના કબાટમાંથી સાડીએ રૂખસદ લીધી નથી એ એક હકીકત છે. ભાનભૂલાવે તેવા પાલવવાળી સાડી ગુજરાતી ઢબે પહેરી ગુજરાતણ ઘરની બહાર નીકળી છે ત્યારે તેનો ઠસ્સો જોવા જેવો હોય છે.

સાડી બાંધણી, પૈઠણી, પટોળા, જામેવર, તનછોઈ, કાંજીવરમ, ગઢવાલ કે ચંદેરી હોય પરંતુ સાડીએ ભારતીય નારી માટે મહામૂલ અલંકારોથી કમ નથી.

ભારતભરમાં સાડીની ડિઝાઈનો તેમજ કપડામાં તફાવત હશે પરંતુ અમુક ડિઝાઈનો સામાન્ય છે. આ ડિઝાઈનો પહેરનાર માટે  સામાન્ય છે. આ ડિઝાઈનો પહેરનારને બૂરી નજર તેમજ બીજી મુશ્કેલીઓથી બચાવે છે આ ઉપરાંત ફળદ્રુપતા, ઉન્નતી અને સુખી લગ્નજીવનની સૂચક છે. એવી માન્યતા વર્ષોથી ચાલી આવે છે. 

લગ્નની સાડીની પસંદગીમાં રંગ પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. લાલ રંગ શુકનિયાળ મનાય છે તેમજ આ રંગ આનંદ, લાગણી અને સુખી લગ્નજીવનનું પ્રતીક ગણાય છે. કેટલાક પ્રાંતોમાં લીલો રંગ શુભ મનાય છે. આ રંગ ઉન્નતિ અને ફળદ્રુપતાનો રંગ માનવામાં આવે છે. ધાર્મિક મહત્ત્વ હોવાને કારણે પીળો રંગ પણ શુભ ગણાય છે. તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં નવવધુ પીળા રંગની સાડી પહેરે છે.

રાજ્ય પ્રમાણે લગ્નની સાડીના પ્રકારો પ્રત્યે એક નજર ફેરવી લઈએ.

મહારાષ્ટ્રમાં પૈઠણી અથવા શાળાનું મહત્ત્વ ઘણું છે. પોપટ, કુંભ, કમળ, મોર જેવી ડિઝાઈનો ધરાવતી લીલા રંગની જરી ભરેલી રેશમી લીલીસાડી મહારાષ્ટ્રીયન નવોઢાના લગ્નના પોશાકમાં આગવે સ્થાને બિરાજે છે. શાળૂમાં બોર્ડર અને પાલવ પર જરીનું વણાટકામ કરવામાં આવે છે. 

ગોલ્ડન બોર્ડર ધરાવતી પીળા રંગની અષ્ટપુત્રી સાડી નવવાર તેમજ પાંચ વારની હોય છે. નવ વારની સાડી મહારાષ્ટ્રીયન ઢબ પ્રમાણે કાછોટો મારીને પહેરવામાં આવે છે.

ગુજરાત અને રાજસ્થાનમાં ઘરચોળાનું મહત્ત્વ વધુ હોય છે. ઘરચોળા વગર ગુજરાતી કે રાજસ્થાની નવવધુની લગ્નની ખરીદી પૂર્ણ થતી નથી. ગુજરાતી ગરબામાં પણ ઘરચોળાને ઘણું મહત્ત્વ અપાય છે. ''જો પ્રિતનું પાનેતર તારા અંગને સોહાય છે. પવિત્ર ઘરચોળું તારા લગ્નમાં વપરાય છે'' તેમજ ''ભાભીએ સાડી પહેરી છે સવા લાખની, ભાભીનું સેલું છે મોંઘા મૂલનું તો 'યે ભાભીને ઘરચોળાનો શોખ'' જેવા લગ્નગીતો પરથી ગુજરાતી કે રાજસ્થાની લગ્નમાં ઘરચોળાનું મહત્ત્વ સમજી શકાય છે. જૈન લગ્નવધુઓ લગ્નવિધી દરમિયાન ઘરચોળું પહેરે છે. લાલ અથવા લીલા રંગની રેશમી સાડી પર જરીના ચોરસ વણવામાં આવે છે. આ ચોરસની સંખ્યા ૯,૧૨ કે પરના ગુણાકારમાં હોય છે. દરેક ચોરસમાં બાંધણીની ડિઝાઈન ભરવામાં આવે છે.

ઘરચોળા ઉપરાંત ગુજરાતી નવોઢા માટે પાનેતર પણ અગત્યનું છે. સફેદ રેશમી સાડી પર લાલ ચટ્ટક બોર્ડર ધરાવતા પાનેતરમાં જરીની બુટ્ટીઓ ભરવામાં આવે છે. પાલવ અને બોર્ડર પણ જરીથી ભરવામાં આવે છે.

બંગાલણ નવવધુ બાલુચરી સાડી પહેરે છે. ખાસ પ્રકારના રેશમને કારણે આ સાડી ઘણી ભારે હોય છે. આ સાડી પહેરનાર નવોઢાને નજર ન લાગે એ માટે વણકર જાણી જોઈને આ સાડી પર ''નજુર બાટુ'' (વણાટમાં ન દેખાય તેવી ખામી) રાખે છે.

ગોરોડ અથવા પ્લેઈન રેશમી સાડીને લાલ બોર્ડર હોય છે. તેમાં ચોક્કસ અંતરે ઝીણી ઝીણી બુટ્ટીઓ વણવામાં આવે છે.

વિષ્ણુપુરની ધૂ-છાંવ સાડીની ખૂબી તેમાં ઝીણવટથી વણેલા રંગોમાં છે. આ રેશમી સાડીની ખૂબસૂરતીનું વર્ણન કરવું મુશ્કેલ છે. વિષ્ણુપુરની  જ ટસર બેગની સાડીનું નામ વૈગણ પરથી આપ્યું છે આ સાડીને પીળી અને સફેદ બોર્ડર મૂકવામાં આવે છે. બિયા લોગોનર (લગ્ન) ટસર સાડી એક જ રંગની હોય છે. આમા ચોક્કસ અંતરે લાલ રંગની બુટ્ટીઓ કે ડિઝાઈન હોય છે. ખાસ કરીને બંગાળની ખેડૂત મહિલાઓ સાડી પહેરે છે.

ઘરબોસુતી સાડી બંગાળની ગોવાલણોમાં પ્રસિધ્ધ છે. આ પણ પ્યોર ટસરની જ સાડી હોય છે. સ્થાનિક ભાષામાં ''ઐયના નકશા'' તરીકે ઓળખાતી ભરત ઉપરાંત મોતી, કમળ, અને કદમફૂલ જેવી ડિઝાઈનો વણવામાં આવે છે.

બિહારમાં બાવન બુટ્ટીની સાડી પહેરવાની પ્રથા છે. શરૂઆતમાં કદાચ બાવન બુટ્ટીની પ્રથા હશે પરંતુ હવે સાડીની સુંદરતા વધારવા બુટ્ટીઓની સંખ્યા વધી ગઈ છે. કુર્મી કોમની નવોઢા માટે દહેજમાં આ સાડી લાવવી ફરજિયાત છે.

મલમલઢાકા સાડી વણવામાં અનસારી વણકર કોમ માહેર છે. મુસ્લિમ દુલ્હનો આ સાડી પહેરે છે. ઓરિસ્સાની વિચિત્ર પુરી સાડીમાં લાલ અને સફેદ ચેક્સ અને સ્ટ્રાઈપ વણવામાં આવે છે. પાસાપલ્લી અથવા સકતાપાર સાડીમાં લાલ, સફેદ અને કાળા રંગની ચોકડીઓ વણવામાં આવે છે. શતરંજના બોર્ડ જેવી આ ડિઝાઈનને ઓરિસ્સાના લોકો શુભ માને છે.

કિનખાબ અને અમુ્ર બ્રોકેડવાળી સાડીઓમાં મોટે ભાગે લાલ, કેસરી અને પીળા રંગની ફેશન છે.

દક્ષિણનું નામ આવતા જ કાંજીવરમ સાડી નજર સામે આવી ન જાય તો જ નવાઈ. હાથવણાટની કાંજીવરમ સાડીઓ ખૂબ જ આકર્ષક હોય છે. પ્લેઈન રંગની સાડી પર કોન્ટ્રાસ્ટ કલરની બોર્ડર તેમજ પાલવ ધરાવતી સાડીને કોરવાઈ કહે છે. કાંજીવરમ સાડી વણવા માટે વપરાતો ત્રણ રેશમી દોરાને આમળીને સાડી વણવામાં આવતી હોવાથી આ સાડીનું વજન વધારે હોય છે. આ ઉપરાંત આ સાડી ટકાઉ પણ વધુ હોય છે. અન્ય સાડી કરતા આ સાડી મોંઘી પણ હોય છે. કાંજીવરમ સાડીની બોર્ડર સાડીની શોભા વધારવામાં કારણભૂત બને છે. રૂદ્રાક્ષ, મોપલાપટ્ટુ, અર્ધ ડાયમન્ડ જેવી ડિઝાઈનોથી શોભતી બોર્ડરવાળી આ સાડીએ  આધુનિક માનુનીઓનું  મન મોહી લીધું છે.

કાંજીવરમ સાડીની સૌથી પ્રચલિત પેર્ટન ટેમ્પલ સાડી છે ગોપુરમ (શિખર)ની ડિઝાઈન બોર્ડર પર જડવામાં  આવે છે. કોર્નાડ સાડી લીલા કે પીળા રંગની હોય છે. આ સાડી લાલ અને સોનેરી રંગની બોર્ડર અને પાલવથી શોભે છે.

ઈલ્લકુલ સાડીના વણાટકામ માટે ઉત્તર કર્ણાટકના ઈલ્લકુલ અને ગુલેગુડ ગામો પ્રખ્યાત છે. રસ્ટ, મસ્ટર્ડ, લીંબા અને ગેરૂઆ રંગની સાડીને જરીથી ભરવામાં આવે છે.

ગડક બેડેગીરી અથવા નારાયણ પેઠ તરીકે ઓળખાતી સાડી પ્લેઈન અથવા બુટ્ટીવાળા હોય છે. આ ઉપરાંત આ સાડીમાં જુદા જુદા કદના ચેક્સ હોય છે. મૈસુર ક્રેપ, મૈસુર સિલ્ક અથવા ચામુંડી સિલ્ક સાડી ખૂબ જ મુલાયમ રેશમમાંથી બનાવવામાં આવે છે. આધુનિક નારીને આ સાડીઓ પ્રત્યે ખાસ લગાવ હોય છે.

હુબલી-ધારવાડ વિસ્તારની કસુટી સાડી હાથે વણવામાં આવે છે. એક સાડી વણતા લગભગ ત્રણથી ચાર મહિનાનો સમય લાગે છે. કેરળની નવવધુ સફેદ મલમલની સાડીમાં જરીની બોર્ડર મૂકેલી સાડી પહેરે છે. સફેદ રંગની સાડી  પવિત્રતાની  નિશાની છે.

કસુટી સાડીની જેમ જ પાટણના  પટોળા વણવા માટે મહિનાઓના મહિનાઓ વિતી જાય છે. અને આ સાડીની કિંમત એકાદ લાખ   રૂા. સુધી પણ પહોંચી શકે છે. પાટણની જેમ ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશના પોચમપલ્લીમાં પણ પટોળા બનાવવામાં આવે છે. ભારતીય નવવધુ પોતાના વોર્ડરોબમાં એક પટોળા સાડીનો સમાવેશ કરવાના બનતા પ્રયાસ કરે છે.

પટોળાની જેમ પૈઠણી પણ નારીનો ઠસ્સો વધારી દે છે. મહારાષ્ટ્રના નાનકડા ગામ પૈઠણમાં બનતી આ સાડીએ વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે. રાજવી કુટુંબની નારીઓ પાસે પૈઠણી સાજી અચૂક હોય છે. પૈઠણી સાડીની ડિઝાઈન પારંપારિક હોય છે પરંતુ બુટ્ટી, પોપટ, ફૂલ જેવી ડિઝાઈનો વધુ લોકપ્રિય છે. આ સાડીઓ તમને સાત હજાર રૂપિયાથી માંડીને બે લાખ રૂપિયા સુધી મળશે.

બનારસની જેમ ગુજરાત પણ રેશમી સાડીઓ માટે પ્રખ્યાત છે કહેવાય છે કે અકબરના જમાનાથી ગુજરાતના કસમીઓ બ્રોકેડ, વેલ્વેટસ અને રેશમી કપડા પણ વણાટકામ કરતા હતા. આશાવલ ગામની આશાવલી સાડી ઘણી લોકપ્રિય છે. આ સાડીના ટિંગ જોઈને જ દંગ થઈ જવાય છે. જરી સાથે ચાર-પાંચ રેશમના દોરા ભેહા આ સાજી વણવામાં આવે છે. પોપટ, મોર, સિંહ, કબૂતર તેમજ વૃક્ષો અને ફૂલો સાડી પર ભરવામાં આવે છે જ્યારે પાલવ અને કિનારી પર જરા મોટા કદની એ જ ડિઝાઈન વણવામાં આવે છે. રૂા.પાંચ હજારથી રૂા.એક લાખ સુધીમાં આ સાડી મળી આવે છે.

દક્ષિણની સુંદરી એટલે ગઢવાલ સાડી. આ સાડી મેચિંગ કલર અને કોન્ટ્રાસ્ટીંગ લુકનો સુંદર સંગમ છે. દક્ષિણની આ સુંદરીની નામના આપણા દેશના ખૂણે ખૂણે પહોંચી ગઈ છે. રેશમ અને સુતરનાં તાંતણામાંથી બનાવેલી આ સાડીની બોર્ડર અને પાલવ કોન્ટ્રાસ્ટ રંગમાં હોય છે. કોઈ કોઈ સાડી પર નાની નાની બુટ્ટીઓ પણ હોઈ શકે છે ત્રણ હજારથી ચાર હજારમાં તમને આ સાડી મળી રહેશે. 

તનછાઈ સાડીનું વણાટકામ ચીનમાંથી આવ્યું છે. ત્રણ (તન) છોઈ ભાઈઓ આ કળા ભારતમાં લાવ્યા હોવાથી તેને તનછોઈ નામ મળ્યું છે. આ સાડીના મૂળ કલાકારો સુરતમાં વસતા હતા. સુરતીઓએ ગૌરવ લેવા જેવી વાત એ છે કે આ ત્રણ ભાઈઓએ પણ અશ્વિનીકુમારોની પવિત્ર ધરતી સુરતને જ પોતાનું વતન બનાવ્યું હતું. આ સાડીમાં ભારત અને ચીનની કળાનો સમન્વય નિહાળવા મળે છે. આ સાડીની કિંમત રૂા.પાંચ હજારથી રૂા.પચાસ હજાર જેટલી છે.

રાજસ્થાને વિશ્વને ટીશ્યુ કોટા જેવા અપ્રતિમ સાડીની ભેટ આપી છે. આ સાડી સુરતના તાંતણમાંથી વણવામાં આવે છે. પરંતુ મુખ્ય ડિઝાઈન ચેક્સ છે. બુટ્ટી બોર્ડર જોતા જ મોમાં આંગળા ઘાલી ન દેવાય તોજ નવાઈ. આ  સાડી  વજનમાં જરા ભારે લાગે છે પરંતુ આ સાડી ઘણી હલકી છે અને નવોઢાના દહેજના વસ્ત્રો આ સાડી વિના ઝાંખા લાગે છે. આપણા દેશની ગરમ આબોહવા માટે આ સાડી આદર્શ છે. રૂા.ચાર હજારથી રૂા.૧૫૦૦૦૦ સુધીમાં આ સાડી મળી આવશે.

- હિમાની

Tags :