Get The App

કાપડને જડીબુટ્ટીઓ 'પીવડાવી'ને બનાવાતાં વસ્ત્રોનો ટ્રેન્ડ

પરિધાન ક્ષેત્રે પરત ફરી રહી છે 5000 વર્ષ પુરાણી ઇકોફ્રેન્ડલી-હેલ્થફ્રેન્ડલી પરંપરા

Updated: Dec 16th, 2019

GS TEAM

Google News
Google News
કાપડને જડીબુટ્ટીઓ 'પીવડાવી'ને બનાવાતાં વસ્ત્રોનો ટ્રેન્ડ 1 - image


જો તમે ત્વચાની કોઇ વ્યાધિથી પીડાઇ રહ્યાં હો ત્યારે તેની સારવાર રૂપે તમને કોઇ ચોક્કસ  પ્રકારના વસ્ત્રો પહેરવાનું કહે તો તમે માનો ખરાં? ચાહે તમે તેમની વાત માનો કે ન માનો, પણ એ સત્ય છે કે હવે    હેલ્થફ્રેન્ડલી વસ્ત્રો બની રહ્યાં છે. રખે એમ માની લેતાં કે અહીં શુધ્ધ સુતરાઉ કપડાંની વાત ચાલી રહી છે. વાસ્તવમાં આજે આપણે  ઇકોફ્રેન્ડલી-સ્કીનફ્રેન્ડલી  કાપડમાંથી બનાવેલા પરિધાનોની વાત કરવાના છીએ. આવા પોશાકમાં જડીબુટ્ટીઓ પાઇને બનાવેલું કાપડ ઉપયોગમાં લેવામાં આવે છે. અહીં તમને સહેજે પ્રશ્ન થશે કે જડીબુટ્ટીઓ પાયેલું કપડું એટલે શું? આના જવાબમાં ફેશન ડિઝાઇનરો કહે છે...., 

આજની તારીખમાં ઘણાં  ડિઝાઇનરો પોતાના પોશાક બનાવવા માટે એવા કાપડનો ઉપયોગ કરે છે જેને આયુર્વેદિક પધ્ધતિથી રંગવામાં આવે છે. તેમાં એન્ટિબેક્ટેરિયલ ગુણધર્મો હોવાથી તે ત્વચા માટે ઉત્તમ પુરવાર થાય છે. તેમાંય જેને સિન્થેટિક કાપડની એલર્જી હોય તેને માટે આવા કપડામાંથી તૈયાર કરવામાં આવેલા પરિધાન શ્રેષ્ઠ પુરવાર થાય છે.

તેઓ વધુમાં કહે છે કે તાજેતરમાં એક ફેશન વીકમાં સિન્થેટિક મટિરિયલ વિનાના,માત્ર જડીબુટ્ટીઓ, એસેન્શિયલ ઓઇલ્સ, હળદરના મૂળિયાં, મજીઠના મૂળિયાં, ગળીના પાન  ઇત્યાદિ કુદરતી તત્વો દ્વારા રંગવામાં આવેલા  સુતરાઉ , રેશમી અને લીનનના કાપડનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા વસ્ત્રો રજૂ કરવામાં આવ્યાં હતાં. ભલે ફેશન જગતમાં આ ટ્રેન્ડ નવો હોય, પરંતુ આ પ્રકારે  રોગનિવારક-ઉપચારક વસ્ત્રો બનાવવાની આપણી પરંપરા ૫૦૦૦ વર્ષ પુરાણી છે. 

આ ફેશન શોમાં કોલકત્તાની એક બ્રાન્ડે આયુર્વેદિક સાડી રજૂ કરી હતી. આ બ્રાન્ડ પોતાની સાડીઓનાં વણાટમાં આયુર્વેદિક ઔષધિય છોડો અને જડીબુટ્ટીયુક્ત રંગોવાળા  સુતરનો ઉપયોગ કરે છે. તેઓ એવો દાવો કરે છે કે તેમની  આ રીતે વણવામાં આવેલી સાડીઓ જેટલી સુંદર છે ,ત્વચા માટે એટલી જ  ઉત્તમ છે. તેમાં ત્વચાના રોગોને દૂર રાખવાની ક્ષમતા છે. તે માનસિક સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. 

નિપુણ વણકરો સંપૂર્ણપણે જડીબુટ્ટીઓથી રંગેલી સુતરાઉ અને સિલ્કની સાડીઓ હાથશાળ પર વણે છે. આ સાડીઓમાં જરા સરખા રસાયણનો ઉપયોગ પણ કરવામાં નથી આવતો. માત્ર કુદરતી રંગોથી રંગવામાં આવતી કોટન ,રેશમ તેમ જ લીનનની સાડીઓ  અને અન્ય ફેબ્રિક પર્યાવરણને તો હાનિ નથી જ  પહોંચાડતી, સાથે સાથે દિવસ-રાત  ઝેરી રસાયણોના સંપર્કમાં રહેવાથી કારીગરોને થતું સ્વાસ્થ્ય વિષયક નુક્સાન પણ નિવારે છે. 

અન્ય ઘણી બ્રાન્ડ્સ પણ સ્વાસ્થ્ય-સૌંદર્યવર્ધક વસ્ત્રો બનાવે છે. તેઓ ફેબ્રિકને વૃક્ષો અને છોડોની છાલ,મૂળિયાં તેમ જ  જડીબુટ્ટીઓ સાથેે ચોક્કસ તાપમાન પર ઉકાળે છે જેથી તેમાં તેના ઔષધિય ગુણો શોષાય છે. અને જ્યારે આપણે આવા ફેબ્રિકમાંથી તૈયાર કરેલાં વસ્ત્રો પહેરીએ છીએ ત્યારે આપણી ત્વચાને ં આ ઔષધીય ગુણોનો ફાયદો મળે છે. તેઓ કહે છે કે આ રીતે અમે પર્યાવરણને થતું નુક્સાન ખાળી શકીએ છીએ. તેવી જ રીતે જીલેણ રસાયણોથી ફેબ્રિક તૈયાર કરતાં કારીગરોને પણ ઘણાં જોખમી રોગોમાંથી બચાવવાનો પ્રયાસ કરીએ છીએ. 

ચેન્નઇનું 'નેચરલ ફાઇબર વિવર્સ અસોસિએશન' પણ કુદરતી તત્વોનો ઉપયોગ કરીને કપડાં બનાવે છે. આ સંસ્થાના સૂત્રો જણાવે છે કે અમે કુદરતી સૂતરને હળદર, તુલસી, લીમડા અને ચંદનકાષ્ટ વડે રંગીએ છીએ. આ બધી કાષ્ઠૌષધિમાં એન્ટિબેક્ટેરિયલ ગુણો હોવાથી તે ત્વચા માટે ઉત્તમ પુરવાર થાય છે. અમારા વણકરોએ અત્યાર સુધી વિવિધ પ્રકારના ૩૦ જેટલાં કુદરતી સૂતર તૈયાર કર્યાં છે. આમાંથી અન્નાનસ, કુંવારપાઠું, વાંસ ઇત્યાદિના યાર્ન સૌથી માનીતા બન્યાં છે. 

તેઓ વધુમાં કહે છે કે જેવી રીતે કોઇ શારીરિક રોગના ઉપચાર માટે આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે તેવી જ રીતે આયુર્વેદિક કપડાંમાં જડીબુટ્ટીઓ સીંચવામાં આવે છે. પૌરાણિક કાળમાં ભારતમાં કપડાંને આ રીતે રંગવાની પ્રથા હતી જે  દરેક રીતે શ્રેષ્ઠ હતી. આજે  પણ કલમકારી તૈયાર કરવા માટે હળદર, દૂધ, લોખંડના કાટ, દાડમની છાલ, વૃક્ષો-છોડોની છાલ ઇત્યાદિનો ઉપયોગ કરવામાં આવે છે તેવી જ રીતે આયુર્વેદિક સાડીઓ માટે આવા કુદરતી તત્વોનો વપરાશ થાય છે.

છેલ્લા ઘણાં સમયથી હાથવણાટની સાડીઓનું ચલણ વધ્યું છે તેવી જ રીતે હર્બલ સાડીઓની બોલબાલા પણ વધશે. ફરક માત્ર એટલો કે તમે હેન્ડલૂમની સાડી નિયમિત રીતે પહેરી શકો. જ્યારે હર્બલ ટેક્સટાઇલ માત્ર ત્વચા કે અન્ય બીમારીના ઉપચાર માટે જ  ઉપયોગમાં લઇ શકાય. જેમ કે યોગ કરતી વખતે નિલગિરીના પાનનો ઉપયોગ કરીને રંગેલા વસ્ત્રો ફાયદાકારક ગણાય છે. તે રીતે જુદાં જુદાં  રોગોમાં અલગ અલગ તત્વોમાંથી તૈયાર કરેલા કપડાં ફાયદાકારક પુરવાર થાય. 

- વૈશાલી ઠક્કર

Tags :