Get The App

ગર્ભાશયના સોજાનો ઉપચાર

Updated: Dec 23rd, 2019

GS TEAM


Google News
Google News
ગર્ભાશયના સોજાનો ઉપચાર 1 - image


અવયવોની દ્રષ્ટિએ વિચાર કરીએ તો સ્ત્રીના પ્રજનનતંત્રનાં અવયવોમાં ગર્ભાશયની મુખ્ય અવયવ તરીકે ગણતરી થાય છે. ગર્ભાશય એ એક એવું અવયવ છે કે, જેમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થવાની શક્યતા રહે છે. આ બધા રોગોમાં તીવ્ર અથવા જીર્ણ બળતરા વધારે જોવામાં આવે છે. આ ગર્ભાશયને લગતી બળતરા તેની અંદરની દીવાલ, તેને દ્રઢ કરતી માંસપેશીઓ, ગર્ભાશયની ગ્રીવા વગેરેમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે.

ગર્ભાશયની અંદરની પાતળી ત્વચામાં ઉત્પન્ન થતો સોજો અને બળતરાને આધુનિકો ''એન્ડોમેટ્રાઈટીસ'' અને ગર્ભાશયની માંસપેશીઓમાં થનારા સોજા અને બળતરાને ''મેટ્રાઈટ્રીસ'' કહેવામાં આવે છે.

એન્ડોમેટ્રાઈટીસને આમ તો ગર્ભાશયનો સોજો કહેવામાં આવે છે. આ રોગની તીવ્ર અવસ્થામાં નીમ્ન પ્રકારના લક્ષણો પ્રકટ થાય છે. ધીમો તાવ અથવા જીર્ણ જ્વર, સાધારણ દુર્બળતા અશક્તિ, ભૂખ ન લાગવી, માથાનો દુ:ખાવો, પડખા, કમર અને પેડૂના ભાગમાં દુ:ખાવો. આ ઉપરાંત આ રોગોમાં યોનિપ્રદેશમાં દાહ, બળતરા અને ટાંકણીઓ ખૂંચતી હોય એવી અનુભૂતિ-વેદના થાય છે. ગર્ભાશયમાંથી પ્રચૂર માત્રમાં ચીકણો સ્ત્રાવ થાય છે અને કોઈ કોઈ વખત તેમાં લોહી પણ આવે છે.

આ રોગની જીર્ણ અવસ્થામાં પણ તીવ્ર  અવસ્થા જેવા જ લક્ષણો પ્રકટ થાય છે.

ગર્ભાશયનો સોજો

આ રોગમાં ગર્ભાશયની અંદરની દીવાલની પાતળી ત્વચામાં સોજો ઉત્પન્ન થાય છે અને ખૂબ જ ચીકણો પરૂ જેવો શ્વેત કે પીળા રંગનો સ્ત્રાવ થાય છે. આ સ્ત્રાવ ઉગ્ર અવસ્થામાં લોહી મિશ્રિત પણ હોય છે. આ કારણથી તેને ગર્ભાશયનું પ્રદર પણ કહેવામાં આવે છે. ગર્ભાશયનો સોજો ઘણી વાર ઉપદ્રવ રૂપે પણ થતો હોય છે. આમાં મૂળભૂત કારણો અને રોગો વિભિન્ન પ્રકારના હોય છે. ત્યારે ગર્ભાશયમાં થતો સોજો ઉપદ્રવ અથવા લક્ષણ રૂપે પણ હોય છે. આવા કેસોમાં સોજો ઉત્પન્ન કરતા મૂળભૂત રોગનો ઉપચાર કરવાથી રોગ મટતાં સોજો સ્વયં મટી જાય છે. ધારો કે ગર્ભાશયમાં સોજો ઉત્પન્ન કરનાર મૂળ રોગ થાય અથવા પ્રદર હોય તો પ્રથમ મૂળભૂત રોગ ક્ષયનો ઉપચાર કરવાથી કે પ્રદર હોય તો તેનો ઉપચાર કરવાથી થાય કે પ્રદર મટતાં સોજો સ્વયં શાંત થઈ જાય છે, મટી જાય છે.

વારંવાર ગર્ભપાત, ક્યુરેટીંગ, ગર્ભાશય પર કંઈક વાગી જવું, કોઈ જૂના ચેપી રોગો, વાયરલ રોગો ઈત્યાદિ વગેરેથી આ રોગો થાય છે. જે સ્ત્રીઓ અત્યંત મૈથુનાભિલાષી હોય છે, તેને તથા જે સ્ત્રીઓને ગેનોરિયા કે ચાંદી સીફિલસ જેવા સંક્રામક રોગો થઈ ગયા હોય તેને આ રોગ થવાની પૂરી શક્યતા રહે છે.

આ રોગના બે તબક્કા પાડી નાખવામાં આવે છે. (૧) નવીન અથવા તીવ્ર અને (૨) જીર્ણ અથવા જૂનો.

આ રોગની નવી અથવા તીવ્ર અવસ્થામાં રોગીણીને થોડા પ્રમાણમાં પણ તાવ તો અવશ્ય આવે જ છે. પેડૂની નીચેના ભાગમાં અને કમરમાં પીડા અવશ્ય થાય છે. આ રોગમાં કબજીતાય પણ કરવામાં આવે તો ઓવરી અથવા આર્તવ વહન કરતા સ્ત્રોમાં-ફેલોપીન ટયૂબમાં સોજો જણાય છે.

આ રોગનું લક્ષણ એ હોય છે કે, ગર્ભાશયમાંથી પરૂ મિશ્રિત લોહીનો સ્ત્રાવ થઈ ગયા પછી દર્દ ઓછું જણાય ચે. કોઈ કોઈ દર્દીને હીસ્ટીરિયા દાંત બંધ થઈ જવા, અને પગમાં ગોટલા ચડી જવાની ફરિયાદો ઉત્પન્ન થાય છે. પેટ ભારે ભારે અને ફૂલેલું લાગે છે. જીવ ચૂંથાતો હોય એવી અનુભૂતિ થાય છે અને મોળ આવે છે. ગર્ભાશય ગ્રીવા અથવા સર્વિકસ ઉપર રોગની અસર થવાથી પીળા રંગના પ્રવાહીનો સ્ત્રાવ થાય છે.

કેટલીક સ્ત્રીઓ આ રોગમાં અડધું માથું દુ:ખવાની ફરિયાદ કરતી હોય છે, ભૂખ ઓછી થઈ જાય છે, ચહેરો લેવાઈ જાય છે. નબળાઈ ખૂબ જ વધી જાય છે અને રોગથી પીડિત  કોઈ શારીરિક અને માનસિક પરિશ્રમ કરવામાં અસમર્થ થઈ જાય છે. માસિકધર્મ દુ:ખાવા સાથે થાય છે અને કમર જકડાઈ જાય છે.

ઉપચાર

આ રોગમાં વ્યવસ્થિત ઉપચારક્રમની યોજના કરવી જોઈએ. આ રોગમાં રોગીણી જો મેદસ્વી હોય તો સૌ પ્રથમ ઉપવાસ સાથે ઉપચારક્રમ લાભદાયી ગણવાય છે. પ્રારંભનો-શરૂઆતનો જ રોગ હોય તો માત્ર ચાર-પાંચ ઉપવાસ (ફલોનો રસ લઈ શકાય) અને ઔષધોપચાર દ્વારા સંપૂર્ણપણે કાબૂમાં લાવી દૂર કરી શકાય છે. જ્યારે કેટલાંક જૂના કે જીર્ણ રોગોમાં એકાદ-બે સપ્તાહ સુધી યોગ્ય ઉપવાસો દ્વારા અને વ્યવસ્થિત ઔષધોના સેવનથી રોગને કાબુમાં લાવી શકાય છે.

ઉપવાસ વખતે દૂગ્ધાહારની યોજના રોગ અને રોગીઓને બરાબર જોઈને કરી ઉપવાસ એટલે શું? એ દરેકે જાણી લેવું જોઈએ.

ઉપવાસને આયુર્વેદિય ભાષામાં ''લંઘન'' કહેવામાં આવે છે. લંઘનનો અર્થ થાય છે વઘુતા અથવા તો હલકાપણું જે ઉપચારથી શરીર હળવું ફૂલ જેવું બને તેને લંઘન કહી શકાય. લંઘનથી સમગ્ર શરીર નિર્મળ બને છે અને શરીરનાં આંતરિક સ્ત્રોતોના અવરોધો દૂર થાય છે. આ કારણને લીધે જ આંતરડાની સફાઈ માટે રેચ કરતા ઉપવાસને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

ઉપવાસ પછી આ રોગમાં ઉષ્ણ જળમાં કટીરનાનનું મહત્ત્વ પણ ખૂબ ગણવામાં આવ્યું છે. નાભિપ્રદેશ ડૂબે એ રીતે સુખોષ્ણ જળમાં કટીરનાન માલિશ સાથે સવારે અને રાત્રે કરવું જોઈએ.

જો ગર્ભાશયમાં ખૂબ જ બળતરા થતી હોય તો ડ્રશ અથવા ઉત્તરબરિતની યોજના કરવી જોઈએ. ઉત્તરબરિતમાં ત્રિફળા ક્વાથ, છાશ વગેરેમાંથી વાયુ પિત્તાદિ દોષની અવસ્થા જોઈને પસંદગી કરવી જોઈએ.  ઉત્તરબરિતથી સમગ્ર યોનિપ્રદેશ સ્વચ્છ બને છે. અને યોનિની અંદરના સ્થાનિય દોષો અને ચીકાશનો નાશ થાય છે અને તેથી ધીમે ધીમે ગર્ભાશયનો સોજો ઓછો થાય છે.

એક ઔષધ યોજના

જેઠીમધ, કમળ, આમલીના પાન, ધાવડીના ફૂલ, જાંબુના કળિયા, આંબાની ગોટલી, લોધર, દાડમની છાલ, કાથો અને ઉમરડો આ બધા ઔષધો દસ-દસ ગ્રામ લેવા. આ બધા ઔષધોને અધકચરા ખાંડી એક કિલો તલના તેલમાં નાખી ઉકાળવા. ઉકળતા ઉકળતા તેલની અંદરના ઔષધો લાલ અને પક્વ બને ત્યારે આ તેલને ઉતરી, ઠંડું પાડી, કપડાંથી ગાળી, બાટલી ભરી લેવી. આ તેલને ધાતકાકયાદિ તેલ કહેવામાં આવે છે અને આયુર્વેદના ગ્રંથોમાં તેનો ઉપયોગ થયેલો છે.

આ રોગવાળી સ્ત્રીએ સૌપ્રથમ ત્રિફળા  પુમડું પોતું મૂક્યા પછી, એ જ તેલથી કમર, પીઠ, પેડૂ પર ધીમા હાથે માલીશ-મર્દન કરવું જોઈએ. ત્યાર પછી ગરમ પાણીએ સ્નાન કરી લેવું. ગર્ભાશયનો અને યોનિ પ્રદેશનો સોજો આ ઉપચાર-પ્રયોગથી દૂર થાય છે - મટે છે.

આ તેલની ઉત્તરબરિત પણ આપી શકાય. પરંતુ તે રોગ અને રોગીણીનું બળાબળ જોઈને યોજાય છે. આ પ્રયોગથી યોનિપ્રદેશ સ્ત્રાવવાળો, ચીકણો, ફોલ્લીઓવાળો, મીઠી ખંજવાળવાળો અને સોજાવાળો હોય તો તે દૂર થાય છે.

Tags :