આતંકવાદી સંગઠનમાં પ્રવેશવા માટે પણ આકરી પરીક્ષા!

- હિઝબુલ્લાહમાં જોડાવા માટે દરેક લેબેનીઝ યુવાને એક લાંબી, કષ્ટદાયક અને ધીરજ માગી લેતી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે
સા માન્ય માન્યતા એવી છે કે તમિળ ટાઇગરોએ સ્યુસાઇડ બોમ્બિંગ (માનવબોંબ દ્વારા આત્મઘાતી હુમલા)ની શરૂઆત કરી. જ્યારે હકીકત એ છે કે સ્યુસાઇડ બોમ્બિંગનો આરંભ લેબેનીઝ ગેરીલાઓએ બેરૂત શહેરમાંથી કર્યો હતો. ઇઝરાયલ સાથે દાયકાઓથી ચાલતા સંઘર્ષમાં લેબેનીઝ ગેરીલા સંગઠનો માટે સ્યુસાઇડ બોમ્બિંગ વરસોથી સૌથી ઘાતક હથિયાર બની રહ્યાં છે. આમાં પાછી નવાઈની વાત એ છે કે સ્યુસાઇડ બોમ્બિંગ દ્વારા દુશ્મન ઉપર હલ્લો બોલીને શહીદી વહોરવા માગતા યુવાનોની લેબેનોનમાં કદી ખોટ નથી વર્તાતી. ઇઝરાયલ સામેના યુદ્ધમાં લેબેનીઝ ગેરીલા સંગઠન હિઝબુલ્લાહ સૌથી અગ્રેસર છે. હિઝબુલ્લાહ પાસે આ રીતની શહીદી વહોરવા માગતા સેંકડો યુવાનોની એક છૂપી યાદી (સિક્રેટ લિસ્ટ) હોય છે અને આ સિક્રેટ લિસ્ટમાં કોનાં કોનાં નામ છે એ હિઝબુલ્લાહના નેતા સિવાય કોઈ જાણતું નથી. શહીદી વહોરવા માગતા યુવાનોને હિઝબુલ્લાહ ગેરીલા સંગઠન વોલંટિયરો ગણાવે છે અને આ વોલંટિયરો પૈકી કોઈને મળીને એની પાસેથી હિઝબુલ્લાહ અને તેની પ્રવૃત્તિઓ વિશે વાત કઢાવવી લગભગ અશક્ય છે. હિઝબુલ્લાહ ભલે ત્રાસવાદી ગેરીલા સંગઠન રહ્યાં પણ એમાં ગમે તેવા આલિયામાલિયાને પ્રવેશ નથી અપાતો. હિઝબુલ્લાહમાં જોડાવા માટે દરેક લેબેનીઝ યુવાને એક લાંબી, કષ્ટદાયક અને ધીરજ માગી લેતી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. સૌથી પહેલા તો અરજદારે કોઈ કોર્પોરેટ કંપનીમાં નોકરી માગવા જતા હો એમ એક ફોર્મ ભરવું પડે અને એ ફોર્મમાં અરજદારે પોતાના ચારિત્ર્ય વિશે બે જાણીતી હસ્તીઓનો રેફરંસ આપવો પડે. હિઝબુલ્લાહના કર્તાહર્તાઓને પૂરેપૂરી ખાતરી થઈ જવી જોઇએ કે આપણા સંગઠનમાં જોડાવા ઇચ્છતો શખ્સ આપણી વિચારસરણી અને માન્યતાઓમાં સો ટકા વિશ્વાસ ધરાવે છે અને આપણા ઉદ્દેશોની પૂર્તિ માટે એ ગમે તેવું બલિદાન આપવા તૈયાર છે. ઉમેદવાર અને એના કુટુંબનું બેકગ્રાઉન્ડ પણ ચકાસી લેવાય છે. એણે પોતાના ત્રણ નજીકના અને 'વિશ્વાસુ' માણસોના નામ આપવા પડે છે. આવા દરેક વિશ્વાસુ માણસનો ઓછામાં ઓછો ત્રણ કલાક સુધી ઇન્ટરવ્યુ લેવાય છે. ઉમેદવારને કોઈ પણ પ્રકારની લશ્કરી તાલીમ આપ્યા પહેલા એને માટે ત્રણ શિક્ષણ સત્રો રાખવામાં આવે છે જેમાં એને રાજકારણ, ધર્મ અને હિઝબુલ્લાહની ચળવળના સામાજિક મહત્ત્વ વિશે 'જ્ઞાન' અપાય છે.








