આજની કથા : વિપત્તિમાં પણ અડગ રહેવાનો સ્વભાવ

ભર્તૃહરિએ નિતિશતકમાં મહાપુરૂષોના સ્વાભાવિક ગુણોનું વર્ણન કરતા લખ્યું છે :
વિપદિ ધૈર્યમથાભ્યુદયે ક્ષમા,
સદસિ વાક્પટુતા યુધિ વિક્રમ: ।
યશસિ ચાભિરુચિર્વ્યસનં શ્રુતૌ, પ્રકૃતિસિદ્ધમિદં હિ મહાત્મનામ્ ।।
અર્થાત્ : વિપત્તિમાં ધૈર્ય, સમૃદ્ધિમાં ક્ષમાશીલતા, સભામાં વાક્-ચાતુર્ય અને યુદ્ધમાં શૌર્ય - આ ગુણો મહાપુરૂષોમાં સ્વભાવથી જ સિદ્ધ થાય છે. આ શ્લોકની કસોટી પર ઘટોત્કચના પ્રસંગને પરખીએ તો એક ઊંડું સત્ય પ્રગટ થાય છે. કુંતિએ વિપત્તિમાં ધૈર્ય રાખ્યું, ભીમે સંકટમાં પણ પોતાનો પરાક્રમ ન છોડયો, અને હિડિમ્બાએ શત્રુની વચ્ચે પ્રેમને ઓળખવાનું સાહસ બતાવ્યું. આ ત્રણેય ગુણો મળીને એક એવા યોદ્ધાના જન્મનું કારણ બન્યા, જે કુરૂક્ષેત્રમાં અનિવાર્ય સાબિત થયો.
વિનાશની આગમાં છુપાયેલું સર્જનનું બીજ
ભારતીય દર્શન ક્યારેય એવું નથી કહેતું કે વિપત્તી સારી હોય છે. તે કહે છે કે જેઓ વિપત્તીમાં પણ પોતાના સ્વભાવથી ડગતા નથી, તેમના જીવનમાં સંકટ પણ કોઈ સર્જનની ભૂમિકા બની જાય છે. જો પાંડવો રાજમહેલમાં હોત, વૈભવમાં હોત, તો કદાચ ભીમનું હિડિમ્બા સાથેનું આ અસાધારણ મિલન ક્યારેય ન થયું હોત. લાક્ષાગૃહની તે આગ જે દુર્યોધને વિનાશ માટે લગાવી હતી, તેણે જ પાંડવોને તે વન તરફ ધકેલ્યા, જ્યાં એક એવા યોદ્ધાનું બીજારોપણ થવાનું હતું જે કર્ણના અમોઘ શક્તિ-અસ્ત્રને પોતાના પર ઝીલીને અર્જુનના પ્રાણ બચાવશે.
સંકટમાં સ્થિરચિત્તતા
ઉદ્યોગપર્વમાં મહાત્મા વિદુર ધૃતરાષ્ટ્રને પંડિતબુદ્ધિ પુરુષના લક્ષણ જણાવતા કહે છે :
નાપ્રાપ્યમભિવાઞ્છન્તિ નષ્ટં નેચ્છન્તિ શોચિયુમ્ ।
આપત્સુ ચ ન મુહ્યન્તિ નરા: પંડિતબુદ્ધય: ।।
જે અપ્રાપ્યની લાલસા રાખતા નથી, જે ગુમાવેલી વસ્તુ માટે શોક કરતા નથી અને જે આપત્તિઓમાં પણ વિચલિત થતા નથી, તે જ પંડિતબુદ્ધિ પુરુષ છે. લાક્ષાગૃહથી ભાગતી વખતે પાંડવોની મન:સ્થિતિ આ શ્લોકની જીવંત વ્યાખ્યા છે. તેમણે ન તો ગુમેવાલા રાજ્યનો વિલાપ કર્યો, ન તો અપ્રાપ્ય પ્રતિશોધની ઇચ્છામાં વ્યગ્ર થયા. તેઓ વનમાં જીવતા રહ્યા, સતર્ક રહ્યા અને જે સંયોગ સામે આવ્યો, તેને તેની સંપૂર્ણતામાં સ્વીકાર્યો. આ સ્વીકૃતિ જ ઘટોત્કચના જન્મનું મૂળ કારણ બની.
ઉપેક્ષિતને પારખવાની દૂરદ્રષ્ટિ
આ કથાનું એક અત્યંત આધુનિક પાસું પણ છે. હિડિમ્બા વનની રાક્ષસી હતી - સમાજના હાંસિયા પર, કથિત 'સભ્ય' સંસ્કૃતિની બહાર. પરંતુ કુંતીએ તેને પુત્રવધૂ તરીકે સ્વીકારી. આ સ્વીકૃતિ માત્ર ઉદારતા નહોતી, તે એક દૂરદર્શી નેતૃત્વનો નિર્ણય હતો. કુંતીએ જાણ્યું કે શક્તિ માત્ર કુલીન વંશોમાં જ હોતી નથી. જે સમાજ માત્ર પોતાના જેવા લોકો સાથે ગઠબંધન કરે છે, તે મર્યાદિત રહે છે. જે સમાજ વિવિધ પૃષ્ઠભૂમિની શક્તિઓને ઓળખીને તેમને જોડે છે, તે વિસ્તૃત અને અજેય બને છે.
સંસ્કૃતિઓના સંગમની શક્તિ
ઘટોત્કચ ન તો પૂરેપૂરો માનવ હતો, ન તો પૂરેપૂરો રાક્ષસ. તે બંને સંસ્કૃતિઓનો સંગમ હતો. અને તેથી જ તેનામાં તે ક્ષમતા હતી જે શુદ્ધ કુલીન વાતાવરણમાં ઉછરેલા કોઈ યોદ્ધામાં ન હોઈ શકે.
સંદેશ સ્પષ્ટ છે : જે વ્યક્તિ, પરિવાર કે સંસ્થા માત્ર સંકટથી ગભરાઈને સંકોચાઈ જાય છે, તે એવા સંયોગો ગુમાવી દે છે જે માત્ર વિષમ પરિસ્થિતિમાં જ બને છે. જે ઉદ્યમી નિષ્ફળતામાં પણ જોડાયેલા રહે છે, જે પરિવારો સંઘર્ષમાં પણ એકજૂથ રહે છે ત્યાં અચૂક કોઈને કોઈ 'ઘટોત્કચ' જન્મ લે છે. જે પુત્ર વિપત્તિમાં જન્મ્યો, તે જ કુરુક્ષેત્રમાં વરદાન બન્યો.









