વસ્ત્રો પર પડેલા ડાઘ દૂર કરવા...
કદાચ તમે તમારા મનપસંદ ડ્રેસમાં એકદમ આકર્ષક લાગતાં હશો અને ગુલાબની સુગંધથી મધમધતાં હશો, પરંતુ બહાર નીકળતાં પહેલાં એ જરૂરથી જોઈ લેજો કે ક્યાંક તમે લગાડેલા પરફ્યુમના ડાઘ તમારા ડ્રેસ પર તો નથીને?
જો તમને કપડાં પર પરફ્યુમ છાંટવાની આદત હોય તો તમારા જેવી ફેશનપરસ્ત વ્યક્તિઓ એલર્ટ થવાની જરૂર છે. પરફ્યુમ કપડાં પર નહીં, શરીર પર છાંટવા માટે હોય છે. શું તમે એ જાણો છો? હાથ પર નાડી પાસે કે કોણીના અંદરના ભાગમાં છાંટવા પરફ્યુમ હોય છે, કપડાં પર નહીં. એ કપડાં પર છાંટવાથી કપડાં પર ડાઘ પડી જશે.
કોલોન કે પરફ્યુમના ડાઘ પરસેવાના ડાઘ જેવા બહુ ખરાબ ડાઘ હોય છે. એનાથી કપડાંને પણ નુકસાન પહોંચે છે. જે તેલ અને આલ્કોહોલ કોલોન અને પરફ્યુમ માટે વપરાય છે એ ખૂબ જ સ્ટ્રોન્ગ હોવાથી કપડાં પર ખરાબ ડાઘ પડી જાય છે. અહીં એ ડાઘ કાઢવા વિશે થોડી જાણકારી આપી છે જેથી તમે ટેન્શન ફ્રી થઈ જશે.
સામાન્ય રીતે સફેદ કપડાં ધોવા માટે ગરમ પાણીમાં બોળી રાખવાં જરૂરી છે. હલકી ગુણવત્તાનાં ડિટર્જન્ટ્સ વાપરવાથી પણ કપડાં પીળાં પડી જાય છે. કપડાંને મશીનમાં ધોવાને બદલે હાથથી જ ધોવાથી સારી રીતે સફાઈ થાય છે. કપડાં બરાબર ન ધોવાય તો પીળાશ પડતાં લાગે છે, એ માટે બ્લીચ અથવા તો વાઈટનર્સ વપરાય છે, પરંતુ એનાથી કપડાંને નુકસાન થાય છે અને કપડાંની શાઈનિંગ ચાલી જાય છે અને જાણે ખૂબબધી વાર પહેરાઈ ગયેલું કપડું હોય એવું લાગે છે.
સફેદ કપડાંની શાઈનિંગ ટકી રહે એ માટેનો બેસ્ટ ઉપાય છે કપડાંને હાથેથી ધોયા પછી એને તડકામાં સૂકવવા મૂકો. સનલાઈટથી કપડાંમાં નેચરલ ચમક આવે છે. સફેદ કપડાંને પહેર્યાં પછી બીજા જ દિવસે ધોઈ નાખવાં. મેલાં કપડાંને જેટલો લાંબો સમય રાખી મૂકશો એટલી એની ચમક ઓછી થઈ જશે.
પરફ્યુમના ડાઘ-ધબ્બા દૂર કરવા માટે
પરફ્યુમના ડાઘને પરસેવાના ડાઘ સમજી તકેદારી રાખો. એને બને એટલા જલદી કાઢી નાખવા પ્રયત્ન કરો.
કોટન જેવાં વોશેબલ કપડાં પરથી આ ડાઘ કાઢવા લીંબુનો રસ લગાડી ઘસી નાખો. ચપટી ડિટર્જન્ટ અને પાણીથી પણ આ ડાઘ કાઢી શકાય. ત્યારબાદ તરત જ એને હાઈ ટેમ્પરેચર પર ધોઈ લો. માત્ર ડાર્ક કે બ્લેક રંગનાં કપડાં આ રીતે નહીં ધોઈ શકાય.
જો સિલ્ક કે સાટીનનું કપડું હોય તો ડ્રાય ક્લીન કરવાનું જ યોગ્ય રહેશે. તમે ગમે તેટલી જલદીમાં હો હંમેશાં એ વાતનું ધ્યાન રાખો કે પરફ્યુમ શરીર પર છાંટવા માટે છે. કપડાં પર નહીં.
જેટલો વધુ સમય સુધી ડાઘ પડયો રહે એટલું એને કાઢવાનું મુશ્કેલ બને છે. તેથી કપડાંને પરફ્યુમ લાગે તો તરત જ ચોખ્ખા પાણીથી ધોઈ નાખવાનું રાખો. ડાઘ પડી ગયા હોય તો ગરમ પાણીમાં ડિટર્જન્ટ નાખી બરાબર મસળવાથી ડાઘ આછા થઈને નીકળી જશે.
અન્ય ડાઘા દૂર કરવા માટે
લિપસ્ટિક : જો ટોપ કે શર્ટ પર લિપસ્ટિકના ડાઘા પડી ગયા હોય તો ડાઘ પર થોડું વેસલિન ઘસીને પછી સાબુવાળા ગરમ પાણીમાં બોળીને સાફ કરી નાખો. એનાથી ડાઘા સમૂળગા નીકળી જશે. જો વેસલિન હાથવગું ન હોય તો હેરસ્પ્રે લઈને લિપસ્ટિકના ડાઘ પર છાંટો. એકાદ મિનિટ માટે રહેવા દઈને સાબુથી ધોઈ નાખો.
ગ્રીસ : તેલ-ઘીના ડાઘ દૂર કરવા માટે જે ભાગ પર ડાઘો પડયો છે એના પર ડિશ ધોવાનું ડિટર્જન્ટ લિક્વિડ લગાવો. એકાદ મિનિટ રહેવા દઈને બરાબર ઘસો. એમ કરવાથી ડાઘા આછા થશે. જો જિદ્દી ડાઘ હોય તો વારંવાર આમ કરવાથી ડાઘા સદંતર દૂર થઈ જશે.
પરસેવાના ડાઘ : સફેદ વિનેગર અથવા ચપટી બેકિંગ સોડા ડાઘ પર લગાવી એમાં થોડુંક પાણી ઉમેરી ડાઘને બરાબર મસળવાથી ડાઘા આછા થઈ જશે. એ પછી ડિટર્જન્ટવાળા પાણીમાં કપડું બોળીને ધોઈ નાખવાથી ડાઘા સંપૂર્ણ દૂર થઈ જશે.