મારે મન સફળતા એટલે મનપસંદ કામ કરવાની સ્વતંત્રતા: સુમિત અરોરા

- 'શરૂઆતમાં મારે લોકોને મળવા માટે પણ ખૂબ સંઘર્ષ કરવો પડતો હતો. મને સમજાયું કે પહેલાં તો આ શહેરમાં ટકી રહેતાં શીખવું પડશે, એ પછી જ ફિલ્મ બનાવવાની વાત કરી શકાશે...'
હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં લેખક તરીકે સફળતા મેળવવી અઘરી છે. પારાવાર સંઘર્ષ બાદ કિસ્મત જોર કરતું હોય તો સફળતા હાથ લાગે છે. આવો એક નસીબદાર લેખક સુમિત અરોરા છે. સુમિત અરોરાએ લખેલી બે ફિલ્મ સ્ત્રી અને બોર્ડર ટુ હીટ નીવડતાં આજકાલ સફળ ફિલ્મલેખક તરીકે તેનો સિતારો ચમકી રહ્યો છે. પણ આ સફળતા મળી એ પહેલાં સુમિતે હિન્દી ફિલ્મ લાઇનમાં ઘણો સંઘર્ષ કરવો પડયો છે. પોતાની સફળતાની દાસ્તાન ફિલ્મ લેખક પોતે કહે ત્યારે તેની મજા અલગ જ હોય છે. સુમિત અરોરા કહે છે પોતાની સંઘર્ષકથા.....
સત્તર કે અઢાર વર્ષની વયે મેરઠથી મુંબઇ આવ્યો ત્યારે મનમાં સ્પષ્ટ હતો કે મારે ફિલ્મો લખવી અને તેનું દિગ્દર્શન પણ કરવું છે. હ ુંરહ્યો હિન્દી માધ્યમનો વિદ્યાર્થી ે એટલે ઇંગ્લીશ બોલતાં તો આવડતું નહોતું. વળી મુંબઇમાં હું કોઇને ઓળખતો પણ નહોતો. આમ, મારે લોકોને મળવા માટે પણ મોટો સંઘર્ષ કરવો પડયો. મને સમજાયું કે પહેલાં તો આ શહેરમાં ટકી રહેતાં શીખવું પડશે એ પછી ફિલ્મ બનાવવાની વાત કરી શકાશે. મેં પહેલાં તો એક સિનિયર લેખકના સહાયક તરીકે કામ કરવા માંડયુ. મને ટેલિવિઝન પર કામ અને દામ પણ મળવા માંડયા. ટેલિવિઝન પર લખી નાણાં રળતાં શીખ્યો જેને કારણે મને આ શહેરમાં સ્થાયી થવામાં મદદ મળી.
હું જ્યારે ટેલિવિઝન પર લખતો હતો ત્યારે મને સારા એવા નાણાં મળતાં હતા. પણ મારા માટે તો હું જે કરવા માંગતો હતો ત્યાં જવાનો આ માર્ગ હતો. મારે તો ફિલ્મ લખવી હતી. ટીવીએ મને પ્લેટફોર્મ અને નાણાંકીય સ્થિરતા આપી. મને નાણાં મળ્યા પણ હું પોતાની જાતને સફળ માણસ ગણતો નહોતો. વળી હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં ટેલિવિઝન પર કામ કરવું જાણે એક કલંક હોય તેમ ગણવામાં આવે છે. હું જ્યારે દિગ્દર્શકો અને નિર્માતાઓને મિટિંગ માટે મળવા જતો ત્યારે તેઓ મને પૂછતા કે તમે શું લખો છો? મેં તો ત્યાં સુધી માત્ર ટીવી શો જ કર્યા હતા. દિલ મિલ ગયા અને સડ્ડા હક્ક જેવા શો મેં લખેલાં. પણ હું જેવો કહું કે હું ટીવી માટે કામ કરું છું કે તરત જાણે વાત અટકી જતી. તેઓ મને એક વ્યક્તિ કે લેખક તરીકે જોઇ જ ન શકતાં. જેવું ટીવીનું નામ પડે કે વાતચીત બંધ થઇ જતી. કારણ કે તેઓ એમ માનતાં કે હું સિનેમા માટે કેવી રીતે લખાય તે હું જાણતો નથી. મારે આ મોટી સમસ્યાનો સામનો કરવો પડયો છે. પણ હું તેનાથી નાસીપાસ થયો નહીં અને મારે ફિલ્મ લખવી હતી એટલે હું મારી લેખન કળા પર સતત કામ કરતો રહ્યો. મારી સાથી બીજા પણ ઘણાં લોકો ટીવી પરથી ફિલ્મલેખન ભણી જવા માંગતા હતા. અમે સહાયક નિર્દેશકો સાથે મિત્રતા કરી અમારું એક સર્કલ બનાવ્યું હતું. આ સર્કલમાં અમર કૌશિક પણ હતો જેણે બાદમાં સ્ત્રી ફિલ્મ બનાવી. આ દરમ્યાન મેં મારી રીતે ફિલ્મોની પટકથાઓ પણ લખવા માંડી.કોઇને રસ પડે અને તે મારું કામ જોવા માંગે તો તેને વાંચીને ખબર પડે કે હું શું કરૃં છું. દરમ્યાન મેં એક શોર્ટ ફિલ્મ વ્હાઇટ શર્ટ બનાવી. એ પછી લોકોને મારી આવડતનો અંદાજ આવ્યો. એ પછી અમર કૌશિકે મને સ્ત્રી ફિલ્મના સંવાદો લખવા જણાવ્યું. મારે માટે આ મોટો વળાંક બની રહ્યો. સ્ત્રી ફિલ્મ લખતી વખતે મને પહેલીવાર લાગ્યું કે હું એક લેખક છું.
પણ બોર્ડર-ટુ લખવી એ મારે માટે એક સાહસ બની રહ્યું. મેં મેરઠના એક થિયેટરમાં ૧૯૯૭માં બોર્ડર ફિલ્મ જોઇ હતી. મને જ્યારે બોર્ડર ટુ લખવાની ઓફર થઇ ત્યારે મને ખબર હતી કે મારા માટે આ એક મોટી જવાબદારી છે. જે ફિલ્મ તમે બાળક તરીકે જોઇ હોય તેનો હિસ્સો બનવાની તમને તક મળે એ મોટો વિશેષાધિકાર છે. ત્રણ દાયકામાં લાખો ભારતીયોએ આ ફિલ્મ જોઇ છે અને તેની સાથે ઘણી લાગણીઓ જોડાયેલી છે. અમે જ્યારે આ ફિલ્મ લખતાં હતા ત્યારે દિગ્દર્શક અનુરાગ સિંહ અને હું આ જવાબદારીથી વાકેફ હતા અને અમે તેને પુરો ન્યાય આપવાનો પ્રયાસ કર્યો હતો. દરેક ફિલ્મ લેખક માટે અલગ અનુભવ બની રહે છે. દરેક ફિલ્મ માટે અપેક્ષાઓ અલગ અલગ હોય છે.
વાત તો સાચી!









