Magazines

સમયની કિંમત .

By GS TEAM
11 Oct 20253 mins read
સમયની કિંમત                                .

- એક સમય એવો આવ્યો કે શ્યામને પોતાની  જાત પર શરમ આવવા માંડી. એને સત્ય સમજાવા લાગ્યું. એને થયું, 'મેં પણ વિદ્યાર્થી જીવનમાં મહેનત કરી લીધી હોત તો?

- હું પણ શિસ્તબદ્ધ જીવન જીવ્યો હોત તો...'

સુંદરપુર નામનું એક સુંદર ગામ હતું. ગામમાં રામ અને શ્યામ નામના બે જોડિયા ભાઈઓ રહે. મમ્મી-પપ્પાએ એમને ગામની સ્કૂલમાં એડમિશન અપાવ્યું હતું.બન્ને ભાઈઓ હોંશે હોંશે ભણવાજતા. શરૂઆતમાં તો બધું બરાબર ચાલ્યું, પણ ધીમેધીમે રામ અને શ્યામના વ્યક્તિત્વમાં રહેલો ફરક દેખાવા લાગ્યો. 

રામને ભણવું ખૂબ ગમે. સ્કૂલેથી ઘરે આવ્યા પછી એ નિયમિત લેસન કરે, પુસ્તકો વાંચે, ઇતર પ્રવૃત્તિઓમાં રસ લે.... પણ શ્યામને ભણવું ન ગમે. એ સ્કૂલમાં અવારનવાર રજાઓ પાડવા લાગ્યો. અધૂરામાં પૂરું, શ્યામને એના જેવા તોફાની મિત્રો મળી ગયા હતા. મમ્મી-પપ્પા એને સમજાવે, ક્યારેક વઢે, પણ શ્યામ કોઈનું ન સાંભળે.

જોતજોતામાં રામ અને શ્યામ ધોરણ સાતમા આવી ગયા. રામ તો સરસ ગ્રેડ લાવ્યો, પણ શ્યામ માંડ માંડ પાસ થયો. સારી ટેવ અને કુટેવ સહેલાઈથી છૂટતી નથી. રામે શિસ્ત જાળવીને ભણવાનું ચાલુ રાખ્યું. શ્યામે જે છોકરાઓનો સાથ પસંદ કર્યો હતો તેઓ મિત્રો કહેવાને લાયક જ નહોતા. એમની સંગતમાં રહીને શ્યામ વ્યસનો કરવા લાગ્યો. એ હવે ચોરીછૂપીથી તમાકુવાળા પાનમસાલા ખાતો, સિગારેટ પીતો, મોબાઇલમાં વ્યસ્ત રહેતો અને નઠારી બાબતોમાં સમય વેડફતો.

દસમા ધોરણમાં રામે જિલ્લા કક્ષાએ ઉત્તમ દેખાવ કર્યો, જ્યારે શ્યામ માંડ ૪૦ ટકા માર્ક્સ લાવી શક્યો. એવુંય નહોતું કે શ્યામને સ્કૂલના ભણતરને બદલે કોઈ કળા કે સ્પોર્ટ્સમાં રસ હોય. એને તો બસ, જાણે કે સમય વેડફવામાં જ રસ હતો. બારમા ધોરણમાં આવ્યા પછી એણે આગળ ભણવાની જ ના પાડી દીધી. મમ્મી-પપ્પાએ એને બહુ સમજાવ્યો, પણ શ્યામ કશુંય માને તો ને! બીજી તરફ, રામે બારમા સાયન્સમાં ખૂબ સારા માર્ક્સ લાવીને એક પ્રતિષ્ઠિત મેડિકલ કોલેજમાં મેરિટ પર એડમિશન મેળવ્યું.

સમય તો પોતાની રીતે વહેતો જ જાય છે. થોડાં વર્ષો પછી રામ આંખોનો સ્પેશિયલિસ્ટ ડોક્ટર બની ગયો, જ્યારે શ્યામ પાસે ન તો ભણતર હતું, ન કોઈ આવડત હતી. નાની નાની નોકરીઓ કરવા સિવાય એની પાસે કોઈ વિકલ્પ નહોતો. એ થોડું ઘણું માંડ કમાતો. રામની પ્રગતિ જોઈને મમ્મી-પપ્પાને ખૂબ હર્ષ અને ગર્વ થતો, જ્યારે શ્યામને જોઈને તેઓ દુ:ખી થઈ જતાં.

એક સમય એવો આવ્યો કે શ્યામને પોતાની  જાત પર શરમ આવવા માંડી. એને સત્ય સમજાવા લાગ્યું. એને થયું, 'મેં પણ વિદ્યાર્થી જીવનમાં મહેનત કરી લીધી હોત તો? હું પણ શિસ્તબદ્ધ જીવન જીવ્યો હોત તો...'

એક વાર એ મમ્મી-પપ્પા અને ભાઈને સામે રડી પડયો. એણે હૃદયથી સૌની માફી માગી. એને ખરેખર પસ્તાવો થઈ રહ્યો હતો. 

પપ્પા કહે, 'શ્યામ, ચાલો, મોડી તો મોડી, પણ તને સાચી વાત સમજાઈ ખરી. જાગ્યા ત્યારથી સવાર. હજુ તું યુવાન છે, તારી સામે આખી જિંદગી પડી છે. તારામાં પણ અપાર શક્તિઓ પડી જ છે. હજુય તું ધારે તો તું સુંદર જીવન જીવી શકે છે.'

રામ કહે, 'શ્યામ, મને ખબર છે કે તું બિઝનેસમેન બનવા માગે છે. તું એ દિશામાં આગળ વધ. હું હંમેશા તારી સાથે રહીશ.'

મમ્મી કહે, 'બેટા, આ એક વાત ફરી ક્યારય ભૂલતો નહીં કે મહેનતનો કોઈ વિકલ્પ નથી... અને હા,મહેનત સાચી દિશામાં થવી જોઈએ. જો તું સમયને સાચવી લઈશ, તો સમય તને સાચવશે જ.'

શ્યામ કહે, 'હા... મને મારી ભૂલો સમજાઈ ગઈ છે. હું એ ભૂલો ફરી ક્યારેય નહીં કરું.'

તો મિત્રો, ચાલો, આપણે પણ મક્કમ નિર્ધાર કરીએ જીવનને આપણે સાચી દિશામાં લઈ જઈશું અને સાચાં કામોમાં અથાક પરિશ્રમ કરીશું...

(મૂળ વાર્તા: ચિરાગ.એચ.શર્મા 'ચિરંજીવ')