પ્રાણીમાત્રમાં પરમાત્માના દર્શન કરનારા કરુણાથી ભરેલા સંત એકનાથજી
વિચાર-વીથિકા - દેવેશ મહેતા
'ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતેન સત્સઙગમં ચ લભતે પુરુષો યદા વૈ ।
અજ્ઞાાનહેતુ કૃતમોહ મદાન્ધકારનાશં વિધાય હિ તદોદયતે વિવેક :।।
અનેક જન્મના પુણ્યથી પ્રાપ્ત થયેલા ભાગ્યોદયથી માનવીને સંતસમાગમ- સત્સંગ પ્રાપ્ત થાય છે. એનાથી અજ્ઞાાનના કારણરૂપ મોહ, મદ અને તમોગુણ રૂપ અંધકારનો નાશ થાય છે અને તે પછી સાર-અસારનો ભેદ કરનારી વિવેક-બુદ્ધિનો ઉદય થાય છે.'
શ્રીમદ્ ભાગવત માહાત્મ્ય, અધ્યાય-૨, શ્લોક-૭૬, સત્સંગ એટલે સત્પુરુષોનો સંગ. સત્સંગ એટલે સત્પુરુષના સંગમાં રહીને કરેલી આત્મકલ્યાણકારક જ્ઞાાન-ભક્તિ-સત્કર્મની પ્રવૃત્તિ. સંતો જ્ઞાાન અને ગુણનો ભંડાર હોય છે. તે હમેશા માનવીને પરમાત્માના રસ્તે લઈ જવાનો પ્રયત્ન કરે છે.
શ્રીમદ્ ભાગવત મહાપુરાણના તૃતીય સ્કંધના પચીસમાં અધ્યાયના વીસમાં શ્લોકમાં ભગવાન કપિલ એમના માતા દેવહૂતિને કહે છે- 'પ્રસઙગમજંર પાશમાત્મન: કવયો વિદુ : । સ એવ સાઘુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ।। વિષયોમાં અત્યંત આસક્તિ એ અજર અને અમર પાશ-બંધન છે. એ જ આસક્તિ સત્પુરુષોમાં રાખવામાં આવે તો એ ખુલ્લું મુક્તિદ્વાર છે.' એ પછી ભગવાને સંતના લક્ષણો કહ્યા છે.
સંતો સહનશીલ, કરુણાપૂર્ણ, પ્રાણીમાત્રના મિત્ર, શત્રુ રહિત, શાંત અને સારા ચારિત્ર્યરૂપ અલંકારવાળા હોય છે. તે અનન્ય ભાવથી ભગવાનની દૃઢ ભક્તિ કરનારા, ભગવદ આશ્રય રાખનારા, ભગવદ કથાનું શ્રવણ અને કથન કરનારા હોય છે. આ સંતોનો સંગ ઇચ્છનીય છે કારણકે તે સર્વદોષ દૂર કરનારા છે. એમના સંગથી સમ્યક્ જ્ઞાાન અને સમ્યક્ કર્મ ઉદ્ભવે છે. એમના થકી શ્રદ્ધા, પ્રેમ અને ભક્તિ ઉત્પન્ન થાય છે. અંતે એ સર્વાન્તર્યામી પરમેશ્વરનો સાક્ષાત્કાર કરાવે છે.
તુલસીકૃત રામાયાણમાં સત્સંગનો મહિમા દર્શાવતા કહેવાયું છે - બિનુ સત્સંગ વિવેક ન હોઈ । રામકૃપા બિનુ સુલભ ન સોઈ ।।
સત્સંગત મુદ મંગલ મૂલા । સોઈ ફલ સિદ્ધ સબ સાધન ફૂલ ।।
સત્સંગ વગર વિવેક આવતો નથી. રામની કૃપા વિના સત્સંગ સુલભ થતો નથી. સત્સંગ આનંદ અને માંગલ્યનું મૂળ છે, સત્સંગની સિદ્ધિ જ ફળ છે અને બીજા સાધનો તો પુષ્પ છે.'
સંસ્કૃત સુભાષિતોમાં પણ સત્સંગ, સાધુપુરુષના સંગનો મહિમા વર્ણવેલો છે. - ગણ્ગા પાપં શશી તાપં દૈન્યં કલ્પતરુસ્તથા। પાપં તાપં દૈન્યં ચ હન્તિ સાધુ સમાગમ :।। ગંગા પાપનો નાશ કરે છે, ચંદ્ર તાપ (ગરમી)નો નાશ કરે છે, અને કલ્પવૃક્ષ દરિદ્રતાનો નાશ કરે છે. પણ સાધુ સમાગમ તો પાપ, તાપ અને દરિદ્રતા ત્રણેયનો નાશ કરે છે.
સંવત ૧૫૯૦માં મહારાષ્ટ્રના પૈછણમાં બ્રાહ્મણકુળના સંત ભાનુદાસના કુળમાં એમના પૌત્ર રૂપે મહાત્મા સંત એકનાથજીનો જન્મ થયો હતો. આજથી ચારસો વર્ષ પૂર્વે માનવતાથી પ્રેરિત થઈને તેમણે અછૂત માનવામાં આવતા લોકોનો ઉદ્ધાર કર્યો હતો. એ મનુષ્યમાત્રમાં ઇશ્વરના દર્શન કરતા. એકનાથજીના ઘેર ગમે તે સમયે અતિથિઓનું આગમન થતું. તે એમનો પ્રેમપૂર્વક આદર- સત્કાર કરતા. એમના ઘડીભરના સંગથી દુષ્ટ ભાવ અને મલિન ઇરાદાથી આવેલા અનેક લોકો સુધરી જતા.
એકવાર મધરાતના સમયે એકનાથજીનું ઘર શોધતાં શોધતાં કેટલાક અતિથિઓ આવી ચડયા. એમના માટે રસોઈ કરવા એકનાથજીના પત્ની ગિરિજાબાઈ પણ એ જ સમયે બેસી ગયા. ભોજનની સામગ્રી તો ઘરમાં હતી પણ બળતણના પૂરતાં લાકડા નહોતાં. રાતના સમયે લાકડા લેવા ક્યાં જવું અને લઈને આવે એટલો સમય અતિથિઓને વધારે ભૂખ્યા રહેવું પડે એટલે એકનાથજીએ એમના ઘરના છાપરામાંથી વળીઓ ખેંચી કાઢી એનો ઇંધણ તરીકે ઉપયોગ કર્યો અને તરત ભોજન બનાવી અતિથિઓને જમાડયા.
એકવાર એકનાથજીના ઘેર કેટલાક ચોર ચોરી કરવા આવ્યા. એક ઓરડામાંથી સામાન ચોરી એનું પોટલું બનાવી બીજા ઓરડામાં આવ્યા. ત્યાં એકનાથજીએ ભગવાનની મૂર્તિ પાસે રાખેલા ઘીના દીવાના આછા અજવાળામાં ભગવત્સ્મરણ કરી રહ્યા હતા. એકનાથજીને જાગતા જોઈ તે ત્યાંથી નાસવા જતા હતા. પણ એકનાથજીએ એમને ઉભા રાખ્યા.
પોતાની આંગળીએ પહેરેલી એક વીંટી કાઢીને એમને આપી. થોડા સિક્કા પણ આપ્યા અને કહેવા લાગ્યા- ' આ પણ લઈ જાઓ. પેલા સામાન કરતાં આ વધારે કીમતી છે.'બીજી વસ્તુઓ એક પોટલામાં ભરી એમને આપવા લાગ્યા. ચોરોએ એકનાથજીના પગમાં પડી માફી માંગી. એકનાથજીએ એમના પત્ની ગિરિજાબાઈને જગાડી રસોઈ કરાવી અને તે જમાડી ચોરોને વિદાય કર્યા. ચોરોએ ત્યારથી ચોરી નહીં કરવાની પ્રતિજ્ઞાા લઈ લીધી.
કાશીની યાત્રા કરીને એકનાથજી જ્યારે પ્રયાગનું ગંગાજળ કાવડમાં લઈને રામેશ્વર જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં એક રેતાળ પ્રદેશ આવ્યો. ગરમીના દિવસો હતા. એકનાથજી અને એમની સાથે બીજા સંતો તથા ભક્તો ત્યાંથી જઈ રહ્યા હતા. તેમણે એક ગધેડાને તરસને લીધે રેતીમાં તરફડતું જોયું. બીજા બધાએ આ જોયું પણ કંઈ ના કર્યું. જ્યારે એકનાથજીએ એને જોયું તે સાથે જ તે ત્યાં દોડી ગયા અને રામેશ્વરના શિવલિંગ પર અભિષેક રૂપે ચડાવવાનું પવિત્ર ગંગાજળ કાવડમાંથી કાઢી એ ગઘેડાને પીવડાવી દીધું.
એનાથી ગધેડાના પ્રાણ બચી ગયા. તેમને સાથી ભક્તોએ ઠપકો આપ્યો તો તે કહેવા લાગ્યા- પ્રાણીમાત્રમાં પરમેશ્વર રહેલ છે. આ પ્રાણીના પ્રાણ સંક્ટમાં હતા. એને પાણી પીવડાવી મેં શિવલિંગ પર અભિષેક કરવા જેટલું જ પુણ્ય પ્રાપ્ત કર્યું છે. કાવડનું ગંગાજળ જે ગધેડાએ પીધું તે સીધું રામેશ્વર ભગવાન પર જ ચડયું છે ! રામેશ્વર ભગવાને પ્રગટ થઈ એકનાથજીની વાતનું સમર્થન કર્યું અને કહ્યું તમારી ઉદારતાની કસોટી કરવા જ મેં પોતે ગર્દભનું રૂપ લીધું હતું.