ઇશ્વર પ્રત્યે પરમ અનુરાગવાળી પ્રેમલક્ષણા ભક્તિ કર્મ, જ્ઞાાન અને યોગથી પણ વધારે શ્રેષ્ઠ છે !
વિચાર-વીથિકા - દેવેશ મહેતા
શાસ્ત્રોએ ભગવદ્ પ્રાપ્તિના અનેક માર્ગ બતાવ્યા છે. એ બધામાં પ્રેમલક્ષણો ભક્તિનો માર્ગ સર્વોપરિ છે. એવું પણ પ્રત્યે પરમ અનુરાગ જ પ્રેમ છે. નારદ ભક્તિસૂત્રના પચ્ચીસમાં સૂત્રમાં પ્રેમલક્ષણા ભક્તિ માટે કહેવાયું છે- ' સા તુ કર્મજ્ઞાાનયોગેભ્યોડળ્યધિકતર ।- તે પ્રેમભક્તિ કર્મ, જ્ઞાાન અને યોગથી પણ વધારે શ્રેષ્ઠ છે.' સ્વયં ફલરૂપતેતિ બ્રહ્મકુમારા: સનત્કુમારોના મત પ્રમાણે પ્રેમ સ્વયં ફલરૂપ છે. નારદજી કહે છે- ' અનિર્વચનીયં પ્રેમસ્વરૂપ- પ્રેમનું સ્વરૂપ વાણીથી વર્ણન કરી શકાય એવું નથી.' તે 'મૂકાસ્વાદનવત્- ગુંગાને ગોળની મીઠાશનું વર્ણન કરવાના પ્રયાસ જેવું ગણાય.
પ્રેમ અવર્ણનીય છે એ ખરું પણ તે અનુભવ કરવા યોગ્ય છે. એના અનુભવથી શાંતિ, સંતોષ, આનંદ અને પરમ ધન્યતાની અનુભૂતિ થાય છે. પ્રેમ એવો પરમ ભાવ છે. જે બધા અભાવોને મિટાવી દે છે. જેને પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા ના થાય તે પ્રેમ. કબીર કહે છે- ' જા કો લહિ કછુ લહન કી ચાહ ન હિય મેં હોય । જગત પાવન કરન પ્રેમ બરન યહ દોય ।। પ્રેમના બે અક્ષર જગતને પાવન કરી દેનારા છે.
ગુરુ નાનકના 'ગ્રંથ સાહેબ'માં એક દોહો લખાયેલો છે.' હરિ સમ જગ મેં વસ્તુ નહિ, પ્રેમ પંથ સમ પંથ । સદ્ગુરુ સમ સજન નહીં, ગીતા સમ નહીં ગ્રંથ ।। ભગવાન શ્રીહરિ સમાન જગતમાં બીજી કોઈ વસ્તુ નથી એટલે કે ભગવાન શ્રી હરિ જેવું કોઈ પરમ તત્ત્વ નથી, પ્રેમના માર્ગ જેવો બીજો કોઈ માર્ગ નથી. સદ્ગુરુ જેવા બીજા કોઈ સજ્જન નથી, ગીતા જેવો બીજો કોઈ ગ્રંથ નથી.'
અનન્ય પ્રેમી ભક્તોને એમના પ્રિયતમ રૂપ પરમેશ્વરના સ્વરૂપની એક આછી ઝલક જોવા મળી જાય કે એના મધુરતમ નામની મંદ શ્રુતિ સાંભળવા મળી જાય તેને તો તરત પ્રેમસમાધિ લાગી જાય છે. એના ગુણગાન ગાતા કણ્ઠાવરોધ, રોમાંચ અને અશ્રુપાત થવા લાગે છે.
એટલે જ તુલસીકૃત રામાયણમાં આવા ભક્તની દશાનું વર્ણન કરતાં ભગવાન શ્રીરામ કહે છે- મમ ગુન ગાવત પુલક શરીરા ગદગદ ગિરા નયન બહ નીરા ।। મારા ગુણ ગાતા ભક્તના શરીરના રુંવાડા ખડા થઈ જાય છે. વાણી ગદગદ થઈ જાય છે અને એની આંખમાંથી આસું વહેવા લાગી જાય છે.
શાંત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય અને માધુર્ય એ પાંચેય ભાવોમાં માધુર્ય ભાવ સર્વોત્તમ છે. આ માધુર્ય પ્રેમભાવ વૃષભાનુસુતા શ્રી રાધિકાજીમાં પૂર્ણરૂપે પ્રકટ થયો છે. શ્રી રાધાજી જ માધુર્યરસ અધિષ્ઠાત્રી મહાદેવી છે. ઋગ્વેદના ઉપનિષદ ભાગમાં 'રાધિકોપનિષદ' આવે છે. એમાં ભગવાન શ્રીકૃષ્ણ અને સ્વામિનીજી શ્રીરાધાના તત્ત્વ અને સ્વરૂપ વિશે વર્ણન કરવામાં આવ્યું છે.
એમાં બ્રહ્માજી સનકાદિ મુનિઓને કહે છે- આ અત્યંત ગોપનીય (છૂપું) રહસ્ય છે. ભગવાન શ્રીહરિ એ જ ભગવાન શ્રીકૃષ્ણ છે. એ જ પરમેશ્વર છે. એમની આહ્લાદિની, સંધિની, જ્ઞાાન, ઇચ્છા, ક્રિયા વગેરે અનેકવિધ શક્તિઓ છે. એ બધામાં આહ્લાદિની મુખ્ય છે. તે જ પરમ અંતરંગભૂતા શ્રીરાધા છે.' ભગવાન શ્રીકૃષ્ણ એમની આરાધના કરે છે. અથવા તે આહ્લાદિની શક્તિ ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરે છે. એટલા માટે એ 'રાધા' કહેવાય છે.
એકવાર શ્રીકૃષ્ણને ભારે ઉદરશૂળ ઉદ્ભવ્યું. વૈદ્યોએ ઔષધ આપ્યા પણ તેમને સારું ન થયું. એ વખતે શ્રીકૃષ્ણે ઘરના લોકોને કહ્યું- જો કોઈ પ્રેમી કે ભક્ત એની ચરણરજ આપે અને તે મને ખવડાવવામાં આવે તો મારી બીમારી સારી થઈ જશે. પણ ભગવાનને પોતાની ચરણરજ આપે કોણ ? એમ કરવાથી મહાન પાપ લાગે અને સંભવ છે કે નરકમાં જવું પડે. એટલે એ ડરને લીધે કોઈએ ચરણરજ આપી નહીં. એમ કરતાં છેવટે રાધાજી પાસે જઈને આવી યાચના કરી.
રાધાજીએ એક પળનો પણ વિલંબ કર્યા વિના પોતાના ચરણની રજ ખોબો ભરીને આપી દીધી. એમણે પાપ, દોશ કે અન્ય ગતિનો વિચાર કર્યો નહીં. એ ચરણરજ મુખમાં મૂકતાની સાથે ભગવાન શ્રીકૃષ્ણનું ઉદરશૂળ મટી ગયું. આ પ્રસંગ બતાવે છે કે પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણ માટે શ્રીરાધાને કેટલો ઉત્કૃષ્ટ પ્રેમ હતો !
નારદભક્તિસૂત્ર પ્રેમ વિશે કહે છે- ' ગુણરહિંત, કામનારહિતં, પ્રતિક્ષણવર્ધમાનં અવિચ્છિન્નં સૂક્ષ્મતર અનુભવરૂપમ- પ્રેમનું સ્વરૂપ નિર્ગુણ, કામના વિનાનું, દરેક ક્ષણે વધતું જનારું, એક રસ, અત્યંત સૂક્ષ્મ છે અને માત્ર અનુભવથી પ્રાપ્ત થઈ શકે એવું છે.