Get The App

સંત એકનાથજીએ એમના યોગબળથી મૃત પિતૃઓને સદેહે બોલાવી શ્રાદ્ધનું ભોજન કરાવ્યું !

વિચાર-વીથિકા - દેવેશ મહેતા

Updated: Sep 18th, 2019

GS TEAM

Google News
Google News
સંત એકનાથજીએ એમના યોગબળથી મૃત પિતૃઓને સદેહે બોલાવી શ્રાદ્ધનું ભોજન કરાવ્યું ! 1 - image


સંત એકનાથજીએ પિતૃઓનું ધ્યાન કર્યું અને એમને સદેહે પોતાને ત્યાં ભોજન કરવા પિતૃલોકથી પધારવા આહવાન કર્યું. એકનાથજીના અનન્ય ભક્તિયોગથી પરમેશ્વર અને પિતૃઓ પ્રસન્ન થયા હતા

'વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિનિ ।

શુનિ ચૈવ શ્વપાકે ચ પણ્ડિતાઃ સમદર્શિનઃ ।।

જ્ઞાા નીજનો વિદ્યા અને વિનયશીલ બ્રાહ્મણમાં ગાય, હાથી, કૂતરાં અને ચાંડાળમાં ય સમાન દૃષ્ટિવાળા હોય છે.'

(શ્રીમદ્ ભગવદ્ ગીતા (અધ્યાય-૫, શ્લોક-૧૮)

ભક્તરાજ એકનાથ મહારાજનો જન્મ વિક્રમ સંવત ૧૫૯૦ની આસપાસ થયો હતો. એમના પિતા સૂર્યનારાયણ મેઘાવી, જ્ઞાાની અને માતા રુક્મિણી અત્યંત ગુણવાન અને સુશીલ હતી. એમનું લાલન- પાલન એમના દાદા ચક્રપાણિએ કર્યું હતું. એકનાથ મહારાજ બાળપણથી જ બુદ્ધિમાન, શ્રદ્ધાવાન અને ભગવદ્ ભજનમાં નિરત રહેનારા હતા. બાર વર્ષની ઉંમરે દેવગઢના જનાર્દન પંતના શિષ્ય બની છ વર્ષ સુધી એમની સેવા કરી હતી. એકનાથજી નિત્ય સંધ્યા, પૂજા, અર્ચના, રામાયણ, ભાગવતનું અધ્યયન અને સત્સંગ કરતા.

ભગવદ્ ભજન તો એમના શ્વાસ- પ્રાણ સમાન હતું. એમણે ભગવદ્ એકાદશ સ્કંધ, રુક્મિણી સ્વયંવર અને ભાવાર્થ રામાયણ જેવા લોકપ્રિય અને પ્રસિદ્ધ ગ્રંથો લખ્યા હતા. એવું માનવામાં આવે છે કે ભગવાન શ્રી રામે સ્વયં એકનાથજીને ભાવાર્થ રામાયણ લખાવ્યું હતું. આ ગ્રંથો ઉપરાંત એમણે ચિરંજીવ પદ, સ્વાત્મ બોધ, આનંદ લહરી જેવા બીજા ઘણા ગ્રંથો લખ્યા હતા. એમના તમામ ગ્રંથો મરાઠી ભાષામાં લખાયેલા છે.

સંત શિરોમણિ એકનાથજી બધાનો આદર કરતા. બધા માટે સમદૃષ્ટિ રાખી સમાન આચરણ કરતા, પ્રાણીમાત્રમાં પરમાત્માનું દર્શન કરનારા એકનાથજી ક્ષમાશીલ, પરોપકારી અને સદાવ્રતધારી હતા. શાંતિ, સમતા, જીવદયા, નિઃસંગતા, વૈરાગ્ય, ભક્તિ પરાયણતા વગેરે દૈવી ગુણોના તે સાકાર રૂપ સમા હતા.

એકવાર એકનાથજીના પિતા સૂર્યનારાયણનું શ્રાદ્ધ હતું. શ્રાદ્ધ પ્રસંગે બ્રહ્મભોજન કરાવવાનો રિવાજ છે એટલે અનેક બ્રાહ્મણોને ભોજન માટે નિમંત્રણ આપી આવ્યા હતા. રસોઈ બની ગઈ હતી. એની સોડમ ચોમેર પ્રસરી રહી હતી. એ વખતે ચાર- પાંચ મહાર ત્યાંથી પસાર થયા રસોઈની સુગંધ માણતા અરસપરસ કહેવા લાગ્યા - 'વાહ, કેટલી સરસ રસોઈ બની છે.

પણ આપણા નસીબમાં આવું સ્વાદિષ્ટ ભોજન ક્યાં છે ?'' એકનાથ મહારાજે આ સાંભળી લીધું એટલે એ નાત-જાતનો ભેદભાવ રાખ્યા વિના એમને ઘરમાં લઈ આવ્યા. બ્રાહ્મણોને જમાડવા માટે બનાવેલી રસોઈ એ શુદ્ર પ્રકારના મહાર લોકોને આગ્રહ કરીને જમાડી દીધી. એકનાથજીના પત્ની ગિરિજાબાઈ એ મહાર લોકોના બીજા કુટુંબીઓને પણ બોલાવી લાવ્યા અને એમને પણ બાકીની રસોઈ જમાડી દીધી.

પછી તરત જ બીજી નવી રસોઈ બનાવવાની શરુઆત કરી દીધી જેથી બ્રાહ્મણોને જમાડી શકાય. પણ બ્રાહ્મણોના કાને એ વાત પહોંચી ગઈ કે એમના માટે બનાવેલી રસોઈ શુદ્ર ગણાય એવી મહાર જાતિના લોકોને ખવડાવી દીધી એટલે એમના ગુસ્સાનો પાર ન રહ્યો. એમણે બધાએ એકત્રિત થઈને નિર્ણય કર્યો કે કોઈ પણ બ્રાહ્મણે એ દિવસે શ્રાદ્ધના પ્રસંગે ભોજન માટે એકનાથજીના ઘેર જવું નહીં.

એકનાથજી અને ગિરિજાદેવીએ બ્રાહ્મણોને બેસાડવા પાથરણા પાથર્યા અને પતરાળા મૂકી બધી તૈયારી કરી દીધી. એકાદ-બે બ્રાહ્મણોને કહેણ મોકલ્યું કે, ભોજનનો સમય થઈ ગયો છે તો બધા જમવા પધારો. પણ એ બ્રાહ્મણોએ એમણે લીધેલા નિર્ણયની જાણ કરી અને કહ્યું કે, એક પણ બ્રાહ્મણ આજે તમારે ત્યાં શ્રાદ્ધનું ભોજન કરવા નહીં આવે.

સંત એકનાથજીએ પિતૃઓનું ધ્યાન કર્યું અને એમને સદેહે પોતાને ત્યાં ભોજન કરવા પિતૃલોકથી પધારવા આહવાન કર્યું. એકનાથજીના અનન્ય ભક્તિયોગથી પરમેશ્વર અને પિતૃઓ પ્રસન્ન થયા હતા. એમની ઇચ્છા પૂરી કરવા પિતૃઓ સદેહે પધારવા લાગ્યા. પિતા, પિતામહ, પ્રપિતામહ, વૃદ્ધ પ્રપિતામહ એમના પત્ની સાથે એક પછી એક આવીને આસન પર બેસવા લાગ્યા.

પિતૃપક્ષના તમામ મૃતકો સજોડે આવીને બેઠા એટલે એમને ભોજન પીરસવામાં આવ્યું. સ્વાદિષ્ટ ભોજનથી પરિતૃપ્ત થઈ પિતૃઓએ એકનાથજી અને ગિરિજાબાઈને આશીર્વાદ આપ્યા એ પછી સંતવર્ય એકનાથજીએ બધાને સોનામહોર દક્ષિણામાં આપી. બ્રાહ્મણો દૂરથી આ અદ્ભુત અલૌકિક ઘટના જોઈ રહ્યા હતા. સંત એકનાથજીનું યોગબળ જોઈને તે અચરજ પામ્યા અને તે સર્વે આવા મહાન સંતને ત્યાં ભોજન લેવા ન આવ્યા તેનાથી લજ્જા પામી પશ્ચાત્તાપ કરવા લાગ્યા.

Tags :