ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની અદ્ભુત અને અજોડ મૈત્રી
વિચાર-વીથિકા - દેવેશ મહેતા
મૈત્રી એક અત્યંત મૂલ્યવાન દૈવી અને આધ્યાત્મિક ગુણ છે. તે સ્નેહ અને સમર્પણની સાધના છે. મિત્રતા એ હૃદયને આહ્લાદ અને આનંદ આપનારું દિવ્ય રસાયણ છે. તે ઇશ્વરના અનુગ્રહથી વરસતી ઉદાત્ત સ્નેહ ભાવની અમૃતધારા છે જે જીવન ઉદ્યાનને નવપલ્લવિત કરે છે. મૈત્રી પ્રેમ, પ્રસન્નતા, પરિતોષ વિશ્વાસ અને વફાદારીનું અમૃત સીંચનારી કલ્પલતા છે. ગરુુડપુરાણમાં કહેવામાં આવ્યું છે -'શાકમાત્રાણં ભયત્રાણં પ્રીતિવિશ્વાસભાજનમ્ । કેન રત્નમિહં સૃષ્ટં મિત્રમિત્યક્ષરદ્વયમ ।। - શોકથી બચાવનારું, પ્રેમ અને વિશ્વાસનું પાત્ર એવું બે અક્ષરવાળું મિત્રરૂપી રત્ન કોણે બનાવ્યું હશે ?
વલ્લભદેવકૃત સુભાષિતાવલિમાં હરિભટ્ટનો મિત્રતા વિશે એક સુંદર શ્લોક છે
સાપ્તપદીનં સખ્યં ભવેત પ્રકૃત્યા વિશુદ્ધચિત્તાનામ્ ।
કિમુતાન્યોન્ય ગુણકથા વિસ્રંભ નિબદ્ધ ભાવનામ્ ।
- સ્વાભાવિક રીતે શુદ્ધ ચિત્તવાળાઓની મિત્રતા સાત ડગલા સાથે ચાલવાથી કે એકબીજા સાથે સાત શબ્દો બોલવા માત્રથી થઈ તો પારસ્પરિક ગુણચર્ચા બાદ એકબીજા સાથે સાત શબ્દો બોલવા માત્રથી થઈ જાય છે તો પારસ્પરિક ગુણચર્યા બાદ એકબીજા માટે વિશ્વાસપાત્ર ભાવવાળી બનેલી મિત્રતાની બાબતમાં તો કહેવું જ શું ? બુદ્ધચરિત માનસમાં અશ્વઘોષ કહે છે - 'મિત્રતાના ત્રણ લક્ષણ છે. અહિતથી અટકાવવું, હિતમાં પ્રવૃત્ત કરવું અને વિપત્તિમાં છોડયા વગર સાથે રહેવુ.'
મિત્રતાની વાત આવે એટલે શ્રીકૃષ્ણ અને સુદામાની વાત યાદ આવે જ. શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધની એંશી અને એક્યાશીમા અધ્યાયોમાં સુદામા ચરિત્રનું સુંદર નિરૂપણ થયેલું છે. સુદામા ભગવાન શ્રીકૃષ્ણના બ્રહ્મવેત્તા, બ્રાહ્મણ મિત્ર હતા. તે જિતેન્દ્રિય, શાંત, સંતોષી, વિરક્ત, અલિપ્ત અને અનાસક્ત હતા.
તે સદાય અપરિગ્રહી રહી જે મળે તેનાથી સંસાર નિર્વાહ કરતા. ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે અવન્તિમાં મહર્ષિ સાંદિપનીના આશ્રમમાં વિદ્યાગ્રહણ કરવા ગયા ત્યારે અન્ય સહાધ્યાયીઓ સાથે સુદામા પણ ત્યાં અધ્યયન કરતા. ત્યાં શ્રીકૃષ્ણ સાથે એમને મિત્રતા થઈ ગઈ હતી.
બંન્ને સાથે શિક્ષણ મેળવતા, ગુરુની સેવા કરતા અને વનમાં જઈને દર્ભ, સમિધા, ફળ-ફૂલ લઈ આવતા. ભગવાન શ્રીકૃષ્ણે થોડા જ દિવસોમાં વેદ, વેદાંગ, શાસ્ત્રો અને ચોસઠ કલાઓ શીખી લીધી હતી અને ગુરુદક્ષિણા આપી દ્વારિકા જતા રહ્યા. થોડા મહિના , વર્ષો બાદ શિક્ષણ પૂરું થતા સુદામા તેમને ઘેર પાછા ફર્યા હતા. એ પછી એમણે લગ્ન કરી ગૃહસ્થજીવન શરૂ કર્યું હતું. એમના પત્ની પણ એમના જેવા સુશીલ અને ગુણવાન હતા.
સુદામા અત્યંત દરિદ્ર, નિર્ધન હતા, છતાં ભગવાનને એ વિશે કદી ફરિયાદ કરતા નહોતા. અયાચક વ્રત ધારણ કરીને કોઈની પાસે કશું માગતા નહોતા. ગરીબીથી કંટાળીને એક દિવસ સુદામાની પત્નીએ એમને કહ્યું - 'હે મહાભાગ, લક્ષ્મીપતિ દ્વારિકાધીશ તમારા પરમ મિત્ર છે અને બ્રાહ્મણોનો આદર કરનારા છે.
તો તમે એકવાર એમને મળવા તો જાઓ.' સુદામાએ કહ્યું હું એમને મળવા તો જાઉં પણ કશું માંગીશ નહીં.' પત્નીએ કહ્યું ભલે એમ કરજો પણ એકવાર જાઓ તો ખરા !' સુદામાની પત્ની પડોશમાંથી થોડા જાડા, બરછટ પૌઆ લઈ આવી અને એક કપડામાં બાંધી એ સુદામાને આપતો કહેવા લાગી - 'મિત્ર પાસે ખાલી હાથે ન જવાય. આ પૌંઆ શ્રીકૃષ્ણને આરોગવા આપજો.'
પૌંઆની એ પોટલી સાથે લઈને સુદામા ખુલ્લા પગે ચાલતા ચાલતા દ્વારિકા પહોંચ્યા. સોનાની દ્વારિકાના ગગનચુંબી મહેલો જોઈને વિસ્મય પામ્યા. એ બધાની વચ્ચે શ્રીકૃષ્ણનો સર્વોત્કૃષ્ટ રત્નોથી બનેલો ઇન્દ્રના મહેલને પણ ઝાંખો પાડે એવો રાજપ્રસાદ જોયો. દ્વારપાળને કહ્યું કે- 'કૃષ્ણને કહો કે સુદામા મળવા આવ્યા છે.' રાણીઓ સાથે પલંગ પર બેઠેલા શ્રીકૃષ્ણે જ્યાં એ નામ સાંભળ્યું તે સાથે તેને આવકારવા દોડીને બારણે પહોંચી ગયા અને બન્ને હાથ લાંબા કરીને એને ભેટી પડયા. તે સુદામાનો હાથ પકડી એમને અંદર લઈ આવ્યા. એમના સ્વાગત, પૂજન અને ભોજન માટે રાણીઓને જુદા જુદા આદેશ આપવા લાગ્યા.
ઉંચા સિંહાસન પર બેસાડી સુદામાના પગ દબાવવા લાગ્યા. કાંટા અને કાંકરાથી લોહીલુહાણ સુદામાના પગના તળિયાને કોઈનો હાથનો સ્પર્શ થયો તો ભગવાનની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. રાણીના હાથમાં રહેલા સુવર્ણપાત્રના નવશેકા જળથી નહીં, ભગવાન શ્રીકૃષ્ણે પોતાના આંસુથી સુદામાના પગ ધોયા. 'સુદામા ચરિત'માં કવિ નરોત્તમદાસ કહે છે - 'ઐસે બિકાલ બિવાઇન સો મગ કંટકજાલ ભરે પગ જોએ । હાય મહાદુઃખ પાઓ, સખા કર્યો ન આયે ઇતે દિન ખોએ, દેખે સુદામા કી દીન દશા કરુન કર કે કરુનાનિધિ રોયે । પાની પરાત કો હાથ છુયો નહીં, નૈનન કે જલ સો પગ ધોએ ।
ભોજન કર્યા બાદ ભગવાન સુદામા સાથે પલંગ પર બેસી ગુરુકુલની વાતો કરવા લાગ્યા. પછી સુદામાને કહ્યું ઃ 'મારા ભાભીએ મારા માટે કંઈ મોકલ્યું હશે.' સુદામાએ કોઈ જવાબ આપ્યો નહીં. તે દ્વારિકાધીશને આવા જાડા પૌંઆ ખવડાવવા માંગતા નહોતા. પણ અંતર્યામી ભગવાને એ જાણી લીધું અને સુદામાને કહેવા લાગ્યા - 'ભક્તો પ્રેમથી એક અણુ જેટલી ભેટ ધરે તો પણ તે મારા માટે ઘણી છે.' પછી તેમણે સુદામાએ બગલમાં દબાવી રાખેલી પેલી પોટલી ખેંચી કાઢી એમાંથી એક મુઠ્ઠી પૌંઆ આરોગ્યા અને કહેવા લાગ્યા, 'અહા ! કેટલા સ્વાદિષ્ટ અને અમૃત જેવા છે આ પૌંઆ.
એ સાથે મનમાં સંકલ્પ કરીને દેવોના શિલ્પી વિશ્વકર્માને આદેશ આપ્યો સુદામાની ઝુંપડી છે ત્યાં મારા જેવો જ રાજમહેલ નિર્મિત કરો અને એમાં મારા જેટલા જ ધનભંડાર ભરી દો ! સુદામાને કહ્યું પણ નહીં કે પોતે એને કેટલું આપ્યું છે. શ્રીકૃષ્ણે મને કેટલો બધો પ્રેમ આપ્યો એની ધન્યતા અનુભવતા સુદામા પોતાના નગરમાં પાછા ફર્યા પોતાના ઘેર પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ કે ભગવાન શ્રીકૃષ્ણે એમને એમના જેવો રાજમહેલ અને ધનભંડારો આપી દીધા છે. એમ છતાં સુદામા તો સંસાર અને સંપત્તિથી અલિપ્ત અને અનાસક્ત રહી ભગવદ્ભક્તિમાં જ મગ્ન રહ્યા !