પરવાળાંના ખડકોનું સર્વાધિક વૈવિધ્ય ધરાવતા સ્થળોમાં ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, મલેશિયા, તિમોરની સાથે સોલોમોન ટાપુઓની પણ ગણતરી થાય છે. બદલાતા હવામાન અને પ્રદૂષણના કારણે પરવાળાંના ખડકોને નુકસાન થઈ રહ્યું છે. પરવાળાંને બચાવવા કેટલાય પ્રયાસો થઈ રહ્યાં છે, પરંતુ સોલોમોને રાષ્ટ્રીય પૉલિસીના ભાગરૂપે આ વર્ષે પ્રયાસો શરૂ કર્યા છે. દરિયાઈ પાણીનો ૫.૯ કરોડ એકરનો વિસ્તાર સુરક્ષિત રાખવાની જાહેરાત કરી છે. તસવીરમાં દેખાતો મનોહર ટાપુ પરવાળાના વૈવિધ્ય માટે ખૂબ જાણીતો છે. એ છ દેશોમાં ફેલાયેલા કોરલ ટ્રાઈએન્ગલનો ભાગ છે, જે છ દેશો સુધી ફેલાયેલો છે. આ વિસ્તાર ૭૫ ટકા પરવાળાના વૈવિધ્ય માટે જગવિખ્યાત છે. માનુ સેન ફેલિક્સ નામના ફોટોગ્રાફરની આ તસવીરમાં દરિયાનો બ્લૂ, ધરતીનો ગ્રીન અને આકાશનો વ્હાઈટ રંગ બખૂબી ઝીલાયો છે. આવું કુદરતી સૌંદર્ય અહીં ટકી રહ્યું છે, કારણ કે ત્યાં માનવીય દખલ ઝીરો છે. નહીંતર માણસે આની પણ દુર્દશા કરી હોત!
ફોટોગેલરી 2025
૨૧મી સદી ૨૫ વર્ષની થઈ ગઈ. આ વર્ષમાં દુનિયાએ કંઈ કેટલાય રંગ જોયાં. એઆઈના આક્રમણથી ક્યાંક નોકરીનો ભય ફેલાયો. ક્યાંક શાસકોની આપખુદશાહીથી ભયનું મોજું ફરી વળ્યું. ક્યાંય યુદ્ધોની આગમાં સપડાયેલા લોકો ભોજન માટે ટળવળ્યાં. ક્યાંક ધરતીના મનોહર રંગોની રંગોળી રચાઈ. ક્યાંક પ્રકૃતિએ નવો રંગ બતાવ્યો તો ક્યાંય માણસે પોત પ્રકાશ્યું! એવી તમામ નિશાનીઓ આ તસવીરોમાં ઝીલાઈ છે...
હુમલો માત્ર એક દેશ પર નથી થતો, પ્રકૃતિ પર પણ થાય છે
રશિયા-યુક્રેન યુદ્ધને ચાર વર્ષ થશે. હજારોનાં મોત થયા છે, લાખોએ સ્થળાંતર કરવું પડયું છે. સેંકડો ઘાયલ થયા છે. હજુય દરરોજ બંને દેશોના સૈનિકો, નાગરિકો યુદ્ધમાં ખપી રહ્યાં છે છતાં યુદ્ધવિરામની માત્ર વાતો થઈ રહી છે, યુદ્ધવિરામ તો થાય ત્યારે સાચું. એક દેશ જ્યારે બીજા દેશ પર હુમલો કરે છે ત્યારે એ હુમલો માત્ર દેશ પર નથી હોતો. દેશની કેટલીય બાબતો એના પ્રભાવમાં આવ્યા વગર રહેતી નથી. રશિયા દરરોજ યુક્રેન પર મિસાઈલમારો કરે છે. એમાં યુક્રેનની ઈમારતો, યુક્રેનના નાગરિકો તો નિશાન બને જ છે, યુક્રેનના પર્યાવરણને પણ ગંભીર અસર થઈ રહી છે. વૉશિંગ્ટન યુનિવર્સિટીના પર્યાવરણ વિભાગના સંશોધનમાં કહેવાયું કે રશિયાએ યુક્રેનના પર્યાવરણને જે નુકસાન પહોંચાડયું તે ભરપાઈ કરતાં યુક્રેનને ૧૦ વર્ષ લાગી જશે. આ તસવીરમાં દેખાય છે એ સૂરજમુખીની વેલી છે. એના પર જે દેખાય છે એ વાદળો નથી. એ છે રશિયાએ છોડેલી મિસાઈલોનો ધુમાડો. પોતાનો નાશ થવાનો છે એ જાણી ગયાં હોય એમ સૂરજમુખીના ફૂલો ડરના માર્યા એ તરફ જોઈ રહ્યાં છે.
યે મહલાં, યે તખ્તોં, યે તાજાં કી દુનિયા...
સાહિર લુધિયાનવીએ લખ્યું છે : યે મહેલો, તખ્તો, યે તાજો કી દુનિયા.. યે ઈન્સાં કે દુશ્મન સમાજોં કી દુનિયા... યે દૌલત કે ભૂકે રિવાજોં કી દુનિયા.. યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા... એક સમયે જેમના નામના સિક્કા પડતાં હોય એ ભોંય ભેગો થયો હોય એવા સેંકડો ઉદાહરણો મળે છે. કેટલાય સામ્રાજ્યોની એક સમયે દુનિયા પર ધાક હતી એ સામ્રાજ્યો હવે ઈતિહાસના પીળાં પાનામાં ખોવાઈ ગયા છે. આ તસવીરમાં દેખાય છે એ પૂતળું છે હાફિઝ અલ અસદનું. ૧૯૭૧થી ૨૦૦૦ સુધી સીરિયામાં અસદનું શાસન હતું ને પછી ૨૦૦૦થી તેના દીકરા બશરે બીજા ૨૪ વર્ષ 'રાજ' કર્યું. બાપ-દીકરાએ સીરિયામાં લગલગાટ ૫૪ વર્ષ શાસન કર્યું, પરંતુ લોકોનો મિજાજ બદલે ત્યારે ૫૪ કલાક પણ ટકી શકાતું નથી. જેમ શેખ હસીનાએ રાતોરાત દેશ છોડવો પડયો એમ બશર અલ-અસદે પણ દેશ છોડીને રશિયા પલાયન થવું પડયું. બાંગ્લાદેશમાં જેમ બાંગ્લાદેશના સ્થાપક મુઝીબૂર રહેમાનના પૂતળાં, તેમનું ઘર સળગાવાયું એમ સીરિયામાં પણ હાફિઝ અલ અસદના પૂતળાં તોડી પાડવામાં આવ્યાં.
અયોધ્યામાં દિવાળી પુર સોભા કછુ બરનિ ન જાઈ, બાહેર નગર પરમ રુચિરાઈ
અયોધ્યા અને દિવાળી એકમેકના પર્યાય છે. ભગવાન શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણજી અયોધ્યાથી પાછા ફરે છે ત્યારે અવધપુરીને શણગારવામાં આવે છે. અયોધ્યાવાસીઓ દીવડાં પ્રગટાવીને ભગવાનને આવકારે છે. ભગવાન અયોધ્યા પાછા આવ્યા એના સ્મરણમાં સદીઓથી એ દિવસે દિવાળી ઉજવાય છે. નવનિર્મિત મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ પછી તો દર વર્ષે અયોધ્યામાં દિવાળીએ નવા નવા વિક્રમો બને છે. અયોધ્યામાં દિવાળીએ સરયૂ નદીના ૫૬ ઘાટમાં ૨૬,૧૭,૨૧૫ દીવડાં પ્રગટાવાયા હતા. ૩૨ હજાર સ્વયં સેવકો દીપશણગારમાં સહભાગી બન્યા હતા. આટલા દીવડાં પ્રગટયા તેનો ગિનેસ બુકમાં રેકોર્ડ નોંધાયો હતો. અગાઉ અયોધ્યામાં જ ૨૫ લાખ દીવડાંનો રેકોર્ડ હતો, જે તૂટયો હતો. ૨૧૨૮ વિદ્વાનો અને પંડિતોએ વૈદિક મંત્રોથી સરજૂ નદીની પૂજા કરી હતી. એનો પણ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો હતો. રામ ચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી લખે છે કે નગરની શોભા વર્ણવી શકાય તેમ નથી. નગરની બહાર પણ ખૂબ જ મનભાવન દૃશ્યો જોવા મળે છે. દિવાળીએ કંઈક આવાં જ દૃશ્યો અયોધ્યામાં સર્જાય છે.
વોટ્સ ગોઈંગ ઓન?
૧૯૪૫માં બ્રિટિશ સહિત સાથી દેશોનો યુરોપમાં વિજય થયો હતો. દર વર્ષે વિક્ટરી ઈન યુરોપની ઉજવણી ૮મી મેના દિવસે થાય છે. આ વર્ષની ઉજવણી ખાસ એટલે હતી કે ૮૦મો વિક્ટરી ઈન યુરોપ ડે સેલિબ્રેટ થયો હતો. એ વખતે બ્રિટનનો શાહી પરિવાર વિશેષ હાજર રહ્યો હતો. લંડનની ઈવેન્ટમાં પ્રિન્સ વિલિયમ, પ્રિન્સ જ્યોર્જ, પ્રિન્સેસ કેથરિન, પ્રિન્સ લૂઈ અને પ્રિન્સેસ ચાર્લોટની હાજરીમાં યુદ્ધ કેવી રીતે જીત્યાં તેનું પ્રદર્શન થઈ રહ્યું હતું. બરાબર એ જ વખતે આકાશમાં વિમાનો ઉડયા, એ બતાવવા માટે કે આ રીતે હવાઈ હુમલા થયા હતા. આખા રાજ પરિવારે અચાનક વિમાનો ઉડયા એ ધ્યાનથી જોયું હતું. તેમની ચહેરા પર ભાવ હતા - આ શું ચાલી રહ્યું છે? અચાનક માહોલ કેમ બદલાઈ ગયો?


