Magazines

આને કહેવાય જંગલમાં મંગલ ! .

By GS TEAM
12 Sep 20252 mins read
આને કહેવાય જંગલમાં મંગલ !                              .

- કારખાનું પૂરજોશમાં શરૂ થઈ ગયું હતું, પણ તેનાથી જંગલમાં ધ્વનિ અને વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું હતું. 

- ચિરાગ એચ. શર્મા

મંગલવન નામનું એક જંગલ હતું. નામ પ્રમાણે જ બધું જ કુશળ મંગળ હતું. સુંદર વિવિધ પ્રકારનાં વૃક્ષો, પશુ અને પક્ષીઓથી કિલ્લોલ કરતું જંગલ. તેમાં સુંદર તળાવ અને એક ઝરણું પણ હતાં. બધાં પશુ-પક્ષીઓ તેમાં પાણી પીતાં. જંગલનો રાજા સોનુ નામનો સિંહ તેનો મંત્રી મોનુ શિયાળ અને તેના મંત્રીમંડળનાં સભ્યો સમગ્ર જંગલમાં શાસન કરતા. રાજા સોનું સિંહ સારો અને દરેકનું ધ્યાન રાખનાર હતો. તેથી કેટલાય સમયથી ચૂંટાઈને આવતો, પણ મંત્રી શિયાળ અને તેના સાથીદારો કપટી અને લાલચુ હતા. સેવા કરતાં મેવા ખાવામાં જ રસ. 

એક વખત ગોલુ રીંઠ વિદેશથી જંગલમાં આવ્યું. તેને જંગલ ખૂબ ગમ્યું. તે અહીં એક કાપડનું કારખાનું નાખવાનું વિચારી મંત્રી શિયાળને મળ્યો અને થોડી લાલચ પણ આપી. મંત્રી મોનુ શિયાળ ગોલુ રીંછને રાજા સોનું સિંહ પાસે લઈ જઈ સારીસારી વાતો કરી સમજાવ્યું કે આપણા જંગલમાં ગોલુભાઈ એક સરસ કારખાનું નાખી અન્ય પ્રાણીઓને રોજીરોટી આપવા માંગેછે. તમે  પરવાનગી આપશો તો આપણને પણ ભંડોળ આપવાં તૈયાર છે, જેનાથી જંગલની કાયાપલટ કરી શકાશે. 

સિંહ આ વાતોમાં આવી ગયો. એણે પરવાનગી આપી દીધી.

થોડા સમયમાં જ જંગલમાં વૃક્ષોથી સમૃદ્ધ ભાગ મશીનોથી કપાવા લાગ્યો, કારખાનાંના પાયા ખોદાવા લાગ્યાં અને જોતજોતામાં થોડા મહિનાઓમાં એક કારખાનું ઊભું થઈ ગયું. ઘણાં જૂનાં દળદાર વૃક્ષો કપાઈ ગયાં.

કેટલાય પક્ષીઓ અને પશુઓ નિરાશ્રિત થઇ બીજે જવાં લાગ્યાં. 

કારખાનું પૂરજોશમાં શરૂ થઈ ગયું હતું, પણ તેનાથી જંગલમાં ધ્વનિ અને વાયુ પ્રદૂષણ ફેલાઈ રહ્યું હતું. તળાવનાં પાણીનો કારખાનામાં પુષ્કળ વપરાશ થતો અને ગંદા પાણીનો નિકાલ પણ ત્યાં જ થતો. તેથી ઘણાં તળાવમાં રહેતાં જીવો બીજે જવાં મજબૂર થયાં. 

બીજાં પશુપક્ષીઓ તળાવ ગંદુ થવાથી પીવાનાં પાણી માટે તકલીફ અનુભવવા લાગ્યાં. 

બધાં પશુપક્ષીઓ ભેગાં થઇ રાજા સિંહ જોડે ફરિયાદ કરવા ગયાં અને પોતાની પરેશાનીઓ અને પડતી તકલીફો વિશે જણાવ્યું. 

રાજાને આ સાંભળી કારખાનાની મંજૂરી આપવાનો ઘણો પસ્તાવો થયો. તેમણે તત્કાલિક શિયાળને બોલાવી કારખાનું બંધ કરાવી ફરીથી તે જગ્યાએ વૃક્ષો ઉગાડવાનો  હુકમ કર્યો. 

સૌ પ્રાણીઓ રાજાની જયજયકાર કરતાં ખુશ થઈ ગયાં. 

થોડાંક વરસોની મહેનત પછી ફરીથી જંગલ હતું તેવું હર્યુંભર્યું થઈ ગયું. પ્રાણીઓ ને ક્ષીઓના કલરવથી ગુંજવા લાગ્યું. આ જોઈ સૌ બોલી ઉઠયાં, 

'વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો...

 આપણું ભાવી ઉજ્જવળ બનાવો...'