Get The App

લગ્નની તૈયારીઓ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો

Updated: Nov 11th, 2019

GS TEAM


Google News
Google News
લગ્નની તૈયારીઓ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો 1 - image


લગ્નની તારીખ નક્કી થાય ત્યારે..

લગ્નની તૈયારી માટે સૌથી મહત્ત્વનું એ છે કે તમે માનસિક રીતે તૈયાર રહો. લગ્નના પ્લાનિંગ સાથે ખુશીથી જોડાવ અને તેનો પૂરો આનંદ લો.

એક નોટબુક અથવા પ્લાનર ખરીદી લો જેમાં કેલેન્ડર અને પોકેટ્સ હોય જેથી તારીખ અને સમય અનુસાર બધાનાં નામ-સરનામાં નોંધી શકાય. આમ કરવું લાભદાયક રહેશે. કારણ કે એનાથી તમને બધું એક જ જગ્યાએ મળી રહેશે.

લગ્ન સાથે જોડાયેલી બધી જ રસમ અને રીત-રિવાજની જાણકારી મેળવી લો. એ રસમો ક્યારે, કઈ જગ્યાએ પૂરી કરવાની છે એ પણ નક્કી કરી લો.

6 મહિના પહેલા...
સૌ પ્રથમ તમારી જરૂરિયાત અને આર્થિક સ્થિતિ અનુસાર લગ્નનું બજેટ નક્કી કરો. બજેટ બનાવતી વખતે ૨૫ ટકા વધારે ખર્ચની શક્યતાને ધ્યાનમાં લઈને જ બજેટ બનાવવું. એવા કેટલાય ખર્ચા હોય છે જેના વિશે આપણે વિચાર્યું પણ નથી હોતું.

લગ્નના પ્લાનિંગમાં એ પણ મહત્ત્વનું છે કે કેટલીક બાબતો બન્ને પક્ષ મળીને નક્કી કરે. એવામાં ક્યારેક સાસરા પક્ષની સલાહ પણ લેવી જેથી તેઓ શું વિચારે છે એ જાણી શકાય.

જો તમારું બજેટ ઓછું હોય તો માત્ર દેખાડો કરવા માટે ખોટા ખર્ચા ન કરો. તમારા નજીકનાં સગાંને આમંત્રણ આપીને સાદાઈથી પણ લગ્ન કરી શકાય છે.

લગ્ન અને રિસેપ્શન માટેનો હોલ પહેલા જ બુક કરાવી લેવો અને એ પણ અગાઉથી જાણી લેવું કે જો કોઈ કારણસર લગ્નની તારીખ આગળ-પાછળ થાય તો કેન્સલેશન, રિફંડ અને રિશેડયુલિંગની શું વ્યવસ્થા છે.

હનીમૂન અને તેનું બજેટ પણ છ મહિના પહેલા જ નક્કી કરી લેવું. જરૂરી બુકિંગ પણ કરાવી લેવું. કારણ કે સીઝનમાં ખૂબ જ મુશ્કેલી થાય છે.

કેટરર, વિડિયો શૂટિંગ, ડીજે, ફૂલવાળા, બેન્ડવાજા, ઘોડી, ગોર મહારાજ વગેરેની જાણકારી મેળવવાની શરૂ કરી દેવી જેથી માર્કેટ રેટ ખબર પડે. કેટરર બુક કરતા પહેલા તેનું ભોજન ચાખી જોવંુ એનાથી વાનગીઓનો સ્વાદ અને વેરાયટીઓનો અંદાજ આવી શકશે.

મહેમાનોની યાદી બનાવી લેવી જેથી જમણવારનું બજેટ બનાવવામાં સરળતા રહેશે. 

લગ્નને દિવસે પહેરવાનો હોય એ પોશાક અને જ્વેલરી ડિઝાઈન્સ પણ પાંચ-છ મહિના પહેલાથી જ જોવાની શરૂ કરી દો જેથી સમયસર એ બન્ને વસ્તુ તૈયાર કરાવી શકાય.

4 મહિના પહેલા...
લગ્નની કંકોત્રી પસંદ કરી લો અને ઘરમાં બધાની સલાહ લઈ યોગ્ય લખાણ બનાવી પ્રિન્ટિંગનો ઓર્ડર આપી દેવો. 

મહેમાનો અને સગાંવહાલાંને આપવાની ભેટવસ્તુઓ પણ ખરીદી લો.

ઘરમાં રંગકામ, ફર્નીચર અથવા અન્ય જરૂરી ડેકોરેશન પણ કરાવી લેવું.

બ્યુટીશિયન અને મહેંદીવાળીને પણ બુક કરી લો. અન્યથા લગ્નની સિઝનમાં તેઓ સમય પર નહિ મળે અને મોં માંગી કિંમત લેશે.

ડાયેટિશિયનને મળીને તમારો ડાયેટ પ્લાન બનાવીને એ અમલમાં મૂકવાનું શરૂ કરી દો.

તમારા ભાવિ જીવનસાથી સાથે હેલ્થ ચેકઅપ અને કાઉન્સેલિંગ પણ કરાવી લેવું. આનાથી લગ્ન વિષયક ચિંતા અને ડર દૂર થઈ જશે.

2- 3 મહિના પહેલા...
લગ્નના બે-ત્રણ મહિના પહેલા મહેમાનોની યાદી પર ફરી એક વખત વિચાર કરી લો. આમંત્રણ-પત્રિકા મોકલવાનું શરૂ કરી દો અને કોણ-કોણ આવવાનું છે એ પણ કન્ફર્મ કરી લેવું.

હનીમૂનની શોપિંગ પણ બે મહિના પહેલાથી જ કરી લેવી.

ભાવિ જીવન વિશે હકારાત્મક વિચારો રાખવા અને વચ્ચે-વચ્ચે તમારા પાર્ટનરને પણ મળતા રહેવું.

1 મહિના પહેલા...

ઘર માટે અનાજ, કઠોળ, સૂકા મેવા વગેરે જરૂરી ચીજવસ્તુઓ ભરાવી લેવી.

એક મહિના પહેલા ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ફરી ચેક કરી લેવી જેથી છેલ્લી ઘડીએ કોઈ અડણ ન આવે.

ડીજે, વિડિયો શૂટિંગવાળા અને કેટરર સાથે ફરી એક વખત વાત કરી લેવી.

જો કોઈ મહેમાનને આમંત્રણ આપવાનું બાકી રહી ગયું હોય કે કંકોત્રી ઓછી પડી હોય તો ઇ-મેઈલ અથવા ફોન કરીને આમંત્રણ આપી દેવું.

10- 15 દિવસ પહેલા...

લગ્નના પંદર દિવસ પહેલા જોઈ લેવું કે બધી વ્યવસ્થા પૂરી થઈ ગઈ છે કે નહિ. દુલ્હા-દુલ્હને પોતપોતાનો સામાન પેક કરી લેવો.

પાડોશમાં રહેતા લોકોને આમંત્રણ આપી દેવું. 

મહેમાનોએ જ્યાં રોકાવાનું હોય ત્યાંની બધી વ્યવસ્થા જેમ કે ચાદર, તકિયા, ગાદલાં, ખાવા-પીવાની વ્યવસ્થા વગેરે બધું બરાબર ચેક કરી લેવું.

થોડા દિવસ માટે રસોઈ કરનારા મહારાજ, વાસણ-કપડાં ધોવા માટે, સાફ-સફાઈ કરવા માટે બાઈ રાખી લેવી. જેથી તમે થોડી રાહત અનુભવી શકશો.

આટલાં કામ અને દોડધામ વચ્ચે પણ તમે તમારી તબિયતનું ધ્યાન રાખો અને ખુશ રહો. લગ્નના પ્લાનિંગને બોજ ન સમજો આ બધાં કામનો આનંદ લો.


Tags :