'તો જરૂર તારા ભાગ્યનો સૂરજ ઊગ્યો હોત !' .

સૂરજ અને સોમુ બન્ને મિત્રો ખેતરમાં મજૂરી કરી અને સાંજે ઘર તરફ પરત ફરી રહ્યા છે. બન્ને વાત કરે છે કે,' ખેતરમાં સખત મજૂરીકામ આપણે કરીએ અને મોટો લાભ તો આ જમીનદાર જ લઈ જાય છે. આપણને તો પેટ પૂરતું ખાવા મળતું નથી. સૂરજ કહે,'માણેકચંદ શેઠ પાસે પુષ્કળ જમીન છે. મારા કાકાને તેણે જમીન આપી છે. કાકા મહેનત કરી જમીનમાં પાક લે, અડધો ભાગ તેને મળે. બન્ને મિત્રો શેઠ પાસે જઈને વિનંતી કરે છે,' અમને જમીન આપો તો અમે તેમાં મહેનત કરી પાક લેશું અને આપને આપનો ભાગ આપીશું.' શેઠે પૂર્વમાં પડેલી થોડી પડતર જમીન વાવવા માટે સૂરજને આપી અને પશ્ચિમની થોડી પડતર જમીન સોમુને આપી. શેઠે બન્નેને વાવવા માટે થોડું બિયારણ આપ્યું. બન્ને વાવણી માટે વરસાદ આવવાની રાહ જોતા હતા. વરસાદ ન આવતાં સોમુ કહે,' ભાગ્યમાં હશે તો વરસાદ આવશે' એવા વિચારે બેસી રહ્યો. પ્રભુને વર્ષા માટે પ્રાર્થના કરી. સૂરજે પ્રાર્થના સાથે ખેતર ખેડી તૈયાર કર્યું હતું. તેણે કૂવો ખોદવાનું ચાલુ કર્યું. થોડા દિવસના ખોદકામ પછી કૂવામાં પાણી આવ્યું. બીજ વાવી પાણી આપવાનું શરૂ કર્યું. ખાતર પણ નાખતો ગયો. વરસાદના થોડાં ઝાપટાં આવ્યાં. સોમુએ બી વાવ્યાં પણ પછી વરસાદ ન આવ્યો. સોમુ વિચારે છે કે, 'ભાગ્યમાં હશે તો વરસાદ આવશે, પાક થશે. હું મહેનત કરીશ પણ ભાગ્યમાં નહીં હોય તો પાક મળશે નહીં.'
સૂરજ તો ખેતરમાં ઊગી રહેલા પાકની માવજત કરવા પ્રતિદિન પુરુષાર્થ કરી જ રહ્યો હતો. પાક તૈયાર થતાં તે ગાડાં ભરીને બધું જ અનાજ શેઠ પાસે લઈ ગયો અને કહે,' આ બધો પાક આપના ખેતરમાંથી ઉપજ્યો. આપનો ભાગ લઈ મને મારા ભાગનું અનાજ આપો.' શેઠે ખૂબ જ પ્રસન્નતાથી તેને ભાગ આપ્યો. પછી સોમુને બોલાવ્યો ને પૂછયું,' કેટલો પાક લાવ્યો ?' સેમુ કહે,' વરસાદ ન આવવાથી તાપમાં બધું બિયારણ બળી ગયું. આપે મને જમીન તો આપી પણ મારા નસીબમાં અનાજ જ ન હતું તેથી ભાગ્યે મને યારી ન આપી.'
શેઠ કહે,' તું ભાગ્યની રાહ જોતો બેસી રહ્યો. તારા મિત્ર સૂરજની જેમ તેં પુરુષાર્થ કર્યો હોત તો જરૂર તારા ભાગ્યનો સૂરજ ઊગ્યો હોત.'
જ્ઞાનીઓએ કહ્યું છે કે,' પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે.' પુરુષાર્થ એટલે કર્મ કામ. અહીં કર્મ એ જ પૂજા સૂરજે ગણ્યું. વળી ધર્મમાર્ગે જ અર્થ ઉપાર્જન કર્યું. એટલે સૂરજ જમીનમાલિક પાસે પ્રામાણિકતાથી બધું જ અનાજ લઈને ગયો ને કહ્યું,' મને મારો ભાગ આપો.' આ પ્રસંગમાં ન્યાયસંપન્ન આજીવિકાની વાત અભિપ્રેત છે. ધર્મમાર્ગે અર્થની પ્રાપ્તિ થઈ હોય તો કામના પૂર્ણ થાય. અહીં ધર્મ, અર્થ, કામ એ પુરુષાર્થનાં ત્રણ અંગોની સંતૃપ્તિનાં દર્શન થાય છે. કામ ત્રીજો પુરુષાર્થ છે. કામ એટલે ઇન્દ્રિયને અનુકૂળ વિષયનો સુખોપભોગ કરવો. કામ ધર્મથી વિરુધ્ધ દિશામાં થાય તો તે નિંદ્ય છે. ધર્મથી અવિરુધ્ધ કામ હોય તો આ ભવ સુધરે અને સાથે સાથે પુરુષાર્થનું ચોથું અંગ પરલોક મોક્ષ પણ મળે. ભારતીય સંસ્કૃતિએ પુરુષાર્થનાં ચાર અંગો બતાવ્યાં છે- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આને ચતુવર્ગ કહે છે.
ધર્મમાર્ગે અર્થની પ્રાપ્તિ કરવી અને તે જ માર્ગે વિવેકપૂર્વક કામના ઇચ્છાઓની પૂર્તિ કરવી. 'ત્રિવર્ગ' થી ઓળખાતો આ સમુદાય આ ભવમાં આ લોકમાં ફળ આપે છે, પણ ચોથા મોક્ષ અંગનું ફળ પરલોકમાં એટલે ફક્ત આત્માને જ ફળે છે જેથી જન્મ-મરણની ઘટમાળ છૂટી જાય છે અને આત્મા મુક્ત બની સિદ્ધપદને પામે છે. ચાર્વાક સિવાય ભારતીય તમામ વૈદિક અને અવૈદિક દાર્શનિક પરંપરાઓએ પુરુષાર્થને મહત્ત્વ આપ્યું છે. જૈન ધર્મના પાંચ સમવાય કાળ, સ્વભાવ, નિયતિ, પુરુષાર્થ અને કર્મમાં પુરુષાર્થને સ્થાન આપેલ છે. ભારતીય દર્શનના સંદર્ભમાં વિચારીએ તો આ ૪ (ચાર) પુરુષાર્થ વિશે શાસ્ત્રકાર પરામર્શિઓ અને ઋષિમુનિઓ વિશદ વિચારણા કરી છે. વેદાંત વિગેરે બીજા દર્શનો મોક્ષને મુખ્ય પુરુષાર્થ ગણે છે. જૈન દર્શન પ્રમાણે મોક્ષલક્ષી પુરુષાર્થને જ સમ્યક પુરુષાર્થ કહેવાય.
ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે કે,'દ્વહ્રીઙ્ખપ્ખ્તશ્ન્ેંષ્દ્વ્ ઝગ્દણખ્ત...' કર્મ પર જ આપણો અધિકાર છે. કૂવાની પાળી પર બેસવાથી તૃષા છીપાતી નથી. કૂવામાંથી પાણી કાઢી અને પીવાથી તરસની તૃપ્તિ થશે. સપનામાં બાંધેલ મહેલ કે મહેલાતો કામનાં નથી પણ સ્વપુરુષાર્થથી બનાવેલ એક કુટિર પણ આશરો આપશે. કોઈ પણ વ્યક્તિ અસફળ થાય તો વિશ્રામ કરી શકે, થાક ખાઈ શકે પણ વિરામ નહીં. અટક્યા વિના પુરુષાર્થ પુનઃચાલુ કરશે તો સફળતા વરશે જ. પુરુષાર્થી વ્યક્તિ પોતાના જીવનનો નવો ઇતિહાસ રચી શકે. બધા જ મહાપુરુષોએ આ પુરુષાર્થથી જ સફળતા પ્રાપ્ત કરી હતી.
જેથી સ્વામી વિવેકાનંદ કહે છે કે,' ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડયા રહો.'









