ધર્મચક્રવર્તીનું અદ્ભુત સામ્રાજ્ય .

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
વીર, દ્રષ્ટિવિષ સર્પ ચંડકૌશિકને પ્રતિબોધ આપી તેના આત્મોત્થાનના નિમિત્ત બન્યા પછી ઉતરબાચાલ પધાર્યા. શ્વેતામ્બીથી સુરભીપુર જવા માટે સિદ્ધદત્ત નામના નાવિકની નૌકામાં ગંગાનદી પાર કરવા આરૂઢ થયા.
જ્યારે નૌકાએ તરવાની શરૂઆત કરી ત્યારે એક ઘુવડ બોલ્યું અને ગંગાના પ્રવાહમાં તોફાન શરૂ થયું, બેમિલ નામનો નિમિતરી આ નૌકાનો સહપ્રવાસી હતો, તેણે કહ્યું, 'ભયંકર અપશુકન થયા છે, પરંતુ આપણી નૌકામાં મહાપ્રતાપી એવા સત્પુરુષ આપણા સહપ્રવાસી છે એટલે એમના પુણ્યના પ્રતાપે આપણે સૌ બચી જઈશું.' ભગવાન મહાવીર પ્રતિ તેનો ઇશારો હતો.
ત્રિપુષ્ઠ વાસુદેવના ભવમાં ભગવાન મહાવીરના જીવે જે સિંહને મળ્યો હતો તે સિંહનો જીવ સુદશ દેવ બન્યો હતો અને પૂર્વભવના વેરના સ્મરણને કારણે એમણે ગંગાનદીમાં તોફાન-આંધીનું સર્જન કર્યું હતું. બધા ગભરાયા, પરંતુ ભગવાન મહાવીર નિષ્કંપ અડોલ હતા. તેમના તપના પ્રભાવે કમ્બલ અને શમ્પલ નામના નાગકુમારોએ ઉપસર્ગનું નિર્વારૃં કર્યું. ગંગાનદીમાં તોફાન શમી ગયું અને નૌકા કિનારે આવી ગઈ. ભગવાન મહાવીર નૌકામાંથી ઊતરી અને ગંગાકિનારેથી થોડે દૂર થુણાંક સન્નિવેષમાં જઈ ધ્યાનમુદ્રામાં સ્થિર થાય છે.
થોડી વાર પછી ગંગાકિનારાના આ રસ્તા પર પુષ્પ નામનો નિમિતરી પસાર થઈ રહ્યા હતા. તેને રસ્તા પર ચરણચિન્હ દેખાયાં તેથી ચરણચિન્હ જોઈને ત્યાં જ ઊભા રહી બારીકાઈથી આ પાદ્ચિન્હને નિહાળીને સ્વગત બોલે છે કે, 'આ ચરણ ચિન્હો તો કોઈ સમ્રાટના હોય તેવું લાગે છે', પરંતુ તેને વૈચારિક દ્વિધા થાય છે કે, 'સમ્રાટ સાથે તો સૈનિકો, અંગરક્ષકો, સુભટો વગેરેની ફોજ હોય છે, પણ અહીં તો એક જ વ્યક્તિનાં પાદ્ચિન્હ નજરે પડે છે. શું ચક્રવર્તી એકલવિહારી હોય શકે ? ના, એમ નહીં પણ કોઈ વિપદાને કારણે તે એકાકી જઈ રહ્યા હોય તેવું બને. તેમને આવી પડેલી વિકટ પરિસ્થિતિમાં હું જઈને તેમને મદદ કરું; તો જ્યારે એ ચક્રવર્તીરૂપે પુન:સ્થાપિત થઈ જશે ત્યારે તેમના સામ્રાજ્યમાં કોઈ પણ સારું પદ મને જરૂર મળી આપશે.' પુષ્પ નિમિતજ્ઞા પાદ્ચિન્હોનું અનુસરણ કરતો કરતો આગળ ચાલ્યો. આગળ ચાલતાં ચાલતાં થુણાંક સન્નિવેષમાં એક ભિક્ષુક ધ્યાનમુદ્રામાં સ્થિર થયા હતા ત્યાં આ ચરણચિન્હો સમાપ્ત થતાં હતાં. સામુદ્રિકશાસ્ત્ર અને જ્યોતિષવિદ્યાના નિષ્ણાત પુષ્પને, ભિક્ષુકને જોતાં જ આઘાત લાગ્યો કે, 'ચક્રવર્તી સમ્રાટના પાદ્ચિન્હોના લક્ષણો ધરાવતી આ વ્યક્તિ ભિક્ષુક કેમ હોઈ શકે ? શું મારી વિદ્યાએ મને દગો દીધો ? શું મારી વર્ષોની વિદ્યાસાધના વિફળ ગઈ ? અરેરે, મારી સામુદ્રિકશાસ્ત્ર વિદ્યા અને જ્યોતિષજ્ઞાાન મિથ્યા થયું ?' પુષ્પ નિમિતજ્ઞાની વિચારધારા આગળ ચાલી. તેણે નિરાશ થતાં નિર્ણય લીધો કે, 'મારી તમામ વિદ્યાઓ હું ગંગામાં પધરાવી દઉં' અને તેણે ગંગાનદી તરફ પ્રયાણ કર્યું. દેવેન્દ્રની પ્રેરણાથી ત્યાંથી પસાર થઈ રહેલો તેનો મિત્ર હર્ષદત્ત તેને કહે છે કે, 'મિત્ર નિરાશ વદને ઝડપથી ક્યાં જઈ રહ્યો છે ? તારી દ્વિધા કે વિપત્તિની મને વાત કર.' પુષ્પે હર્ષદત્તને આખી ઘટનાની વાત કરી અને કહ્યું કે, 'મારી તમામ વિદ્યાને હું ગંગાનદીમાં અર્પણ કરી દેવા માગું છું.'
હર્ષદત્ત કહે, 'મિત્ર, તું થુણાક સન્નિવેષમાં મારી સાથે પરત ફર. હું તને કાંઈક બતાવવા માગું છું. તું રાજ્યોના સંદર્ભે ચંદ્રવર્તી સમ્રાટને મૂલવવાનો પ્રયાસ કરે છે, પરંતુ અહીં ધ્યાનસ્ત છે એ ભિક્ષુક નથી, એ સ્વયં ભગવાન મહાવીર ધર્મચક્રવર્તી છે. સંસારના તમામ ચક્રવર્તી સમ્રાટો કરતાં એ ધર્મચક્રવર્તી ઉચ્ચસ્થાને છે એટલે જ આપણે કહીએ છીએ કે, 'ધમ્મવર ચીઉરંત ચક્કવહીણા. ધર્મના ચક્રવર્તી ચાર ગતિના પરિભ્રમણને સમાપ્ત કરવાવાળા છે. રાજાની સેનાને એક નિશ્ચિત્ત સીમા હોય, પરંતુ પ્રભુના આભામંડળમાંથી નીકળેલાં દિવ્ય કિરણો અગણિત લોકોના કલ્યાણનું કારણ બની જાય. એમના શુભ તરંગોની સેના જ ચારે બાજુ સુરક્ષા કરી શકે છે. તેમનું ધર્મચક્ર સર્વત્ર આનંદ, શાંતિ અને માધુર્ય ફેલાવતું રહે. સંસારના તમામ સામ્રાજ્ય કરતાં આ સામ્રાજ્ય ઉત્કૃષ્ટ છે. કોઈ પણ વ્યક્તિ સાથે લડાઈ કરી નથી, હિંસા કરી નથી, છતાં બધાના હૃદયસિંહાસન પર રાજ્ય કરનારા આ રાજ્યનું રાજ્ય જ વાસ્તવિક છે, કારણ કે આ સામ્રાજ્યમાં હિંસા નથી, ચોરી નથી, જૂઠ નથી, ચબ્રહ્મ નથી અને પરિગ્રહ નથી. અહીં સત્યના સિંહાસન પર અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહને રાજતિલક કરાયું છે. હર્ષદત્તે વાત પૂરી કરી ત્યારે બન્નેએ ભગવાનનાં ચરણોમાં વંદન કર્યા. પુષ્પ કહે, 'આજે મને સમજાયું કે, સામુદ્રિક લક્ષણ, માત્ર બાહ્ય ચિન્હો કે સંકેતો પર આધારિત નથી. આજે હું ભગવાનના આંતરવૈભવના ઘુઘવતા પ્રચંડ મોજાંઓનાં પ્રતિછંદને સાંભળીને નિહાળી રહ્યો છું. મિત્ર, મારી વિદ્યા આજે સાર્થક થાય છે.' વંદન હો, મંગલમય કરુણાના દિવ્ય સામ્રાજ્યને, વંદન હો ધર્મચક્રવર્તીના અદ્ભુત સામ્રાજ્યને !








