Get The App

કૃષિ જણસોના બજાર ભાવ અને ખેડૂતોના મળતા ભાવ વચ્ચે જણાતું વ્યાપક અંતર

ખેતીની સાથોસાથ ખેડૂતોને કૃષિ ઉત્પાદનોનો વેપાર કરવાની પણ તાલીમ પૂરી પાડવી રહી

Updated: Dec 22nd, 2019

GS TEAM

Google News
Google News
કૃષિ જણસોના બજાર ભાવ અને ખેડૂતોના મળતા ભાવ વચ્ચે જણાતું વ્યાપક અંતર 1 - image


૨૦૨૨માં ભારત તેની સ્વતંત્રતાના ૭૫ વર્ષ પૂરા કરશે ત્યારે   ત્યાંસુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાની  વડા પ્રધાને ૨૦૧૬ના ફેબુ્રઆરીમાં જાહેરાત કરી હતી.૨૦૨૦ના ફેબ્રઆરીમાં આ જાહેરાતને ચાર વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે આવક બમણી કરવા માટે લેવાયેલા પગલાંના કોઈ પરિણામ  જોવા મળ્યા છે કે કેમ તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ હાલના તબક્કે ખેડૂતોની આવકમાં કોઈ જંગી વધારો થયો હોવાનું જણાતું નથી.

જો એમ હોત તો તાજેતરની અતિવૃષ્ટિના કાળમાં ખેડૂતોની લોન્સ માફ કરવા જેવા પગલાં લેવાની વાતો અને માગણીઓ થતી ન હોત. વિવિધ સરકારી એજન્સીઓ તથા યંત્રણા દ્વારા લેવાયેલા પગલાં છતાં દેશના ખેડૂતોની સ્થિતિમાં કોઈ ફેરબદલ થયો નથી એમ કહીશું તો ખોટું નહીં ગણાય.

ભારતમાં ખેતી મારફત આવક કરવા માટે ભરપૂર માત્રામાં ફળદ્રુપ જમીન, વિપુલ પ્રમાણમાં પાણી, સસ્તા લેબર તથા સાનુકૂળ હવામાન જોવા મળે છે. આ પોઝિટિવ પરિબળોનો ખેડૂત અને ખેતીને લાભ અપાવવો હશે તો ભૂમિપુત્રોને ખેતીની સાથોસાથ ખેત પેદાશોનો વેપાર કેમ કરવો તે પણ શીખવાડવાનું જરૂરી છે.વિશ્વના વિકસિત દેશોમાં ખેડૂતોને વેપારની તાલીમ પૂરી પાડવા ખાસ તાલીમ કેન્દ્રોનો નવો કન્સેપ્ટ તૈયાર થઈ રહ્યો છે.

યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઈઝેશન દ્વારા તૈયાર કરાયેલો આ કન્સેપ્ટ ખેડૂતોમાં સ્કીલ ઊભી કરવા અને તેમના ફાર્મિંગને એક નફાકારક વેપાર કઈ રીતે બનાવી શકાય તેના  પર તાલીમ પૂરી પાડવાનો વ્યૂહ ધરાવે છે. વિકસિત દેશોમાં ગ્રામ્ય સ્તરે ફાર્મર એસોસિએશન, સિવિલ સોસાયટી, સરકારી સંસ્થાઓ વગેરે દ્વારા આવા પ્રકારના  કેન્દ્રો શરૂ કરવામાં આવી રહ્યા  છે, જ્યાં ખેડૂતો પોતાના સમયે હાજરી આપીને  પોતાના પ્રોડકટસના વેચાણ માટે રહેલી તકો, પડકારો તથા બજાર વ્યૂહ સમજી શકે છે.

ભારતમાં ખેડૂતોની આવક વધારવાની વાતો કરવામાં આવે છે પરંતુ તેમની આવક કેવી રીતે વધારી શકાય તેના કોઈ વ્યૂહ અમલમાં મુકાતા નથી. ભારતના કૃષિ ક્ષેત્ર માટે સૌથી મોટો અભાવ હોય તો તે છે પ્રોડકટસના વેચાણ માટેની માર્કેટ. આજના ટેકનોલોજીના યુગમાં ખેડૂતો પોતાના ખેતરમાં બેસીને આવી માર્કેટ મેળવીને પોતે જ પોતાના પ્રોડકટસનું વેચાણ સ્પર્ધાત્મક ભાવે વેચી શકે છે.

અલબત્ત તેમને આ માટે યોગ્ય તાલીમ પૂરી  પાડવાની રહે છે. દેશમાં ૮૦ ટકા ખેડૂતો નાના જમીનધારકો છે ત્યારે સરકારના યોગ્ય ટેકા વગર આ ખેડૂતોએ પોતાના ઉત્પાદનો નાખી દેવા જેવા ભાવે વેચવાનો વારો આવે છે અને તેમની સ્થિતિ કે આવક બદલાતી નથી. 

બજારલક્ષી ફાર્મિંગને ટેકો આપવા માટે  રી-ટ્રેનિંગ તથા માળખાનું રિસ્ટ્રકચરિંગ પ્રથમ આવશ્યકતા છે. ઉત્પાદન પ્રવૃત્તિઓમાં ક્ષમતા પ્રમાણે પરિણામ હાંસલ કરવા તથા ઉત્પાદનમાંથી નફાશક્તિમાં કેવી રીતે વધારો કરી શકાય તે માટે ખેડૂતોને ખાસ ટેકો પૂરો પાડવાની આવશ્યકતા રહેલી છે. આપણા દેશમાં ખેડૂતોને એક વોટબેન્ક તરીકે જ જોવામાં આવે છે ત્યારે તેમને જો વેપારી બનાવવામાં આવશે તો પોતાનો ગરાસ લૂંટાઈ જવાનો પણ રાજકારણીઓને ચિંતા રહેલી છે. 

ફાર્મ મેનેજમેન્ટને અસરકારક રીતે હાથ ધરવા તથા ઉત્પાદનો અને માર્કેટિંગમાં રહેલા પડકારો સામે લડવા ખેડૂતોમાં ક્ષમતામાં વધારો કરવાની અને  માળખા ની આવશ્યકતા છે  જ્યાં તેઓ પોતાની મેળે અને અન્યોના અનુભવને આધારે યોગ્ય તાલીમ પ્રાપ્ત કરી શકે.

ખેતીના વેપારનું પ્લાનિંગ કરવાના મુખ્ય પગલાંઓમાં વેપાર વિઝન અને ધ્યેય, સાહસ કરવાની ક્ષમતા અને અવકાશનો મુખ્ય બાબતો છે. આ ઉપરાંત બજારનું મૂલ્યાંકન કરી બિઝનેસ પ્લાનની રચના કરવાની બાબતનો પણ આમાં સમાવેશ થાય છે. હાલમાં જ જોવા મળેલા ડુંગળીના ભાવમાં ઉછાળાના કિસ્સામાં બજાર ભાવની સરખામણીએ ખેડૂતોને પચાસ ટકા જ ભાવ મળતા હોવાનું જોવાયું હતું. 

વિકસિત દેશોમાં વેપાર તાલીમ કેન્દ્રો ખેડૂતોની સમશ્યાના ઉકેલ કરતા તે તેમને આ સમશ્યાઓ સમજવા માટે આવશ્યક જ્ઞાાનનો વિકાસ કરવામાં અને મેનેજરિઅલ ક્ષમતા વિકસાવવામાં  મદદ કરે છે. આ સમશ્યાઓ કેવી રીતે ઉકેલવી તેની ખેડૂતોને જ્ઞાાન સાથે તાલીમ  આ  કેન્દ્રો મારફત પૂરી પાડી શકાય છે. ભારતની સરખામણીએ ઘણાં જ ટચૂકડા એવા ફિલિપાઈન્સ, ઝિમ્બાબ્વે, ઈન્ડોનેશિયા, ઘાના વગેરે દેશોમાં આવી  સ્કૂલનો કન્સેપ્ટ વિકસાવવાનું શરૂ થઈ ગયું છે. 

આપણા દેશના ખેડૂતોની આવક બમણી કરવી હોય તો શું કરવું જોઈએ તેના પર સલાહ આપવા સરકારે ૨૦૧૬માં દલવાઈ સમિતિની રચના કરી હતી. આપણા દેશની  ભૌગોલિક તથા સામાજિક સ્થિતિમાં વ્યાપક  અંતર હોવાને કારણે દેશભરના ખેડૂત તથા ગ્રામ્ય વિસ્તારના પરિવારોની નિશ્ચિત  આવકનો આંક મેળવવાનું  ઘણું કઠીન બની રહે છે. રાજ્ય દીઠ નેટ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડકટ તથા નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના આંકડાને આધાર બનાવી  દલવાઈ સમિતિએ ૨૦૧૫-૧૬માં ખેડૂત પરિવારની માસિક આવક રૂપિયા ૮૦૫૯ રહી હોવાનો અંદાજ મૂકયો હતો.  

૨૦૨૨-૨૩ સુધીમાં ખેડૂતોની આવક  આ સ્તરેથી બમણી કરવી હશે તો તેમની આવકમાં વાર્ષિક ૧૦.૪૦ ટકાના દરે વધારો થાય તે જરૂરી છે, એમ દલવાઈ સમિતિએ અભ્યાસના આધારે પોતાના રિપોર્ટમાં જણાવ્યું  હતું. જો કે પોતાના રિપોર્ટમાં દલવાઈ સમિતિએ  ખેડૂતોને વેપાર કરતા શીખવાડવા આવા કેન્દ્રોની સ્થાપના પર કોઈ ભાર આપ્યો હોવાનું જણાતું નથી.  ખેડૂતોની આવક બમણી કરવાનું પડકારરૂપ જણાય રહ્યું છે કારણ કે આવક વધારવા માટે દેશનો આર્થિક વિકાસ દર વધીને ૨૦ ટકા થવો જરૂરી છે.

સરકારની નીતિઓ અને યોજનાને ધ્યાનમાં લેતા જણાય છે કે, વડા પ્રધાનનું સ્વપન સાકાર થવાની શકયતા નહીંવત છે. વિકસિત દેશોમાં ખેડૂતોએ નાણાંકીય સંચાલનની સ્કીલ્સ તથા ઉત્પાદન ખર્ચને કાબૂમાં રાખી કઈ રીતે નફો રળી શકાય તેની તાલીમ પૂરી પાડવામાં આવે છે, ત્યારે ભારતમાં  ખેડૂતોની આવક વધારવાના ભાગરૂપ ખેડૂતોને માત્ર ખેતી જ નહીં પરંતુ ખેત પેદાશોનો નફાકારક વેપાર કરતા વેપારી બનાવવાનો હવે સમય પાકી ગયો છે એમ કહીશું તો ખોટું નહીં ગણાય. 

Tags :