Magazines

'ધર્મ'નું ખરું મુલ્ય છે 'પ્રામાણિકતા' .

By GS TEAM
18 Mar 20263 mins read
'ધર્મ'નું ખરું મુલ્ય છે 'પ્રામાણિકતા'                            .

કોઈ વ્યક્તિ, સમાજ કે પુરી પ્રજાનું ધાર્મિક મૂલ્યાંકન કરવું હોય તો તે કેટલા ટીલાં-ટપકાં કરે છે કેટલા મંદિરો ધાર્મિક સ્થાનો બાંધે છે તે રોજ આવ-જા ત્યાં કરે છે. કેટલા છપ્પનભોગ, યજ્ઞાો, પૂજાઓ કે એવી કોઈ લોક દર્શક ક્રિયાઓ કરે છે. તે બધાથી કોઈ દિવસ ધર્મનું સાચું મૂલ્યાંકન થતું નથી. કેમકે આવી ક્રિયાઓ ભાગ્યે જ અંતરની પૂર્ણ શુદ્ધિ તથા નિષ્ઠાથી થતી હોય છે. આમ તો આ બધી પ્રદર્શન કેરું છે. મંદિરમાં મૂર્તિમાં આપણું તાદ્રશ્ય જરૂરી છે. મંદિર માધ્યમ છે. એકાગ્રતા મેળવવાનું ઇશ્વરનું ધામ છે. ગરીબોને અન્નનો ટૂકડો આપવો તે પણ એક મોટો ભોગ છે. 

રામ ઝરોખેં બેંઠ કે સબ કા મુજરા લેત!

જૈસી જાકી ચાકરી વૈસા વા કો દેત...

ખરા હૃદયથી થતા દર્શન આદર્શ છે. પૂજા છે એટલે તો ભગવાન પ્રેમ અને ભાવનાઓનાં ભૂખ્યા છે. ઢોંગ ધતિંગના નહિ. નિર્મળ ભાવને કરુણા ભગવાનને તેના તરફ ખેંચી લાવે છે. (સ્વામી સચ્ચિદાનંદ)

ધર્મનું મૂલ્યાંકન : ધર્મનાં મૂલ્યાંકનમાં સંતોએ ખાસ ત્રણ તત્વો બતાવ્યા છે; (૧) કર્તવ્ય નિષ્ઠા, (૨) પ્રમાણિકતા, (૩) પરમાર્થ. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાના માધ્યમથી આ જ વાત શીખવી છે. તું તારું કર્તવ્યનિષ્ઠાથી કર્યા કર, કર્તવ્યનો ત્યાગ એ સંન્યાસ નથી, મોહ છે. જુઓ...

दुंख मित्थेव यत्कर्म,

काय क्लेश भयात्यजत् ।

सकृत्वा राजसं त्याग,

नैव त्यागफलं लभेत् ।। 8 ।।

(ભગવદ્ ગીતા અ.૧૮)

'જેમ મનુષ્ય પોતાના નિત્ય કર્મોને છોડીને કષ્ટદાયક સમજીને કે શારીરિક ક્લેશના ભયથી છોડી દે છે તે એક રજોગુણમયી ત્યાગ છે. આમ કરવાથી ત્યાગનું ઉચ્ચ ફળ કદાપિ મળતું નથી.'

ઘણી વખતે લોકો ધર્મનાં નામે પોતાનું નિયત કર્મ છોડી કર્તવ્યહીન થતા હોય છે. પોતાનું મૂળ કર્તવ્ય નિષ્ઠાથી ફળની ઇચ્છાઓ વિના કર્યા કરે તે જ ખરો ત્યાગ છે. ઇશોપનિષદમાં કર્તવ્ય કરતાં કરતાં સો વર્ષ સુધી જીવિત રહેવાની ઇચ્છા રાખવાની વાત છે. 'કુર્વન્તેવેહ કર્માણિ જિજિવિષેત્ શત સમા'

ગીતા એ તો આપણને સહુને લોકસંગ્રહ માટે પણ શરીરની યાત્રા એને કર્મયાત્રા ગીતાજીમાં બતાવી છે. 

शरीरयात्रानुडपि च, तेन प्रसिध्ध हा कर्मणः ।। (ગીતાજી)

'ગીતા' જે કર્મયોગીનું શાસ્ત્ર છે, કેટલાક સાચા માનવ ધર્મનાં અનુયાયીઓ દૂર દૂર જંગલોમાં તથા ગામડાઓમાં ઝૂંપડાઓમાં ફરી ફરીને અનાજ, દવા, શિક્ષણ વગેરે ગરીબ, પતિત માણસોને આપે છે એ જ સાચી ધર્મ યાત્રા છે.

કર્મ-કર્તવ્ય : અકર્મ એ એક આળસનો રોગ છે. તે ગુનો પણ છે. તે એક સામાજિક તથા રાષ્ટ્રીય અપરાધ છે. કર્મ અને કર્તવ્ય એ ભેદ સમજવા જેવો છે. સારી, ડાકુગીરી, કોઈનું પડાવી લેવું વગેરે પણ કર્મ જ છે પણ તે કર્તવ્ય નથી.

ગીતામાં કર્મ અને અકર્મનો નિર્ણયાત્મક અભ્યાસ આપ્યો છે. कर्मणो हयपि बोदत्यं, अकर्मश्च बोद्धव्यं । (અ. ૪/૧૭)

ઘણી વખતે કર્તવ્ય અરૂચિકર હોય. કષ્ટદાયક હોય છતાં મન લગાવીને કર્યા કરવું તે જ કર્તવ્યનિષ્ઠા છે. જે જ્ઞાન કર્તવ્યનિષ્ઠાને શિથિલ બનાવતું હોય તેને જ્ઞાન જ ન કહેવાય.

ખરી ધાર્મિકતા : જે દિવસે દેશનાં સાધુઓ, સંતો-મહંતો, મહામંડલેશ્વરો, આચાર્યો, ધર્મગુરુઓ, મઠાધીશો, ધાર્મિક આવકનો પૈસો લોકહિત તથા ધર્મહિત માટે વપરાશે તે દિવસે આ દેશ ખરેખર ધાર્મિક થયો દેખાશે. ધર્મ પારમાર્થિકતાની પ્રેરણા આપે છે. દંભ, ઢોંગ, પાખંડ, આડંબર, આ બધું ધર્મનું નહિ પરંતુ અધર્મનું પરિણામ છે. જે ધર્મના માથે આવ્યું છે જાગ્રત વર્ગે તેને દૂર કરવું જોઈએ. પરમાત્મા આપણને આવી પ્રેરણાદાયક શુભ કાર્યો કરવાની બુદ્ધિ અને શક્તિ તથા સામર્થ્ય આપે તેવી પ્રાર્થના.

મહાનતા -

गुणैं उत्तम तां याति नां श्चै रासन संस्थितां ।

प्रसाद शिखरस्थोडपि काकः किं गऱुडायते ।।

(ચાણક્યનીતિ અ. ૧૬/૬)

'મનુષ્ય પોતાના સદ્ગુણોના કારણે જ શ્રેષ્ઠ બને છે. ઊંચા આસને બેસનાર દરેક વ્યક્તિ શ્રેષ્ઠ નથી કહેવાતી. રાજમહેલની સૌથી ઉંચી ટોચ પર બેસી કાગડો ક્યારેય ગરૂડ નથી બની શકતો.' આપણને લોકોનું બાહ્ય વ્યક્તિત્વ અને આચરણ જ દેખાય છે પરંતુ તેના વિચારો દેખાતા નથી. વાસ્તવમાં એના આચરણના મૂળ તેના વિચારોમાં જ હોય છે. આપણને આપણા સદ્વિચારો એવો કુઠારાઘાત કર્યો છે કે જીવનવૃક્ષ સાવ સંકોચાઈને નાના છોડ જેવું બની ગયું છે.

- ડો. ઉમાકાંત જે. જોષી