દીપાવલીનો સાચો મર્મ .
સૂર્યની ગેરહાજરીમાં નાનકડો દીવો પણ પોતાની પૂરી શક્તિથી અંધકારને દૂર કરે છે. એજ રીતે માણસો પણ પોતાની શક્તિ, સમયનો ઉપયોગ જો સમાજમાં પ્રકાશ ફેલાવવા માટે કરે તો યુગપરિવર્તન થતાં વાર નહિ લાગે.
દીપાવલી પ્રકાશનું પર્વ છે. તે આંતરિક તથા બાહ્ય એમ બંને પ્રકારના સૌંદર્યનો ઉત્સવ છે. જ્યાં હંમેશા પ્રકાશ હોય, આશા તથા ઉમંગ હોય ત્યા ઉત્સવ જ હોય છે. જ્યારે લોકો સામૂહિક રૂપે પ્રકાશ પ્રગટાવે ત્યારે સર્વત્ર સૌદર્ય વિખરાય છે. ઘેરઘેરથી દીવાઓની હારમાળા આપણા મનને પણ પ્રકાશથી ભરી દે છે.
દીપાવલી અંતરના અંધકારને દૂર કરી તેને પ્રકાશથી ભરી દેવાનો તહેવાર છે. દિવાળી પર પ્રગટાવવામાં આવતા દીવા પર્વ શાથી બની જાય છે ? પર્વનો વિશાળ અર્થ એ છે કે આપણી સ્મૃતીના હજારો તાર ઝણઝણી ઊઠે, મન આનંદ તથા ઉલ્લાસથી ભરપૂર બને અને સર્વત્ર સૌદર્ય વેરાયેલું જણાય.
દીપાવલી આપણા મનને ઉલ્લાસથી ભરી દે છે. તે સૌંદર્યનું પ્રતીક છે. તે સહૃદયતા તથા એકતાની ભાવનાને જાગ્રત કરવાનો તહેવાર છે. તે બધાના અંતરને જોડે છે. એક દિવાથી બીજો દીવો સળગાવતાં બે દીવેટો એકબીજા સાથે મળે છે. દીવેટ સ્નેહ ( ઘી) થી યુક્ત હોવી જોઈએ. સ્નેહ વગર પ્રકાશની કલ્પના કરવી અશક્ય છે.
આજના યુગમાં સર્વત્ર નકારાત્મકતા અને સંવેદનહીનતા જોવા મળે છે. આવી સ્થિતિમાં સ્નેહની વિશેષ જરૂર છે. સ્નેહથી વાતાવરણ જીવંત અને પ્રાણવાન બની જાય છે. એ જ વાસ્તવમાં જીવન જીવવાની કલા છે. સ્નેહ વગરનાં હોવું એનો મતલબ છે. સૌંદર્યનો અભાવ. દીપાવલી આત્માના સૌંદર્યને વધારવાનું પર્વ છે. એ પર્વ પર સર્વત્ર કલા, સૌંદર્ય તથા પ્રકાશનાં દર્શન થાય છે. તે સર્વત્ર વ્યાપેલા અંધકારનો નાશ કરે છે.
દીપાવલી સમાજ તથા વ્યકિતના જીવનમાં નવી પ્રેરણાઓ ભરી દે છે. આપણી ઋષિ સંસ્કૃતિ જીવનમાં મુશ્કેલીઓ તથા સંઘર્ષોની વચ્ચે પણ ઉલ્લાસમય જીવન જીવવાનો બોધ કરાવે છે. દિવાળી વખતે વાતાવરણમાં બહુ ગરમી કે બહુ ઠંડી હોતી નથી. માટીના જુદા જુદા આકાર તથા પ્રકારના દીવાઓમાં કલાકારોની કલા અભિવ્યકત થાય છે. આજે ફાઈબર તથા પ્લાસ્ટિકના જમાનામા માટીની કલાને જીવંત રાખવાની જરૂર છે.
સમાજના બધા વર્ગો, ખેડૂતો, કલાકારો વગેરે દીપાવલીને પોતપોતાની રીતે ઉજવે છે. દિવાળી વખતે ચોમાસુ પાક તૈયાર થઈ ગયો હોય છે. તેથી ખેડૂતો પ્રસન્ન તથા પ્રફૂલ્લિત રહે છે. આજે ખેતીને રાષ્ટ્રીય સમૃધ્ધિનો આધાર બનાવવાની જરૂર છે. દીપાવલીને ગરીબ તથા મધ્યમવર્ગના લોકો પણ પોતાની શક્તિ પ્રમાણે ઉજવવાનો પ્રયાસ કરે છે. લોકો આ તહેવારને વધારે ઉલ્લાસપૂર્ણ બનાવવા માટે વિવિધ પ્રકારના ફટાકડા ફોડતા હોય છે, પરંતુ તે વાતાવરણને પ્રદુષિત કરે છે.
પર્યાવરણનું પ્રદૂષણ આજે આપણા દેશ તથા દુનિયાની ભયંકર સમસ્યા બની ગઈ છે, તેથી ઓછામાં ઓછું પ્રદૂષણ ફેલાય એવા ફટાકડા પસંદ કરવા જોઈએ. બહુ મોટા અવાજ સાથે ફૂટતા ફટાકડા ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે. આથી ઓછા અવાજવાળા ફટાકડાનો પ્રયોગ કરવો જોઈએ. જીવનના દરેકક્ષેત્રમાં વિવેકબુધ્ધિ હોવી જરૂરી છે. ખોટા ખર્ચા બંધ કરીને ધન તથા સાધનોનો ઉપયોગ વ્યકિત, સમાજ તથા દેશના વિકાસ માટે કરવો જોઈએ.
ધર્મ, જાતિ,લિંગ, પ્રાંત તથા ભાષાની દીવાલો તોડીને લોકોએ વિવેક બુધ્ધિનો ઉપયોગ કરીને સામંજસ્ય સાધી સર્વાંગી વિકાસના પ્રયત્નો કરવા જોઈએ. જ્યાં વિનાશ હોય ત્યાં વિકાસ શક્ય નથી. શહેરો તથા ગામડાંઓનો વિકાસ થવો જરૂરી છે. એનાથી જ નૂતન ભવિષ્યનું સર્જન થઈ શક્શે. શહેરોમાં માનવીય સંબંધો જળવાઈ રહે તે જરૂરી છે. ઔદ્યોગીકરણ આજે એક મોટો પડકાર બની ગયું છે. દીપાવલીના નૂતન પ્રકાશમાં આ બધી સમસ્યાઓનું સમાધાન શોધવું જરૂરી છે.
દીપાવલી મહોત્સવ વખતે આપણે બધી બાબતોનો વિચાર કરવો જોઈએ. આપણાં જીવનમાં તથા સમાજમાં કોઈ મોટું પરિવર્તન ન થઈ શકે તો નવસર્જન માટે નાના નાના પ્રયાસો પણ કરતા રહેવું જોઈએ. એના દ્વારા જ સમાજમાં સાચો પ્રકાશ ફેલાશે. ભૂતકાળની ભૂલોમાંથી પ્રેરણા મેળવીને જ નવાયુગનું સર્જન થઈ શક્શે. આપણે ભારતનું પુનરુત્થાન કરવું પડશે. રાજનીતિ ફક્ત રાજ કરવા પૂરતી સીમિત ન રહેવી જોઈએ સર્જનાત્મક પ્રયાસો દ્વારા સમાજ તથા લોકોમાં સકારાત્મકતા લાવવી પડશે.
દીપાવલી ઉપર જણાવેલાં બધાં કાર્યો પૂરાં કરવાનો ઉલ્લાસ જગાડે છે. દિવાળી સર્જનાત્મકતાનું પર્વ છે. દિવાળીનો પ્રકાશ સમાજના દરેકક્ષેત્રમાં ફેલાવો જોઈએ. દીપાવલી પરિવર્તન, પ્રકાશ, સૌંદર્ય તથા સમન્વયની પ્રેરણા આપે છે. અંધકારને દૂર કરવામાં એક નાનકડો દીવો પણ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સમાજમાં નાના નાના પ્રેરણાત્મક કાર્યો કરતા લોકોને પણ સન્માન આપવું જોઈએ. નાના લોકોની ઉપેક્ષા ન કરવી જોઈએ. દિવાળી આપણને સંકીર્ણતા તથા દ્વેષની ભાવનાનો ત્યાગ કરીને સર્વત્ર પ્રેમનો પ્રકાશ ફેલાવવાની પ્રેરણા આપે છે.
દીપાવલીના સાચા મર્મને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. સૂર્યની ગેરહાજરીમાં નાનકડો દીવો પણ પોતાની પૂરી શક્તિથી પ્રકાશ ફેલાવીને અંધકારને દૂર કરે છે. એજ રીતે સમાજમાં નાના નાના માણસો પણ પોતાની શક્તિ, સાધનો તથા સમયનો ઉપયોગ જો સમાજમાં પ્રકાશ ફેલાવવા માટે કરે તો યુગપરિવર્તન થતાં વાર નહિ લાગે.
દીપાવલી આપણી અંદર સર્જનની શક્તિ અને પ્રકાશ ભરી દે છે. ભારતે જ્ઞાાનરૂપી પ્રકાશની સાધના કરીને સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો પ્રકાશ ફેલાવવાનો છે. આથી આપણે આપણા દૃષ્ટિકોણને સકારાત્મક બનાવવો જોઈએ. દીવો નવસર્જનનું પ્રતીક છે. આપણે દીપાવલી પર્વ પર પોતાની અંદર નવસર્જનનો દીવો પ્રગટાવવો જોઈએ, જેથી આપણું પોતાનું જીવન પ્રકાશિત થાય તથા સમગ્ર રાષ્ટ્રને પણ પ્રકાશના માર્ગે આગળ વધારી શકીએ. અસ્તુ
- હરસુખલાલ.સી.વ્યાસ