હોળીનો પરંપરાગત રંગ: કેસૂડો
ઉનાળામાં આ વૃક્ષ કેસરી રંગના ફૂલોથી ભરચક થઈ જાય છે. તેજસ્વી કેસરી ફૂલોથી ડૂંગરા ઉપરના વૃક્ષો અગ્નિની જવાળા જેવા દેખાય છે.
હોળી ધૂળેટી એટલે એકબીજા પર રંગ છાંટી ઉત્સવ મનાવવાનો તહેવાર. આજે એકબીજાને રંગવા માટે જાત જાતના રંગ મળે છે પરંતુ પરંપરાગત ધૂળેટીમાં મુખ્યત્વે કેસૂડાના રંગનો ઉપયોગ થતો. કેસૂડો એક વનસ્પતિ છે. તેના ફૂલને પાણીમાં પલાળી રાખવાથી પાણી કેસરી રંગનું થાય છે આ રંગ કુદરતી અને નિર્દોષ છે. કેસૂડાના વૃક્ષનો પરિચય પણ જાણવા જેવો છે.
કેસૂડાના ઝાડ સૂકા ડુંગરાળ વિસ્તારોમાં થાય છે. આ વૃક્ષો લગભગ ૧૫ મીટર ઊંચા હોય છે. ઉનાળામાં આ વૃક્ષ કેસરી રંગના ફૂલોથી ભરચક થઈ જાય છે. તેજસ્વી કેસરી ફૂલોથી ડૂંગરા ઉપરના વૃક્ષો અગ્નિની જવાળા જેવા દેખાય છે. આ વૃક્ષને 'ફાયર ઓફ ફોરેસ્ટ' પણ કહે છે.
કેસૂડાના પાન ૧૫ સેન્ટીમીટર વ્યાસના ગોળાકાર હોય છે. ડાળી ઉપર અઢીથી ત્રણ સેન્ટીમીટર લાંબા કાળી દીંટીવાળા ફૂલો બેસે છે.
કેસૂડાનું લાકડું નરમ હોય છે. પાણીમાં તે જલદી સડી જતું નથી. વહાણ અને હોડીઓ બનાવવામાં તે ઉપયોગી છે. કેસૂડાના થડમાંથી નીકળતો ગુંદર પણ ઉપયોગી છે. તેમાંથી ઘણી દવા બને છે. કેસૂડાના પાન જાડા અને ચામડા જેવા હોવાથી પ્રાણીઓ ખાતા નથી. કેસૂડો વસંતઋતુનું પ્રતીક છે.
પશ્ચિમ બંગાળમાં કેસૂડા લોકપ્રિય છે. ઐતિહાસિક પ્લાસીનું યુધ્ધ થયું તે સ્થળે કેસૂડાનાં જંગલ હતા એટલે જ તેને પ્લાશી નામ અપાયું. કેસૂડાનું સંસ્કૃત નામ 'પલાશ' છે. તેના લાકડા યજ્ઞામાં સમિધ તરીકે વપરાય છે. કેરળમાં ઘરના આંગણામાં તુલસી ઉપરાંત કેસૂડાનું વૃક્ષ વાવવાની પરંપરા છે.