નોળિયાઓનું નગર .
ચાલો આવો તો એક નવી જ જાતનો પ્રવાસ ખેડીએ, નોળિયાઓના નગરનો
નોળિયાઓ આપણને આમ તેમ કદીક જ જોવા મળે છે. તે પણ એકલદોકલ. ગામડામાં કે ખેતરમાં તે વધારે નજરે પડે ખરા.
પણ નોળિયાઓનું આખું નગર વસેલું છે, વાત જાણો છો ?
નોળિયાઓના આ નગરની વાત કીડીઓના નગર કે મધમાખીના મધપૂડા જેવી છે.
એ નગરના અમુક નોળિયાઓ કારીગર નોળિયા છે. અમુક સૈનિક નોળિયા, અમુક સ્ટોરકીપર, અમુક ચિકિત્સક અને બીજા એવા જ કામે લાગેલા હોય છે. કામ મુજબ એ નોળિયાઓ પોતપોતાની ફરજમાં નિપુણ હોય છે.
આ નોળિયાઓ જમીનમાં ઊંડે સુધી અને લાંબે સુધી દર કે ઘર બનાવે છે. એ ઘરની રચના કિલ્લા જેવી હોય છે. નોળિયા કોલોનીની આ ભુલભુલામણીમાં શિશુ શાળા, હોસ્પિટલ, ભંડારા, રસોડાના વિભાગો હોય છે.
લગભગ નાના મોટા તમામ નોળિયાઓ શિકારી હોય છે. પણ તેઓ શાકાહાર પસંદ કરે છે. હાથ લાગે તો જીવડાં, ઉંદર, કરોળિયા, કાનખજૂરા, ગરોળી, ખિસકોલીથી માંડીને સાપ સુધી કોઇને છોડતા નથી. સાપ ગમે તેવો મોટો હોય તેને પૂંછડી ખેંચી ખેંચીને પરેશાન કરી મૂકે છે પછી ઘવાયેલા સાપનો સામેથી સામનો કરે છે. તે એટલા ચતુર, ચપળ, ચબરાક અને સ્ફુર્તિલા હોય છે કે અચ્છા અચ્છા ઝેરી નાગ પણ તેમને હંફાવી શકતા નથી.
નોળિયા છેવટ સુધીના યુદ્ધમાં માને છે. ભલે ગમે તેટલો સમય થાય, તેઓ યુદ્ધ અધવચ્ચે છોડીને કદી ભાગતા નથી. શત્રુને પૂરો કરવો જ રહ્યો એ તેમનું સૂત્ર છે.
નોળિયાઓ સફરજન, કેળાં, દાડમ, સીતાફળ, જમરૂખ, શેરડી જેવા કંઇ ફળફળાદિના શોખીન હોય છે. તેઓ મૂળા, કાકડી, કંદમૂળનો આહાર પ્રેમથી માણે છે.
જ્યારે જે ખોરાક મળે તે પ્રેમથી માણે છે. પછી વધારાનો ભંડારામાં જઇને ભેગો કરે છે. ત્યાં નાના તથા બચ્ચાં નોળિયાઓના કામમાં તે આવે છે. માંદા તથા ઘરડાં નોળિયાઓને પણ આ ભોજન ઉપયોગી થાય છે.
સૈનિક તથા રક્ષક યોદ્ધા એકલદોકલ જ યુદ્ધ માટે પૂરતા હોય છે. પણ જ્યારે મોટી લડાઇ આવી પડે, ત્યારે ખાસ પ્રકારનો અવાજ કરી ઘણાં બધાં નોળિયા ભેગા કરે છે. એ યુદ્ધ રણમેદાનમાં ફેરવાઇ જાય છે.
નોળિયાઓને સવારનો સમય બહુ ગમે છે. સૂરજ ઊગતો હોય કે ઉગેલો હોય ત્યારે ઊંચી જગ્યાએ બધા એક કતારમાં ઊભા રહી જાય છે. એ દ્રશ્ય સૂર્યપૂજા કરતા સાધુ સંતો જેવું લાગે છે.
સાંજના આથમતા સૂરજને પણ તેઓ આવી જ કવાયતથી વિદાય આપે છે. આથી નોળિયાઓ સૂર્યવંશી, સૂર્ય ઉપાસક કે સૂર્યપૂજક હોવાનો ખ્યાલ આવે છે.
પાછલાં બે પગ ઉપર માણસની જેમ ઊભા રહેવાનું તેમને ખૂબ ગમે છે. કદીક માણસની જેમ ચાલે છેય ખરા.
જ્યારે જ્યારે ભોજન લીધું હોય ત્યારે પાછલી પીઠ પર ઝાડને ટેકે આરામ કરે છે. એ વખતે આરામ ખુરશીમાં બેઠેલા, સૂતેલા કે ઝૂલતા દાદાજી જેવા તેઓ લાગે છે.
નવરાશના સમયમાં નોળિયાઓ પકડા-પકડીની, દોડાદોડીની કે સંતાકૂકડીની રમત રમે છે. એ રીતે નાના નોળિયાઓને ઝડપ ગતિ તરાપની રીત રસમો શીખવાડે છે.
નોળિયાઓના આવા વિવિધ નગર દક્ષિણ આફ્રિકામાં ઠેર ઠેર જોવા મળે છે. ખાસ કરીને તળાવ, સરોવર, નદીનાળાને કિનારે નોળિયાઓ આવા નગર વસાવે છે. દક્ષિણ આફ્રિકાના આ નોળિયા નગરોની શોધ ડચ લોકોએ કરી હતી. તેમણે એનું નામ લેઇક-કેટ અથવા સરોવરની બિલાડી જેવું આપ્યું હતું.
નોળિયા નગરના આ નોળિયાઓ આમ મીરકેટને નામે ઓળખાય છે.
તેમની પૂંછડીની તથા દાંતની તાકાતને ત્યાંના રહેવાસીઓએ કહેવતોમાં ગૂંથી લીધી છે.