Magazines

રક્ષાબંધન સૂતરના નાનકડા તંતુમાં જબરદસ્ત શક્તિ સમાયેલી છે

By GS TEAM
11 Aug 202510 mins read
રક્ષાબંધન સૂતરના નાનકડા તંતુમાં જબરદસ્ત શક્તિ સમાયેલી છે

રક્ષાબંધન એટલે સંસ્કૃતિનું પાવન પર્વ. શ્રાવણ સુદ પૂનમે આવતું આ પર્વ બહેને ભાઈ પ્રત્યે, નિર્મળ, નિષ્પાપી ભાવે સેવેલી શુભેચ્છાઓનું પ્રતીક છે. રક્ષા બાંધતી વખતે બહેન શુભેચ્છાઓ પાઠવતાં એવી આશા રાખે છે કે ભાઈ તો બહેનની રક્ષા કરશે જ. પરંતુ બહેનની શુભેચ્છાઓ પણ મૂક નથી. એ પણ જાણે બોલી ઉઠે છે કે, 'આ રક્ષા  તારા જીવનરાહમાં તારું રક્ષણ કરો.' આ પ્રસંગે ભાઈ-બહેનની એકબીજા પ્રત્યેની લાગણી, ફરજ અદા થાય છે. ભાઈના રક્ષણ નીચે બહેન સમાજમાં નિર્ભયતાથી ફરી શકે એ દ્રષ્ટિએ ભાઈને માથે કેટલી મોટી જવાબદારી છે!  બહેનને ભાઈના સ્નેહની હૂંફ હોય છે. રાખડી એ માત્ર દોરાનું બંધન નથી, પણ હૃદયનું બંધન છે.

સંસ્કૃતિના શિરોમણી જેવા આ દિવસને પાંચેક નામથી સંબોધવામાં આવે છે. એ જ એના વિશેષ પ્રભાવના પુરાવારૂપ છે. એના એ નામ કંઈક આ પ્રમાણે છે : (૧) રક્ષાબંધન (૨) શ્રાવણી (૩) બળેવ (૪) નાળિયેરી પૂનમ (૫) સંસ્કૃતિ દિન.

(૧) રક્ષાબંધન તહેવારે  બહેન ભાઈને રાખડી બાંધી, કપાળે તિલક કરી શુભેચ્છાઓ પાઠવે છે. રાખડી એ ભાઈ-બહેનના નિર્મળ પ્રેમનું પ્રતીક છે. રાખડીના તંતુએ તંતુએ પ્રેમ છે. હૃદયની ઉર્મિઓ છે. બહેન-ભાઈનંન દીર્ધાયુ ઈચ્છે છે. ભાઈનો સંસાર સુખી અને સમૃદ્ધ બને એ અભિલાષા પ્રગટ કરે છે. બહેન પોતાના ભાઈને આ પ્રસંગે જીવનધ્યેય સર કરવા આગ્રહ રે છે. અલબત્ત, દરેક શુભ કર્મમાં પોતાની સહાયતા હોય જ એ વાતની પણ ખાતરી આપી  દે છે. પ્રાચીન કાળમાં કુંતી માતાએ ચક્રવ્યૂહમાં જીતાડવા માટે અભિમન્યુને અમર રાખડી બાંધી હતી. બલિરાજા પાસેથી વામન સ્વરૂપ ભગવાનને  છોડાવવા સાક્ષાત લક્ષ્મીજીએ પણ બલિરાજાને રાખડી બાંધી હતી. વીરતાની ભૂમિ મેવાડની રાણી કર્મવતીએ પોતાના ઉપર ઉતરી આવેલી આફત વખતે મદદ માગવા મુસલમાન રાજા હુમાયુને રાખડી મોકલી હતી. ઈતિહાસમાં વણાઈ ગયેલી એક કથા પ્રમાણે સિકંદર અને પોરસની લડાઈમાં સિકંદરની પત્નીએ, પોતાના સ્વામીના રક્ષણ માટે પોરસ ઉપર એક રાખડી મોકલાવી હતી. સદભાવ, સ્નેહ અને હૃદયપૂર્વકના આશીર્વાદથી વણાયેલો આ તહેવાર એટલે જ રક્ષાબંધન. ગુઢાર્થનો ખજાનો ધરાવતા આ તહેવારો, સંસ્કૃતિનું પાલન સૌ કોઈ હૃદયપૂર્વક અને સમજણપૂર્વક કરે, એ  જ વાતનું સૂચન કરે છે. આવો ભાવપૂર્ણ તહેવાર માત્ર વ્યવહાર રૂઢિચુસ્તતા ન બની જાય એ જ, ખાસ જોવું જોઈએ.

(૨) આ પર્વને 'શ્રાવણી' પણ કહેવામાં આવે છે. શ્રવણ નક્ષત્રપ્રધાન આ માસનું નામ શ્રાવણ પડયું છે. ઋગ્વેદીઓ અને યજુર્વેદીઓ માટે યજ્ઞાોપવિત ધારણ કરવાનો આ શુભ યોગ બન્યો છે તેથી તેને શ્રાવણી પણ કહે છે. તે દિવસે સમસ્ત દ્વિજબંધુઓ પોતાના વેદ, શાખા, પ્રવર, ગોત્ર પ્રમાણે ચારેય વેદોમાંથી મંત્રોનું ધ્યાન અને નિષ્ઠાપૂર્વક મનન અને પઠન કરી આચાર્યની ઉપસ્થિતિમાં યજ્ઞાોપવિત ધારણ કરે છે. શ્રાવણી  એટલે  ધર્મશાસ્ત્રના નીતિ-નિયમોના ઉપદેશનું શ્રવણ કરવાનો દિવસ.

(૩) 'બળેવ' શબ્દ કાને પડતાં જ બ્રહ્મતત્વના ઉપાસક બ્રાહ્મણો આપણી આંખ સામે આવે છે. આ દિવસે તેઓ દર વર્ષની  પ્રણાલિકા મુજબ નૂતન યજ્ઞાોપવિત ધારણ કરે છે. સ્નાન કરી પૂજાપાઠ કરી શરીર અને મનથી શુદ્ધ થઈ જનોઈ ધારણ કરનારા દ્વિજો  ખરા અર્થમાં બીજો જન્મ પામે છે. જન્મે બ્રાહ્મણ એ પહેલો બ્રાહ્મણ અને જનોેઈ ધારણ કરતાં બીજા જન્મ જેવો સંસારે બ્રાહ્મણ બને, એ સાચો બ્રાહ્મણ. રૂદ્રાક્ષની માળા તિલક અને ભસ્મનું ત્રિપુંડ ધારણ કરનાર આ દ્વિજ ભગવાન સૂર્યનારાયણના બ્રહ્મતેજની ઉપાસના કરે છે. ત્રિકાળ સંધ્યા, ગાયત્રી મંત્ર, જાપ વગેરે બ્રહ્મતેજ વધારનારા છે. આમ તપસ્વી, જ્ઞાાની અને પવિત્ર એવા બ્રાહ્મણો સમગ્ર સમાજના ગુરૂ છે. તેઓ સમાજ અને સંસ્કૃતિની કરોડરજ્જુ છે.

જ્ઞાાન અને સંસ્કારવાન બ્રાહ્મણો તો સમાજનું સર્વોત્તમ અંગ છે. માનવી દેવઋણ, પિતૃઋણ અને ઋષિઋણ એમ ત્રણ પ્રકારના ઋણથી બંધાયેલો હોય છે. આ ઋણ અદા કરી તે પોતાની ફરજ સરસ રીતે બજાવી સંતોષરૂપી મુક્તિ પામે છે.

(૪) નાળિયેરી પૂનમનો વિચાર આવતાની સાથે જ દરિયો ખેડનારા માછીમારો આંખ સામે આવીને ઉભા રહે. ચોમાસામાં દરિયો ગાંડો અને તોફાની બનતો હોવાથી તે સમયે દરિયાઈ માર્ગે ચાલતી વ્યાપાર અને માલની હેરફેરની પ્રવૃત્તિ સંપૂર્ણ સ્થગિત થઈ જાય, પરંતુ શ્રાવણ માસની પૂર્ણિમાથી સમુદ્રનું તોફાન હળવું થાય છે. વરસાદનું જોર પણ નરમ પડે છે એટલે આ પવિત્ર દિવસે માછીમારો, તેમ જ વેપારીઓ સમુદ્રમાં નાળિયેર પધરાવી એ સમુદ્રનું વિધિપૂર્વક પૂજન કરી, જાનમાલની સંપૂર્ણ રક્ષા માટે તેની કૃપાની હૃદયપૂર્વક પ્રાર્થના કરે છે. આ દિવસ એ વૈષ્ણવોનો,વેપારીઓનો વાહનવટીઓનો પણ આનંદ ઉત્સવ છે.  વેપારમાં લાભ મળે અને નુકસાની ન પહોંચે તે માટે સમુદ્રમાં નાળિયેર પધરાવી પૂજાપાઠ કરવામાં આવે છે. હિંદુઓ ખૂબ પ્રાચીન સમયથી દરિયાઈ વ્યાપાર કરતા આવ્યા છે માટે આ નાળિયેરી પૂનમનો તહેવાર પણ એટલો જ પ્રાચીન છે.

(૫) નાળિયેરી પૂનમની વાતની સાથે સાથે સંસ્કૃત સાહિત્ય પણ યાદ આવે. આ દિવસને સંસ્કૃત દિન તરીકે ઉજવવામાં આવે છે. સંસ્કૃત સાહિત્ય એ આપણો બહુમૂલ્ય વારસો છે. છતાં પણ આજે સંસ્કૃત ભાષા ભુલાતી ચાલી છે તે ખૂબ દુ:ખની વાત છે. સંસ્કૃત અને સંસ્કૃતિ એ તો સિક્કાની બે બાજુ જેવાં છે. સંસ્કૃત ભાષામાં ઘણું ઊંડાણ છે. સંસ્કૃતિને જીવંત રાખવી હોય તો આપણે સંસ્કૃતનો સહારો લેવો જ પડે. આમ આ  તહેવાર રાષ્ટ્રપ્રેમ,  ભ્રાતૃભાવ, સહકાર, વગેરે ભાવ કેળવી આપણી સંસ્કૃતિને અજવાળે છે.

સંસ્કૃત ભાષામાં 'ભારત' શબ્દનો અર્થ વ્યાકરણ પ્રમાણે ભા + રત એટલે કે જ્ઞાાનમાં રત એવો થાય છે. આવા લોકો તેજપૂર્ણ ધ્યાનમાં તલ્લીન થઈ જતા હોય છે એટલે સર્વપ્રકારે જાગૃત બને છે. જે દેશની પ્રજા જ્ઞાાન, ધ્યાન, સૌંદર્ય અને ભાનમાં રત હોય, જાગૃત હોય તે પ્રજાના સંસ્કાર ચારિત્ર્યઘડતર અને માનવતાની ભાવના વગેરે ખૂબ જ ઊંચા હોય છે.  એનામાં દૈવી સંસ્કારો હોય છે. એ સંસ્કારો જ દેશને સફળતાને શિખરે લઈ જાય છે.

રક્ષાબંધનની વાત પૂરી કરતાં  પહેલાં એક વાત ખાસ નોેંધવાનું મન થાય. દેવ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધમાં દાનવ પક્ષ વધારે બળવાન જણાવા લાગ્યો. આથી દેવોના રાજા ઈન્દ્રે પોતાના ગુરુ બૃહસ્પતિને દરબારમાં તેડાવ્યા. તેમની સલાહ લીધી. તે જ વખતે ઈન્દ્રાણી પણ ત્યાં હાજર હતાં. બૃહસ્પતિ કંઈ બોલે તે પહેલાં ઈન્દ્રાણીએ કહ્યું, ''યુદ્ધમાં દેવોને વિજયની ખાતરી શી રીતે આપવી તેની મને ખબર છે. હું તમને વચન આપું છું કે આપણે જીતીશું.'' બીજો દિવસ શ્રાવણની પૂર્ણિમાનો દિવસ હતો.  ઈન્દ્રાણીએ પવિત્ર ધર્મગ્રંથોમાં લખ્યા  પ્રમાણે એક માદળીયું તૈયાર કરાવી પતિને હાથે બાંધ્યું. આશ્ચર્યની  વાત તો એ બની કે જેવા ઈન્દ્ર યુદ્ધ ભૂમિમાં પ્રવેશ્યા કે દાનવો ત્યાંથી વેરવિખેર થઈ ગયા. દાનવોનો પરાજય થયો અને દેવો વિજયી બન્યા. બસ, ત્યારથી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર શરૂ થયો.

સાચે જ રક્ષા એ કેવળ સૂતરનો દોરો નથી એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમ જ સંયમની મહત્તા સમજાવતું પવિત્ર બંધન! પૂ.શ્રી પાંડુરંગ આઠવલે શાસ્ત્રીજીએ પણ કહ્યું છે, 'ત્યાગ અને શ્રધ્ધાના છેડા, ભક્તિ ગાંઠ બંધાઈ, નિરપેક્ષ બાંધવબહેનીની,  સાચી પ્રેમસગાઈ!'

'સૂતરને તાંતણે સ્નેહની છે ગાંસડી, ભાઈને બહેનડી બાંધે છે રાખડી, ઝાઝેરા મોલ નહીં તો યે અનમોલ છે, ભાઈને બહેનનો પ્યાર અમોલ છે.'

ભોગવાદી જીવનમાં  ભાવ જીવનની મધુર સુગંધ ફેલાવી જાય છે. આ તહેવાર રક્ષાબંધન જાણે ખારા સમંદરની વચ્ચે ક્યારેક જોવા મળતી વીરડી! સંસ્કૃતિ અને સભ્યતા વચ્ચે સીમારેખા દર્શાવી જાય છે આ તહેવાર.  સભ્યતા ગમે તેટલી બદલાશે પણ સંસ્કૃતિ એની એ જ રહે છે, એવી પ્રતીતિ કરાવી જાય છે આ રક્ષાબંધન. દુનિયાની બીજી કેટલીયે સંસ્કૃતિઓ નામશેષ બની ગઈ છે. ત્યારે ભારતીય સંસ્કૃતિના આ અને આવા તહેવારોને લીધે હજી નામનિશાન હજુ બાકી છે. યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા : ।।  એ ભાવનાને મૂર્તિમંત કરે છે આ તહેવાર.

જો કે આ તહેવારને ઐતિહાસિક મહત્ત્વ પણ એટલું જ પ્રાપ્ત છે.રાણી કર્માવતી દુશ્મનોનો હુમલો થાય છે ત્યારે આ હિંદુ નારી પોતાના માનેલા મુસલમાન ભાઈ મોગલ સમ્રાટ હુમાયુને યાદ કરે છે. નાતજાતના સંબંધોની  દિવાલ તોડીને સ્નેહના બંધ બાંધવાનું કામ કરે છે.  આ તહેવાર. આ રક્ષાબંધનનો તહેવાર માત્ર ભાઈ-બહેનના સંબંધ પૂરતો જ મર્યાદિત નથી. સાત કોઠાનું યુદ્ધ લડવા જતા અભિમન્યુનું રક્ષણ કરવા કુંતી માતાએ તેના કરકમળની રાખડી બાંધી હતી.  કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે લોલ!   દેવાસુર સંગ્રામમાં દેવોના વિજય માટે ઈન્દ્રાણીએ  ઈન્દ્રના હાથમાં રક્ષા બાંધી હતી. આજના સમયમાં પણ રક્ષાબંધન અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. જેલમાં રક્ષાબંધન ઉજવીને કેદીઓના માનસ પરિવર્તનના પ્રયોગ થાય છે. કોલેજના યુવક-યુવતીઓ પણ નવો ચીલો પાડીને આ તહેવાર ઉજવે છે. જેના યશસ્વી પ્રયોગો મુંબઈની એક કોલેજમાં થઈ ચૂક્યા છે.

રક્ષાના આ નાનકડા તંતુમાં જબરદસ્ત શક્તિ સમાયેલી છે. લોખંડની મજબૂત બેડીને તોડી શકનાર ભાઈ-બહેને બાંધેલી એ નાનકડી રાખડીના બંધનને તોડી શકતો નથી.

સામાજિક દ્રષ્ટિએ આ તહેવારનું મહત્ત્વ કંઈક ઓર છે. રક્ષાબંધન એટલે 'દ્રષ્ટિ પરિવર્તન'નો તહેવાર! માથા બદલવાનો તહેવાર (માથા કાપવાનો નહિ) પુરુષ સમોવડી બનવા મથતી આજની નારીને શું ખરેખર રક્ષણની જરૂર છે? બીજાને પહોંચી વળતી આ બહેનોેને રક્ષણની જરૂર ન હોય તો પછી રક્ષાબંધનની શી જરૂર? પણ એ રક્ષણની જરૂર છે અને તે પણ 'કહેવાતી' પોતાની વ્યક્તિઓથી. આ બહેન જે જગ્યાએ રહે છે, જે જગ્યાએ કામ કરે છે ત્યાં જ એને આ કહેવાતી 'નજીકની' વ્યક્તિઓની ભોગવાદી નજરોના ભોગ થવું પડે છે. ન કહેવાય, કે ન સહેવાય, એવી તેની સ્થિતિ થાય છે. કારણ કે બહારથી આવી વ્યક્તિઓ 'પ્રતિષ્ઠાકવચ' ધારી હોય છે  ત્યારે આવી બહેનની મદદે  આવે છે. આ રાખડી. આવી વ્યક્તિને રાખડી બાંધી બહેન આ ભાઈને પરોક્ષ રીતે કહી જાય છે કે જગતની આંખો સામે તો એ લડી લેશે પણ તારી આંખોની દ્રષ્ટિ હવે બદલવી પડશે. રાખડી બાંધવાની સાથે મસ્તક પર તિલકની ક્રિયા પણ કંઈક આવું સૂચવે છે. ભોગવાદી દ્રષ્ટિકોણ છોડીને ત્રીજી પવિત્ર આંખ આપી બહેન તેને 'ત્રિલોચન' બનાવે છે. દ્રષ્ટિ પરિવર્તનનું કેટલું ઉત્તમ સાધન! માથું કાપવાને બદલે માથું બદલવાનું કામ કરી જાય છે આ રાખડી! તેથી હળવા મજાકમાં કહેવાયેલી આ શાયરી પણ કંઈક આવું જ સૂચવી જાય છે. 'રુમઝુમ કરતી આઈ, રુમઝુમ કરતી ચલી ગઈ. મૈં સિંદુર  લેકે ખડા થા, વો રાખી બાંધકર ચલી ગઈ.

'જગતની સર્વ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' એની સાક્ષીરૂપ આ ઉત્સવ નિર્દોષ, નિર્મળ સંબંધોની સીમાચિહ્ન છે. લાગણીઓના પૂરમાં તણાતી બહેન હૃદયના અનેરા રંગથી ભાઈને હાથમાં રાખડી બાંધે છે. ભાઈ-બહેન એકબીજાને મીઠું મોઢું  કરાવે છે. કોઈક ઠેકાણે તો બહેન ભઈલાની આરતી પણ ઉતારે છે. એવું વીરલ દ્રશ્ય પણ જોવા મળે છે. ત્યારબાદ ભાઈને પગે લાગવું અને બહેનને આશીર્વાદ આપવા આ બધું પ્રસંગની ગરિમાને ચાર ચાંદ લગાવી જાય છે. આ પ્રસંગે ભાઈ પણ પ્રતિકરૂપે નાનકડી ભેટ આપીને કહેવા માગે છે કે સમય આવ્યે તે કોઈ  કિંમત ચૂકવવા તૈયાર હશે. પંજાબ પ્રાંતમાં બનેલી આ સત્ય ઘટના આ બાબતનું સમર્થન કરે છે.

પંજાબના સૂમસામ રસ્તા પરથી એક બસ જઈ રહી હતી.  જેમાં દાગીનાઓથી મઢેલી નવી જ  પરણેલી  યુવતી પોતાના પતિ સાથે પિયરે જઈ રહી હતી. અચાનક આતંકવાદી બસને કબ્જે કરે છે. અપાયેલી કડક સૂચના પ્રમાણે બધા માલ-મિલકત તેમને સુપરત કરે છે. જેમાં આ યુવતી પણ બધા દાગીના ડાકુઓને હવાલે કરે છે. પણ ડાકુઓ આટલેથી અટકતા નથી. એમની ભોગી લાલચુ નજર આ યુવતીના શરીર પર પડે છે. તેનો હાથ પકડીને, ખેંચીને, ઘસડીને તેને બસમાંથી બહાર લઈ જવાનો તેઓ પ્રયત્ન કરે છે. બચાવ કરવાનો પ્રયત્ન કરતા પતિને હડસેલીને ઘાયલ કરવામાં આવે છે. યુવતી બસમાં બેઠેલા બીજા પુરુષોને આ નરાધમોથી બચાવવા કરૂણ યાચના કરે છે. પણ કોઈ મર્દનો બચ્ચો આ ડાકુઓનો સામનો કરવા ઉભો થતો નથી.  આ બસમાં એક લબરમૂછીયો યુવાન પણ હતો એને મૂછનો દોરો હજી માંડ ફૂટયો હશે. પણ તેનાથી આ દ્રશ્ય જોવાતું નથી. યુવતીના શરીર સાથે થતી અસભ્ય છેડછાડ આ યુવાન માટે અસહ્ય બની ગઈ. એનું લોહી તપી ઉઠયું. આંખના પલકારામાં આ નિશસ્ત્ર યુવાન ઉભો થયો અને એક ડાકુને સિફ્તપૂર્વક ધક્કો મારીને તેની બંદૂક ઝૂંટવી લે છે. ત્રણ-ચાર બંદુકધારી ડાકુઓ સામે આ એકલો યુવાન જંગે ચડે છે, પેલા સાત કોેઠાના યુદ્ધમાં એકલા લડતા અભિમન્યુની માફક. છેવટે આ યુવાન ઢળી પડે છે પણ તે પહેલા બે ડાકુઓને  ભોંય ભેગા કરે છે અને બાકીના બે એક ભાગી છૂટે છે. પેલી બહેન આ ભાઈના નિશ્ચેતન શરીર પાસે બેસે છે. તેનું માથું ખોળામાં લે છે. આ ભાઈના લોહીથી કપાળમાં ચાંદલો કરે છે અને હૃદયની વ્યથાને શબ્દોનું રૂપ આપે છે.  ભાઈ! આજે તું ન હોત તો આ નરાધમોએ તારી અણદેખેલી બહેનને પીંખી નાંખી હોત. ભાઈ! કોઈક ગયા જનમનું બાકી રહેલું ઋણ ચૂકવવા તે આટલી મોટી કુરબાની આપી!

થોડી ક્ષણો પહેલા આ યુવતી માટે આ બન્ને પુરુષો અજાણ્યા હતા. પણ હવે એકના શીરને તે ખોળામાં લે છે જ્યારે બીજા માટે છે નરી નફરત!  બન્ને પુરુષોની નજર કદાચ આ યુવતીના શરીર પર પડી હશે પણ બન્નેની દ્રષ્ટિમાં કેટલો ફેર! એક આંખો વાસનાનો શિકાર હતી જ્યારે બીજી આંખો  આવી આંખોને ફોડી નાખવા માંગતી હતી જેથી ફરીવાર આવી વિકૃત નજર બહેનના શરીર પર ન પડે. આવા સંબંધોનું અમલીકરણ એટલે જ રક્ષાબંધન!