Magazines

હૈયે સુંવાળાં સ્પંદનોની ટિકટિક .

By GS TEAM
11 Jun 20265 mins read
હૈયે સુંવાળાં સ્પંદનોની ટિકટિક                       .

- 'મેડ ઇન ઇન્ડિયા - ધ ટાઇટન સ્ટોરી'

- સંજય વિ. શાહ 

- સામાન્ય લાગતી કન્ઝયુમર પ્રોડક્ટના જન્મ અને એની અસામાન્ય વૈશ્વિક જીતની આમાં વાત છે. અસલ ભારતીયતા, સરળતા, સહજતા અને નિરાંત એને દર્શકના હૈયે સુખે સ્થાન બનાવવામાં મદદ કરે છે.

''યેઘડી સિર્ફ વક્ત નહીં બતાતા, જો પહનતા હૈ ઉસકા વક્ત ભી બતાતા હૈ.''

ક્ષુલ્લક લાગતું કાંડાઘડિયાળ પ્રતિાનો પ્રશ્ન હોઈ શકે ખરો? હા. હતો. ૧૯૭૦-૮૦ના દાયકામાં ભારતની એવી હાલત કે દેશમાં દાણચોરીથી ઘૂસેલાં કાંડાઘડિયાળ વધુ વેચાતાં. સ્વદેશી ઉત્પાદન નામનું થતું હતું. એવામાં, ટાટા પ્રેસના પુનરુત્થાનની જવાબદારી શિરે લેનારા ટાટા જૂથના એક અધિકારીને ચાનક ચડે છે કાંડાઘડિયાળના ઉત્પાદનની. એ પહેલાં જેઆરડી ટાટા સ્વિસ કંપનીના સહયોગમાં ઘડિયાળ બનાવવાનું નિષ્ફળ સપનું જોઈ ચૂક્યા હતા. પેલા અધિકારીની ચાનકને ટાટા સુધી પહોંચતાં, વિઝનરી તરીકે તેઓ સાથ આપે છે સર્જાય છે ટાઇટન... એવી કંપની જેના પર આજે સમગ્ર દેશને ગૌરવ છે. પડતાં-આખડતાં, લગભગ જેને તાળાં લાગી જાય એવા મુકામ સુધી પહોંચ્યા પછી ટાઇટન શિખર આંબે છે. સંપૂર્ણ સ્વદેશી કાંડાઘડિયાળ બનાવીને વિશ્વમાં વાવટા લહેરાવે છે. ઓછામાં પૂરું, દેશની સર્વોચ્ચ સ્વદેશી કન્ઝયુમર બ્રાન્ડ બની જાય છે.

એમએક્સ પ્લેયર પર 'મેડ ઇન ઇન્ડિયા - ધ ટાઇટન સ્ટોરી' સિરીઝ આવી છે. ટાઇટનની ફેન્ટાસ્ટિક સફરની એમાં મનોરંજક અને પ્રેરક પેશકશ છે. ક્યારેક ટાઇટન રૂ. ૫૦ કરોડના ઉતાવળિયા રોકાણથી ડૂબી જવાને આરે પહોંચી હતી. ૨૦૨૫માં ટાઇટન ઇન્ડસ્ટ્રીઝનું ટર્નઓવર ૫૭,૮૧૮ હતું. આજે ટાઇટન બ્રાન્ડનો સિક્કો ઘડિયાળ, ઘરેણાં, ચશ્માં, સાડી, પરફ્યુમ, હેન્ડબેગ્સની બજારમાં ખણકે છે. એ ખણક પાછળનો ખારો-મીઠો સંઘર્ષ જાણવા જોવાની આ સિરીઝ.

કથા આરંભાય છે ૧૯૭૦ના દાયકાના અંત આસપાસ. દેશની કાંડાઘડિયાળ બજાર પર દાણચોરીનો દબદબો છે. પારખુ નજરના જેઆરડી (નસીરુદ્દીન શાહ)ના મનમાં ઊંડે ખૂણે ભારતમાં સર્વોત્તમ કાંડાઘડિયાળના ઉત્પાદનના ભાવ છે. એ સમયની સ્વિસની એક ટોચની કંપની સાથે તેઓ વાટાઘાટનો નિષ્ફળ પ્રયાસ કરી ચૂક્યા છે. એ કંપનીના ગુમાની માલિકે જેઆરડીને કહી દીધું કે તમારા દેશમાં ઘડિયાળ શું બનવાની, રહેવા દો. ટાટા જૂથમાં હોનહાર પારસી અધિકારી ઝર્કસીસ દેસાઈ (જિમ સર્ભ) છે. જેઆરડીએ એને સરકારી કંપની ન્યૂ બોમ્બે ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને 'પાંચ' વરસ માટે ઉછીનો આપ્યો છે. ઉદ્દેશ કે સરકારી ખટપટો ખાળીને એ બાબુઓને મદદ કરે અને નવી મુંબઈના વિકાસને સાકાર કરવામાં યોગદાન આપે. એ કામ આટોપીને ઝર્કસીસ પાછા ફરે છે ટાટામાં. એમને ખપે છે નવો પડકાર જે સાબિત કરે એમની ક્ષમતા.

જેઆરડી-ઝર્કસીસની ભાઈબંધી છે. જેઆરડી એમને સોંપે છે ખોટ ખાતી ટાટા પ્રેસના પુનરુત્થાનનો પડકાર. ત્યાં નાણાકીય ચોપડા ફેંદીને છેડા ભેગા કરવા મથતાં ઝર્કસીસનો ભેટો સરકારી અધિકારી શંકર મનોહરન (અશ્વથ ભટ્ટ) સાથે થાય છે. એ ઝર્કસીસને દોરી જાય છે રોમાંચક આવિષ્કાર સુધી: ભારતમાં સરકારની માલિકીની જીએમટી (મૂળે એ હતી એચએમટી) સિવાય કાંડાઘડિયાળ ઉત્પાદનમાં કોઈ કંપની નથી. બજાર છે મહાસાગર જેવી. જેઆરડીને જીતીને ઝર્કસીસ શરૂ કરે છે ટાઇટન નામે કંપની. આમ એ ટાટા જૂથનું સાહસ પણ, તત્કાલીન કાયદા વગેરેને કારણે જન્મે છે ટાટા અને તામિલનાડુ સરકારના સંયુક્ત સાહસ તરીકે. ટાટા ઇન્ડિયા, તામિલનાડુ... શબ્દોના સર્જનથી સદંતર નવું નામ, ટાઇટન બને છે કંપનીનું નામ... 

છ એપિસોડની સિરીઝ (દરેક એપિસોડ કલાકથી જરાક નાનો), ધીમી ગતિએ આગળ વધતી, ધાંધલધમાલ અને ઉશ્કેરણી, ઉત્પાતથી ઓલમોસ્ટ અળગી છે. કાનમાં ખૂંચે એવા બેકગ્રાઉન્ડ મ્યુઝિક (અભિષેક નૈલવાલ)ને અહીં એન્ટ્રી નથી. વાતનું વતેસર કરીને, હોહ કરીને ફિલ્મ-સિરીઝ પીરસવી, એના કરતાં આ રીત જરા બહેતર છે. દરેક એપિસોડમાં ટાઇટનની સફરની પ્રગતિ સાથે પર્યાપ્ત ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ છે. એકાદ-બે એપિસોડ બાદ કરતાં દરેકમાં એવાં દ્રશ્યો છે જે રસપ્રવણતા જાળવી શક્યાં છે. ટાટા બોર્ડની મીટિંગમાં ટાઇટન શરૂ કરવાની તરફેણ કે વિરુદ્ધમાં વોટિંગ, કંપની માટે લોન મેળવવાની કેનેરા બેન્કમાં મરણિયા મીટિંગ, પ્લાન્ટ માટે યોગ્ય જમીન શોધવાની મથામણ, ફ્રીડમ ઓફ ફેલ્યોરનું દ્રશ્ય, મુરલીશંકર દાલમિયા (વિરાફ પટેલ)નું માર્કેટિંગ સ્ટ્રેટેજિસ્ટ તરીકે આગમન... અમુક સંવાદો અસરકારક છે. વિશિષ્ટતા મહંગી હોતી હૈ, સમાવેશકતા સસ્તીત અંગ્રેજીમાં આવતો સંવાદ, ટાઇટન હારી નથી એને હરાવવામાં આવી છે, વગેરે માહોલ ખીલવે છે.

કઠતી બાબતો પણ છે. એક છે જૂનાં ગીતોનો અતિરેકભર્યો ઉપયોગ. એમાંનાં મોટાંભાગનાં શા માટે વપરાયાં એ સમજવું અઘરું છે. માત્ર બે-ત્રણ સિચ્યુએશનને રેટ્રો ફીલ ઉભારે છે. જૂનાં વિઝયુઅલ્સ સારાં છે પણ ક્યાંક ક્યાંક એકનાં એક પાછાં દેખાય છે. હોસુરમાં કંપનીની ફેક્ટરી પર વધુ સારી રીતે ભાર આપી શકાયો હોત કારણ ત્યાં (વાસ્તવિકતામાં) ખાસ્સો ડ્રામા થયો હશે. સાઇડ કેરેક્ટર્સનો લાભ સિરીઝ ઓછો લઈ શકી છે. અમુક એવાં છે જેની જરૂર નહોતી કારણ એમના આયામ ફ્લેટ છે. અમુક પાત્રો અને પરિસ્થિતિનો અંજામ જળમાંથી આંગળી નીકળે એમ થાય છે. આપણે માથું ખંજવળતાં રહેવાનું, ''તો પછી પાત્ર હતું શું કામ?'' ડિરેક્ટર રોબી ગ્રેવાલનું મેક્સિમમ ફોકસ ઝર્કસીસ, એની અંતરંગ ટીમ અને ટાઇટનની ઊંચાઈ આંબવાની મથામણ પર છે. લક્ષ્ય તેઓ આંબે છે પણ, બિનજરૂરી પાત્રો અને સબ-ટ્રેક્સ વિના સિરીઝની અસરકારકતા વધી જાત.

સિરીઝ પર જો કોઈનો વટવાળો સ્ટેમ્પ લાગેલો છે તો એ જિમ સર્ભનો. ઝર્કસીસને એ લિટરલી જીવી જાય છે. સંયમિત અને સુંદર અભિનય. નસીરુદ્દીન જેઆરડીના પાત્રને અત્યંત ચીવટ અને ચોખ્ખાઈ સાથે જીવી ગયા છે. જિમ-નસીરની જોડી વિના કદાચ આ સિરીઝ આટલી ફાંકડી લાગત નહીં. અન્ય મહત્ત્વનાં પાત્રોમાં આકાશ (વૈભવ તત્ત્વવાદી), ગૌરવ (લક્ષવીર સિંઘ સરન), મેઘા (કાવેરી સેઠ) એમાં પ્રમુખ છે. એમાં લક્ષવીર અને કાવેરી પોઇન્ટ સ્કોર કરી જાય છે. રવીન્દ્ર-દેવેન્દ્રના ડબલ રોલમાં પરેશ ગણાત્રા ઇમ્પ્રેસિવ છે. ઝર્કસીસની પત્ની રજની (નમિતા દુબે), ગોપાલન (જોય સેનગુપ્તા) ધ્યાન ખેંચે છે. વિરાફ પટેલ પણ મસ્ત.

વિનય કામત લિખિત પુસ્તકના આધારિત 'મેડ ઇન ઇન્ડિયા - ધ ટાઇટન સ્ટોરી' દર્શકો સમક્ષ સાંપ્રત ભૂતકાળ અને રાષ્ટ્રીય સિદ્ધિના સમન્વયની વાત લાવી છે. કરણ વ્યાસ, કંદર્પ શ્રોફ અને નીરજ દાસની પટકથા વિષયને ન્યાય આપી શકી છે. બિનજરૂરી બાબતો લંબાઈ વધારે છે, તો પણ. નિબેદ્ય સમલ અને આકાશ બુંધુનું એડિટિંગ પ્રવાહિત છે. આદિત્ય કપૂરની સિનેમેટોગ્રાફી કથાનકને અનુરૂપ છે. ઓલમાઇટી મોશન પિક્ચર અને ટી-સિરીઝ ફિલ્મ્સની સિરીઝનું નિર્માણ ભૂષણ કુમાર, ક્રિશન કુમાર અને પ્રભલીન સંધુનું છે. રોબી ગ્રેવાલના દિગ્દર્શનમાં સિરીઝ વોચેબલ છે. એમનું આ અત્યાર સુધીનું શ્રે દિગ્દર્શન છે એમ કહેવામાં કશું ખોટું નથી.

ટૂંકમાં, 'મેડ ઇન ઇન્ડિયા' એક અન્યથા સામાન્ય લાગતી કન્ઝયુમર પ્રોડક્ટના જન્મ અને એની અસામાન્ય વૈશ્વિક જીતની વાત છે. અસલ ભારતીયતા, સરળતા, સહજતા અને નિરાંત એને દર્શકના હૈયે સુખે સ્થાન બનાવવામાં મદદ કરે છે. પરિવાર સાથે માણી શકાતી આ સિરીઝ પ્રોફેશનલ્સ માટે પ્રેરક છે. કરો ઘડિયાળમાં ટાઇમ સેટ અને જુઓ.