તાલિબાનની તાકાત ધર્મનું અફીણ અને અફીણની ખેતી
- આતંકી સંગઠન તાલિબાનનું સૌથી મોટું છળકપટ એ છે કે એક બાજુ પોતાને ચૂસ્ત મુસલમાનોનું સંગઠન ગણાવે છે, ઇસ્લામિક શરિયા કાનુુન મુજબ જ શાસન ચલાવવા માંગે છે પરંતુ બીજી બાજુ નશાના કારોબારમાં ગુલતાન રહીને વર્ષે ૧૪૦૦ થી ૨૮૦૦ કરોડની પણ કમાણી કરે છે
અમેરિકા જેવી મહાસત્તાના સૈન્યનો અડિંગો છતાં અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓ ફરી મજબૂત થયા છે. કાબૂલ જીતવામાં માત્ર થોડાક કલાક જ લાગ્યા તેની પાછળ તાલિબાનીઓની છુપી આર્થિક તાકાત પણ રહેલી છે. તાલિબાને ઇસ્લામનું મનઘડત અર્થઘટન કરીને યુવાનોને જેહાદમાં જોડીને શસ્ત્રોની તાલીમ પાછળ અઢળક નાણા ખર્ચે છે. પાણીની જેમ પૈસા ખર્ચવા માટે આવકનો પણ સ્ત્રોત મજબૂત હોવો જરુરી છે. તાલિબાનના સેંકડો સમર્થકો ગરીબ રહયા હશે પરંતુ તેમના આકાઓ જરાંય ગરીબ નથી. તાલિબાનોએ વિશાળ આર્થિક નેટવર્ક ઉભું કરીને જ સત્તાના પાયો નાખ્યો છે. વર્ષ ૨૦૧૬માં વિખ્યાત ફોર્બ્સ મેગેઝિનની એક યાદીમાં અફઘાનિસ્તાનના તાલિબાનનો સમાવેશ દુનિયાના ટોચના પાંચ ધનાઢય આતંકી સંગઠનમાં થયો હતો. કેટલાક અરબ દેશોના સમર્થન અને મદદથી કટ્ટર તાલિબાની સંગઠન પોતાનું લક્ષ્ય સાધવા ધર્મનો અફીણની માફક ઉપયોગ કરે છે અને તેનું બીજુ મજબૂત હથિયાર અફીણની ખેતી પણ છે. અફીણમાં ૧૨ ટકા જેટલું મોર્ફીન હોય છે જેને પ્રોસેસ કરીને હેરોઇન તૈયાર કરવામાં આવે છે. અફીણના કાચા ફળ (ડોડા) પર ચીરો મારીને દૂધ જેવું પ્રવાહી કાઢવામાં આવે છે. આ પ્રવાહી સુકાઇને ઘાટું બને તેને અફીણ કહેવામાં આવે છે.
અફઘાનિસ્તાન દુનિયામાં અફીણની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે. દર વર્ષે અબજો ડોલરનું અફીણ પાકે છે જે દુનિયાની કુલ જરુરીયાતનું ૮૦ ટકા જેટલું છે. અફીણની ખેતી પર વર્ષોથી તાલિબાનનું નિયંત્રણ રહયું છે જે તેની સૌથી મોટી આર્થિક તાકાત બની ગયું છે. અફીણના કારોબાર પર ટેકસ લાગે તેના નાણા પણ તે વસૂલે છે. એક માહિતી મુજબ અફઘાનિસ્તાનમાં ૯૦ હજાર હેકટર વિસ્તારમાં અફીણની ખેતી થાય છે. તાલિબાન અફીણ ઉગાડતા ખેડૂતો પાસેથી ૧૦ ટકા જેટલો ભારેખમ ટેકસ ઉઘરાવે છે. આ અફીણને હેરોઇનમાં ફેરવવામાં આવે ત્યારે પણ ટેકસ લગાડે છે. આ સમગ્ર સિસ્ટમ ગોઠવવામાં આવી છે જેના આધારે વર્ષે ૨૦૦ થી ૪૦૦ મિલિયન ડોલર (૧૪૦૦ થી ૨૮૦૦ કરોડ) રુપિયાની કમાણી થાય છે. જે દેશ પાસે ૪૦ લાખથી વધુ શરણાર્થીઓ ભટકતું જીવન જીવવા મજબૂર હોય એ દેશમાં ઘઉં અને ચોખા જેવા અનાજ પેદા થવા જોઇએ એના સ્થાને નશાની ખેતીમાં ગુલતાન છે. નશાના કારોબારમાં ખેડૂતો આંધળા બન્યા હોવાથી અનાજ પાકિસ્તાન જેવા દેશ પાસેથી કયારેક ઉધાર લાવવું પડે છે. અનાજ પેદા કરતા ખેડૂતોને સામે ચાલીને ઉત્પાદન વેચવા બજારમાં જવું પડે છે, ભાવ સારા મળશે એની પણ ગેરંટી હોતી નથી જયારે અફીણના ભાવતાલ વેપારીઓ ખુદ ખેતરમાં આવીને કરી જાય છે. અફઘાનિસ્તાન દુનિયા માટે ઇસ્લામિક ટેરરિઝમ જ નહી નાર્કો ટેરરિઝમનું પણ હબ છે. લાંબા સમય સુધી ચાલેલા યુધ્ધથી પાયમાલ થયેલા તાલિબાન સમર્થકો અફીણના ઉત્પાદનમાં જોતરાતા જાય છે. અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી ડ્રાયફૂટના ઉત્પાદનની જેમજ લોકપ્રિય થઇ રહી છેે. અફઘાનિસ્તાનમાં લોકડાઉન અને કોરોના સંક્રમણની પીક દરમિયાન અફીણના ઉત્પાદનમાં ૩૭ ટકાનો વધારો થયો હતો. ભ્રષ્ટ અધિકારીઓ, કબિલાઇઓના સરદાર આ ધંધામાં જોડાયેલા રહે છે. તાલિબાન ક્રિસ્ટલ મેથ નામનું એક ડ્રગ્સ બનાવી રહયું છે જે યુવાનોમાં ખૂબ પ્રિય છે. આ ડ્ગ્સ એફ્રેડા નામના પદાર્થંમાંથી બને છે. પૂર્વ અફઘાનિસ્તાનમાં દક્ષિણી કંધાર અને હેલમંડ પ્રાંતમાં ડ્ગ્સની ખેતીના મોટા કેન્દ્રો છે. અફીણની ખેતી માટે હવામાન સારુ હોવાથી અફઘાનિસ્તાનના ૩૪ પ્રાંતોમાંથી ૧૫ પ્રાંતોમાં અફીણનું સારુ ઉત્પાદન થાય છે.
યુએનઓડીસી (યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ એન્ડ ક્રાઇમ) ના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં છેલ્લા ૪ વર્ષમાં અફીણનું ઉત્પાદન ટોચ પર પહોંચ્યું છે. ૨૦૧૭માં ૯૯૦૦ ટન અફીણ થયું જેની કિંમત ૧.૪ અબજ ડોલર હતી. અફઘાનિસ્તાનનું અફીણ અમેરિકાને બાદ કરતા આફ્રિકા, યુરોપ, કેનેડા, રશિયા અને એશિયા સહિત સમગ્ર દુનિયાના ખૂણે ખૂણે જાય છે. અમેરિકાને મેકિસકો અને કોલંબિયા અફીણ સપ્લાય કરે છે. અફીણની પ્રોડકટ અને રો મટેરિયલ અફઘાનિસ્તાનથી પાકિસ્તાનના દક્ષિણ પશ્ચિમ તટ પર લાવવામાં આવે છે અને ત્યાંથી નાની હોડીઓ મારફતે મોઝામ્બિક સુધી પહોંચાડવામાં આવે છે. તાલિબાન અને પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇએસઆઇને વર્ષો જુની સાંઠગાંઠ છે. આઇએસઆઇ ભારતને નાર્કો ટેરેરિઝમના માધ્યમથી પણ પરેશાન કરવા કાવતરા ઘડે છે. પાકિસ્તાન ઇરાન પોર્ટથી મુંબઇ, અને વાયા પાકિસ્તાન રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, અને ગુજરાતમાં કચ્છ જેવા સરહદ પ્રાંતમાં કાળો કારોબાર ફેલાવી શકે છે. ગત જુલાઇ મહિનામાં દિલ્હીમાં ૨૫૦૦ કરોડનું ડ્રગ્સ પકડાયેલું તેના તાર છેક અફઘાનિસ્તાન સાથે જોડાયેલા હતા. અમેરિકાની આર્મીના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તાલિબાનની કમાણીનો ૬૦ ટકા હિસ્સો અફીણ અને હેરોઇનમાં માંથી મળે છે. ૨૦૦૧ પછી અમેરિકા અને સહયોગીઓના સૈન્યનો ચોકી પહેરો છતાં અફઘાનિસ્તાનમાં અફીણની ખેતી છેલ્લા ૨૦ વર્ષમાં ૪ ગણી વધી છે. તાલિબાનોની જીવાદોરી ગણાતા અફીણના કારોબારનો નાશ કરવા અમેરિકાના સૈન્યએ અનેક વાર એર સ્ટ્રાઇક કરી હતી. ખાસ કરીને અફીણને હેરોઇનમાં બદલવા માટેની પ્રયોગશાળાના સ્થળોને વધુ ટાર્ગેટ કર્યા પરંતુ સફળતા મળી ન હતી.
જો કે આતંકી સંગઠન તાલિબાનનું સૌથી મોટું છળકપટ એ છે કે એક બાજુ પોતાને ચુસ્ત મુસલમાનોનું સંગઠન ગણાવે છે, શાસનમાં ઇસ્લામિક શરિયા કાનુુનની વાત કરે છે. એ મુજબ જ શાસન ચલાવવા માંગે છે પરંતુ બીજી બાજુ ખુલ્લેઆમ નશાના કારોબારમાં વ્યસત રહે છે જે ઇસ્લામની વિરુધ છે. પોતાના ઇસ્લામપંથી ગણાવતા પાકિસ્તાની હુકમરાનો સગવડિયા વલણ માટે જાણીતા છે પરંતુ અફઘાનિસ્તાનના પાડોશી દેશ ઇરાનમાં નશીલી ચીજવસ્તુઓની હેરાફરીમાં કડક સજાની જોગવાઇ છે. સાઉદી અરેબિયામાં નશાકારક ચીજોની દાણચોરીમાં મુત્યુદંડ સુધીની સજાનો સમાવેશ થાય છે. શરાબ કે ડ્રગ્સ સાથે પકડાવ તો મલેશિયામાં જેલની સજા થાય છે. ગુનાની ગંભીરતાના આધારે મોતની સજા સુધીની જોગવાઇ છે. કાયદા ઉપરાંત ધાર્મિક માન્યતાના આધારે કોઇ પણ આરબ દેશ ઙ્રગ્સના કાળાધંધાનું સમર્થન કરતો નથી પરંતુ શરિયાના નામે મહિલાઓને બુરખામાં રહેવાનું ફરમાન કરનારા તાલિબાનને નશાના ઉત્પાદન અને વેચાણ સામે કોઇ જ વાંધો નથી કારણ કે એમાંથી નાણા મળે છે. અમેરિકા સહિતની નાટો ફોર્સની હાજરીમાં પણ તાલિબાનોએ ચૂપચાપ ગેરકાયદેસર ધંધા ચાલુ રાખ્યા છે. તાલિબાનના સમર્થક કટ્ટરપંથીઓ દ્વારા દલીલ થાય છે કે અફીણના શોખીન તો પશ્ચીમના કાફર છે અને તાલિબાનો તો માત્ર ઉત્પાદન કરે છે જો કે તાલિબાનનો બચવા કરનારા એ ભૂલી જાય છે કે અફઘાનિસ્તાનના યુવાઓમાં પણ ડ્ગ્સનું એડિકશન વધતું જાય છે.
અફઘાનિસ્તાનમાં ડ્ગ્સ ઉપરાંત ગેર કાયદેસર ખનન પ્રવૃતિ પણ તાલિબાનની કમાણીનો બીજો મોટો સ્ત્રોત છે. અફઘાનિસ્તાનમાં ખનીજ ક્ષેત્રની કિંમત ૧ અબજ ડોલર આંકવામાં આવી છે. મોટા ભાગનું માઇનિંગ ગેર કાયદેસર રીતે ચાલે છે જેમાં તાલિબાનને સારી ફાવટ છે. તાલિબાનને સમગ્ર દેશમાંથી માઇનિંગ દ્વારા ૧૭૦૦ કરોડ રુપિયાની આવક થાય છે. ૨૦૧૭માં અફઘાનિસ્તાન સરકારના એક ફોલોઅપ રિપોર્ટમાં જણાવાયું હતું કે કાબુલની ખનીજ લોખંડ, તાબુ, લિથિયમ, કોબાલ્ટ વગરે અને જીવાશ્મ સંપતિ ૩ ખર્વ અબજ ડોલરની છે. લિથિયમનો ઉપયોગ ઇલેકટ્રીક કાર, સ્માર્ટફોન અને લેપટોપની બેટરીઓમાં સતત વધતો થાય છે. ડ્ગ્સ અને ખનીજના ગેર કાનુની ધંધામાંથી મળતી આવકનો વિચાર કરીએ તો એ રીતે વિચારીએ તો તાલિબાન ખૂબજ અમીર સંગઠન છે પરંતુ અફઘાનિસ્તાનની આર્થિક સ્થિતિ સારી નથી. વર્તમાન પરીસ્થિતિમાં અમેરિકાએ કેન્દ્રીય બેંક તરફથી જમા કરાવેલા ૯.૫ અબજ ડોલરનું ફંડ અને એસેટ ફ્રીજ કરી નાખ્યું છે. આંતરરાષ્ટ્રીય મુદ્વા કોષે પણ એસડીઆર અને અન્ય આર્થિક સંસાધનો તાલિબાનના હાથમાં ન આવે તેની કાળજી લીધી છે. અફીણ અને ખનનના ગેર કાયદે વેપારમાંથી તગડા થયેલા તાલિબાનને જયાં સુધી કોઇ દેશ રોકડા નાણામાં મદદ ના મળે ત્યાં સુધી તાલિબાનનું ગાડુ ગબડવાનું નથી. આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોના લીધે આવક ઉભી કરવા તાલિબાન પાસે આડેધડ ટેકસ વસૂલી જ એક માત્ર ઉપાય બચ્યો છે. તાલિબાન સરહદ પર વેપાર ટેકસ લગાવી શકે છે. હવાલા કારોબારમાં તેજી આવશે તો તેમાંથી પણ ટેકસ વસૂલી શકે છે. અફઘાનિસ્તાનની જીડીપી ૧૯.૮ અબજ ડોલર છે તેનો આ વિકાસ દર ઘણા સમયથી ખૂબ ધીમો છે. અફઘાનિસ્તાનનું ૭૫ ટકા સરકારી બજેટ આંતરરાષ્ટ્રીય ડોનર્સ પાસેથી મળે છે આ ડોનર્સ હવે મદદ માટે આગળ આવશે નહી. અફીણ, ખનીજ પ્રવૃતિની ગેરકાયદે આવકમાંથી સત્તા પરીવર્તન કરનારા તાલિબાન માટે આર્થિક પ્રતિબંધોની વચ્ચે દેશનું અર્થતંત્ર પાટા પર લાવવુંએ લોઢાના ચણા ચાવવા જેવું સાબીત થશે.
- હસમુખ ગજજર