સરસ્વતી નદીની ઉત્પતિની કથા
પૌરાણિક કથાઓમાં સરસ્વતી નદી કેવી રીતે બન્યા, તેનો મહત્વનો ઇતિહાસ જોવા મળે છે. એક સમયે ભગવાન શ્રી હરિની ત્રણ પત્નિઓ હતી. ગંગા, સરસ્વતી અને લક્ષ્મી. આ ત્રણમાંથી ભગવાન ગંગા તરફ વધારે પ્રસન્ન રહેતા. શ્રી લક્ષ્મીજી તો શાંત રહેતા, પરંતુ સરસ્વતી દેવી નારાજ રહેવા લાગ્યા. અને ત્રણેય વચ્ચે સંઘર્ષ ઉભો થયો. તેમણે શ્રી હરિને કહ્યું કે, હે પ્રભુ ! તમારે તો ત્રણેય પત્નિ સાથે સમાન પતિધર્મ અપનાવી તેમને સરખો ન્યાય આપવો જોઈએ. આમ ત્રણ દેવીઓ એક બીજાને શાપ આપવા લાગી. ગંગાએ સરસ્વતી દેવીને નદી બની જવા શાપ આપ્યો. તો તે સમયે સરસ્વતી દેવીએ પણ ગંગાને નદી બની જવાનો શાપ આપ્યો ને તેને પણ કહ્યું. તારે આખા સમાજનાં પાપ ઝીલવા પડશે.
શ્રી હરિવિષ્ણુએ ત્રણેયને શાંત પાડયા અને આર્શીવચનો આપતાં કહ્યું, ભારત વર્ષમાં સરસ્વતી નદીના રૂપમાં રહીને બ્રહ્માજીનાં આશીર્વાદ મેળવશે. શ્રી લક્ષ્મી પધ્માવતી નદી બનીને મારા અર્ધાગિની કહેવાશે. ગંગા, તમે નદીના મુળ સ્વરૂપમાં શિવજીની જટામાં વાસ કરો.
આ પ્રમાણે આ ત્રણેય નદી સ્વરૂપમાં ધરતી પર આવી અને માનવજીવોનાં ઉદ્ધાર અર્થે, ભારતવર્ષમાં સ્થિત થઈને તેમની ભૂમિને પવિત્ર કરે છે, તો આવો આપણે સૌ આ પાવન વસંત પંચમીએ આપણા જીવનમાં વસંત ખીલવીને મા સરસ્વતી દેવીની ઉપાસના કરીએ.