સ્ટીલ- લોખંડ બજારમાં પાછલા વર્ષની તેજી પછી હવે સાવચેતીનો સૂર
- સ્ટીલના ભાવ વધતાં જતા દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રને ખાસ્સો ફટકો
- ઉભી બજારે : દિલીપ શાહ
- કોલસાના ભાવ નીચા ઉતરતાં સ્ટીલ ઉત્પાદકો માટે ઉત્પાદન ખર્ચ હવે ઘટવાની શક્યતાઃ ભાવ વધતા અટકશે ?
વૈશ્વિક સ્તરે તથા ઘરઆંગણામાં વિવિધ કોમોડિટીઝના બજારોમાં ૨૦૨૦નું વિતેલું વર્ષ કોરોનાના ઉપદ્રવના પગલે વિવિધ પડકારોનો સામનો કરતું વિત્યા પછી હવે શરૂ થયેલા નવા વર્ષ પર આ બજારોની આશા ભરી નજર રહી છે. આવા માહોલમાં દેશના સ્ટીલ- લોખંડ બજારમાંથી બહાર આવેલા નિર્દેશો મુજબ ૨૦૨૦ના વર્ષનાં પૂર્વાર્ધમાં જોકે બજાર ભાવ અથડાતા રહ્યા પછી વર્ષના ઉત્તરાર્ધમાં બજારભાવ તથા ઉત્પાદક ભાવમાં સતત વૃધ્ધિ થતી જોવા મળી હતી અને આવો ટ્રેન્ડ શું નવા વર્ષમાં પણ ચાલુ રહેશે? એવો પ્રશ્ન હાલ બજારમાં પુછાઈ રહ્યો છે ત્યારે આવા સવાલનો જવાબ હકારાત્મક આવી રહ્યો હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. ૨૦૨૦ના ઉત્તરાર્ધમાં સ્ટીલ- લોખંડ બનાવવા વપરાતા મુખ્ય કાચા માલ આયર્ન- ઓરના ભાવ ઉંચા જતા જોવા મળ્યા હતા અને તેના પગલે ઘરઆંગણે સ્ટીલ- લોખંડના ઉત્પાદકો છાશવારે ભાવ વધારતા જોવા મળ્યા હતા. લોખંડના ભાવ ટૂંકા ગાળામાં એકધારા વધતા બજારના ખેલાડીઓ પણ અચંબામાં મુકાયા હતા.
ઉપરાંત સ્ટીલનો ઉપયોગ કરતા વપરાશી ઉદ્યોગો તથા નાના- મધ્યમ કદના ઉદ્યોગો પણ વિમાસણમાં મુકાયા હતા. કેન્દ્ર સરકારમાં માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝ મંત્રાલયે પણ લોખંડના ભાવમાં થયેલી એકધારી વૃધ્ધિ વિશે ચિંતા બતાવી હતી. સ્ટીલના ભાવ વધતાં જતા દેશમાં ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રને ખાસ્સો ફટકો પડયો હોવાનું આ મંત્રાલયે વડાપ્રધાનના કાર્યાલયને પણ જણાવ્યું હોવાના વાવડ તાજેતરમાં મળ્યા હતા. ઘરઆંગણે ભાવ વધ્યા છે સામે વિશ્વબજારમાં પણ ભાવ ઉંચા ગયા હોવાનો દાવો સ્ટીલ ઉત્પાદકો કરી રહ્યા છે. ઘરઆંગણે લોખંડની આયાત કરીએ તો જે આયાત પડતર ઈમ્પોર્ટ કોસ્ટ થાય છે તેની સરખામણીએ હજી પણ દેશના સ્થાનિક બજારોમાં સ્ટીલના ભાવ આશરે ૪થી ૫ ટકા નીચા રહ્યા હોવાનું સ્ટીલ ઉત્પાદકો જણાવી રહ્યા છે.
સ્ટીલના ભાવ વિતેલા વર્ષમાં ખાસ્સા ઉંચા ગયા છે. હોટ રોલ્ડ કોઈલ સ્ટીલના ભાવ ૨૦૨૦માં જુલાઈ મહિનામાં ટનના આશરે રૂ.૩૭૪૦૦ જેટલા બોલાઈ રહ્યા હતા તે ત્યાર પછીના ગાળામાં સતત વધતા રહી તાજેતરમાં ઉંચામાં રૂ.૫૦ હજારની સપાટી વટાવી રૂ.૫૨૦૦૦ની સપાટી સુધી પહોંચ્યા હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. આ દરમિયાન હાઉસિંગ તથા બાંધકામ ક્ષેત્રે વપરાતા રેબર ટીએમપી પ્રકારના લોખંડના ભાવ ઉછળતા રહી ટનના રૂ.૫૦ હજારના મથાળે પહોંચ્યા હતા. સ્ટીલ બજારમાં જોવા મળેલી તેજીની ચાલ હકીકતમાં વિશ્વબજારમાં પણ પ્રવર્તતી જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે સ્ટીલ- લોખંડનો સૌથી વધુ વપરાશ કરતો દેશ ચીન ગણાય છે. આવા ચીનમાં સ્ટીલના બેન્ચમાર્ક એકસ્પોર્ટ ભાવ તાજેતરમાં વધતા રહી ઉંચામાં ટનના ૭૦૦ ડોલરની સપાટી વટાવી ૭૧૦ ડોલર સુધી ટ્રેડ થતા જોવા મળ્યા છે. આવા ૭૦૦ ડોલરથી ઉંચા ભાવ આ પૂર્વે છેલ્લા દસ વર્ષમાં ક્યારે પણ જોવા મળ્યા નથી એવું વિશ્વબજારના જાણકારોએ જણાવ્યું હતું. આ પૂર્વે એફઓબી (ફ્રી- ઓનબોર્ડ) સ્ટીલના ભાવ ચીનમાં ૨૦૦૮માં ટનદીઠ ઉંચામાં ૧૦૦૦ ડોલરની સપાટી કુદાવી ૧૦૧૦થી ૧૦૧૫ ડોલર સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ ૨૦૧૧માં આવા ભાવ ટનના ૭૭૫ ડોલર સુધી પણ જોવા મળ્યા હતા. જોકે ત્યાર પછીના વર્ષોમાં આવા ભાવ દબાણ હેઠળ રહ્યા પછી હવે ૨૦૨૦માં ફરી દસ વર્ષનો રેકોર્ડ તોડતા જોવા મળ્યા છે. આવા ભાવ ઉછાળા માટે વિવિધ પરીબળો વિશ્વબજારમાં જવાબદાર મનાઈ રહ્યા છે.
સ્ટીલ- લોખંડના ઉત્પાદનમાં કોલસાનો વ્યાપક ઉપયોગ થાય છે. ચીનમાં કોલસાનો જેટલો વાર્ષિક વપરાશ થાય છે એ પૈકી ચીન આશરે ૪૦ ટકા કોલસાની આયાત ઓસ્ટ્રેલીયા ખાતેથી કરે છે. જોકે તાજેતરમાં આ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખરાશ વધ્યાના સમાચાર હતા. કોરોના વાયરસના વૈશ્વિક સ્તરે વ્યાપેલા ઉપદ્રવ માટે તાજેતરમાં ઓસ્ટ્રેલીયાએ ચીનને જવાબદાર ઠેરવતાં આ બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. આવા માહોલમાં અને ઓસ્ટ્રેલીયા ખાતેથી કોલસાની આયાત ઘટાડી અન્ય દેશોમાંથી આયાત કરવા તરફ વલણ અપનાવ્યું છે. જોકે અન્ય દેશોમાંથી થતી આવી આયાત ચીન માટે કોસ્ટલી સાબીત થઈ રહી છે. આવી સ્થિતિમાં ચીનમાં સ્ટીલ- લોખંડના ઉત્પાદનનો ખર્ચ વધવાની શક્યતા વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા છે. કોલસાની જે વૈશ્વિક વાર્ષિક કુલ માગ રહે છે એ પૈકી આશરે ૬૦થી ૬૫ ટકા કોલસાનો પુરવઠો ઓસ્ટ્રેલિયા પુરો પાડે છે. ચીન તથા ઓસ્ટ્રેલિયા વચ્ચે સંબંધો તંગ બનતાં તથા ચીને ઓસ્ટ્રેલીયાથી કોલસાની આયાત ઘટાડતાં વિશ્વબજારમાં કોલસાના ભાવ પર દબાણ પણ વધવાની ગણતરી બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો છે. આવા કોલસાના ભાવ ઘટશે તો દેશમાં સ્ટીલનું ઉત્પાદન કરતા ઉત્પાદકોને લાભ થવાની પણ શક્યતા બજારમાં ચર્ચાઈ રહી છે. આમ થશે તો ૨૦૨૦- ૨૧ના વર્તમાન નાણા વર્ષના ઉત્તરાર્ધમાં ઘરઆંગણે સ્ટીલ ઉત્પાદનનો ખર્ચ ટનદીઠ રૂ.૧૭૦૦થી ૧૮૦૦ જેટલો ઘટવાની શક્યતા બતાવાઈ રહી છે. કોલસાના ભાવ ટનના રૂ.૯૧૦૦થી ઘટી રૂ.૭૩૦૦ આસપાસ ઉતરવાની ગણતરી બજારમાં બતાવાઈ રહી છે. એફઓબી ઓસ્ટ્રેલિયન કોલસાના ભાવ ટનના ૧૬૪ ડોલરમાંથી નીચા ઉતરી ૧૧૦થી ૧૧૫ ડોલર સુધી જવાની શક્યતા છે. ઓક્ટોબરથી અત્યાર સુધીના ગાળામાં કોલસાના ભાવમાં આશરે ૨૫થી ૩૦ ટકાનો ઘટાડો થયો છે. આ દરમિયાન ઘરઆંગણે સ્ટીલનો માગ પણ વધી છે.