શ્રીમદ્ ભાગવતકથા 'મુક્તિ' શાસ્ત્ર છે

એક જ માબાપના બે દીકરા હતા. એકનું નામ હતું 'ગોકર્ણ' અને બીજાનું નામ હતું 'ધુન્ધુકારી'. એક જ માબાપના પુત્ર હોવા છતાં, સારાં કર્મો કરવા બદલ 'ગોકર્ણ' દેવ જેવો બન્યો; જ્યારે ધુન્ધુકારી પાપકર્મોથી પ્રેત બન્યો. જેવાં કર્મ કરો, તેવાં ફળ મળે.
એક દિવસ રાત્રે ગોકર્ણે કોઈના રૂદનનો અવાજ સાંભળ્યો. ગોકર્ણે પૂછયું, 'કોણ રડે છે ?...' જવાબ મળ્યો 'હું તારો ભાઈ ધુન્ધુકારી. પાપકર્મોથી ભૂત-પ્રેત બન્યો છું. તેથી મારી આ દશા થઈ છે. તેથી રડું છું.'
ગોકર્ણે પૂછયું, 'તને સદ્ગતિ કેવી રીતે મળશે? હું શું કરી શકું ?..' પછી વિચારીને કહ્યું, આવતીકાલે હું સૂર્યનારાયણને પૂછીશ. બીજા દિવસે ગોકર્ણે સૂર્યનારાયણને અર્ધ્ય આપી પૂછયું, 'હે સૂર્યનારાયણ મહારાજ ! મારો ભાઈ પ્રેત બન્યો છે. તેમાંથી મુક્તિ કેવી રીતે મળે તેનો ઉપાય બતાવો.'
સૂર્યનારાયણે કહ્યું, 'તમારા ભાઈને સદ્ગતિ મળે તેવી ઇચ્છા હોય તો શ્રીમદ્ ભાગવતની વિધિપૂર્વક કથા કરો. જે જીવની મુક્તિ શ્રાદ્ધથી ન થાય. તેને, શ્રીમદ્ ભાગવત મુક્તિ અપાવે છે. ભાગવત્ મુક્તિ શાસ્ત્ર છે.
ધુન્ધુકારીને પ્રેતયોનિમાંથી છોડાવવા ગોકર્ણે, શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ પારાયણ કર્યું. ધુન્ધુકારી પ્રેતે એક સાત ગાંઠવાળા વાંસમાં પ્રવેશ કરી, સાત દિવસ કથા સાંભળી. રોજ એક એક એમ વાંસની સાત ગાંઠો છૂટી ને તૂટી. સાતમે દિવસે મોક્ષની કથા થઈ તે સાંભળી તૂટેલાં વાંસમાંથી દિવ્ય પુરૂષ બહાર આવ્યો. ગોકર્ણને પ્રણામ કરી તે બોલ્યો, 'હે મારા ભાઈ ! તેં ભાગવત કથા કરી મને મુક્તિ અપાવી. ધન્ય છે ભાગવત કથાને.'
કથા સાંભળી ધુન્ધુકારીની વાસનાની સાત ગાંઠો તૂટી હતી. કથાથી વાંસની સાત ગાંઠો તૂટી એટલે એમ સમજવાનું છે કે વાંસમાં રહેલા પ્રેત ધુન્ધુકારીની સાત વાસનાઓ નાશ પામી. તેથી પ્રેત યોનિ નાશ પામી.
મનુષ્યને મોહ છૂટતો નથી. સાત પ્રકારની વાસનાઓ આસક્તિઓ છે, (૧) સ્ત્રીમાં આસક્તિ (પતિ-પત્નીનો મોહ), (૨) પુત્રની આસક્તિ (પિતા-પુત્રનો મોહ), (૩) ધંધામાં આસક્તિ, (૪) દ્રવ્ય-ધન-પૈસામાં આસક્તિ, (૫) કુટુંબ-પરિવાર ઉપરની આસક્તિ, (૬) ઘર-વ્યવહારની આસક્તિ, (૭) ગામ-સમાજની આસક્તિ.
ભાગવતની કથા શ્રવણ કરે તો વાસનાની એક એક ગાંઠ છૂટે છે. ભાગવત કથાથી મોહ-વાસનાની ગ્રંથિઓ તૂટે છે. એટલે પ્રભુ પ્રત્યે પ્રેમ વધે છે. ભગવાનના નામનો જપ કરશો ને તે એકલો જ સાચો છે એમ માની નિત્ય તેનું સ્મરણ થાય તો આસક્તિની ગાંઠો છૂટે છે... તૂટે છે... નાશ પામે છે.
શાસ્ત્રોમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર અને અવિદ્યાને આસક્તિની સાત ગાંઠો કહી છે. ભગવાનના નામનો જપ એકલો સાચો છે એમ શ્રદ્ધાપૂર્વક નિત્ય માની પ્રભુ સ્મરણ થવું જોઈએ જ. તો, ધીરે ધીરે સ્વભાવ સુધરે છે.
ઉદ્ધવજીએ કહ્યું છે કે :
वन्दे नन्दव्रजस्त्राणां पादरेणुभीक्ष्णशः
य सां हरिकथो गीतं पुनाति भुवनत्रयम् ।।
'નંદ બાબાના વ્રજમાં રહેનારી આ ગોપીઓની ચરણરજને હું વારંવાર પ્રણામ કરું છું. અરે ! આ ગોપીઓએ ભગવાન શ્રીકૃષ્ણની લીલાકથા સંબંધમાં જે કાંઈ ગાન કર્યું છે, તે ત્રણે લોકને પવિત્ર કરી રહ્યું છે. અને સદાપવિત્ર કરતું રહેશે.
- લાભુભાઈ ર. પંડયા









