Magazines

શ્રીમદ્ રાજચંદ્રજીનું આધ્યાત્મિક જીવન

By GS Team
6 Nov 20193 mins read
This article was originally published on 6 Nov 2019
શ્રીમદ્ રાજચંદ્રજીનું આધ્યાત્મિક જીવન

(કાર્તિકી પૂર્ણિમા: 152મી જન્મજંયતિ )

ઇ.સ. ૧૮૫૭નાં સ્વાતંત્ર્ય સંગ્રામ પછી, ભારતની ભૂમિ પર આશાનાં કિરણોનો સંચાર થઈ રહ્યો હતો. દેશની ક્ષિતિજે શિક્ષણ- જાગૃતિ સમાજ સુધારણા, નવા વિચારોનું પરોઢ ઉગી રહ્યું હતું. એક તરફ રાજા- રામમોહનરાયે સતી થવાની કુરુઢિઓ સામે પ્રચંડ વિરોધ જગાવ્યો, તો બીજી તરફ બ્રહ્મો સમાજ, પ્રાર્થના સમાજ, થિયોસોફિકલ સોસાયટી જેવી સંસ્થાઓ દ્વારા નવી તથા આધુનિક ધર્મવિચારણાનો પ્રારંભ થઈ રહ્યો હતો.

પરંતુ એ વખતે જડ-વ્યર્થ ધાર્મિક ક્રિયાકાંડ, દાંભિક ધર્માચરણો, ધનનો વ્યર્થ બગાડ કરતા ઉત્સવો તથા જુનવાણી માન્યતાઓએ સમાજને રોગિષ્ટ બનાવી નાખેલો. ધાર્મિક રિવાજો તો નિભાવવામાં આવતા, પરંતુ તેની પાછળની ખરી ભાવના, અને તેના મૂળ હેતુઓ ભૂલાવવા માંડયા હતા. સાચા ધર્મ અને તેના નામે થતા આચરણો વચ્ચે મોટી ખાઈ ઉભી થઈ હતી.

આ સમયમાં વિધિનો કંઈક સંકેત હોય તેમ ભારતની દેવભૂમિ પર બે મહાન વિભૂતિઓનું પ્રાગટય થયું. એક અધ્યાત્મનાં શિખર સમા જૈન ધર્મનો મૂળ માર્ગનાં પ્રબોધક શ્રીમદ્ રાજચંદ્રજીનું અને બીજા, દેશને ગુલામીમાંથી પૂર્ણ પણે આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીનું પૂ .મહાત્મા ગાંધીજીનાં જન્મ પૂર્વે પોણા બે વર્ષ અગાઉ સૌરાષ્ટ્રનાં મોરબી નજીક વવાણિયા બંદર નામના ગામમાં શ્રીમદ્ રાજચંદ્રજીનો જન્મ થયો, તો ઇ.સ. ૧૮૬૯ વર્ષમાં એજ સૌરાષ્ટ્રભૂમિનાં પોરબંદર ગામમાં જન્મ થયો. 

મોહન-દાસમાંથી મહાત્મા બનેલા ગાંધીજીએ સહુ વધુ કોઈનાં જીવનમાંથી ધર્મવિચાર ગ્રહણ કર્યા હોય તો તે શ્રીમદ્ રાજચંદ્રજીનાં. આ બંન્ને મહાન આત્માઓ આ ધરતી પર અમૃતવર્ષા બનીને આવ્યા. તેમણે આદેશ- સમાજમાં ધર્મ, કર્મ અને અધ્યાત્મનાં અજવાળા પ્રસરાવ્યા. તો એ સાથે માનવીય જીવનને જીવવાનો અર્થ અને એક ચોક્કસ દ્રષ્ટિકોણ પણ આપે છે.

અલ્પ આયુષ્યકાળમાં શ્રીમદ્ રાજચંદ્રજીએ પોતાના જીવન અને અધ્યાત્મથી એક નવા માર્ગનું દર્શન કરાવ્યું. એમનાં જીવનનાં પ્રત્યેક પ્રસંગોમાં રહેલો ગહન બોધ અને ઉંડો ગંભીર મર્મ હજુ આજેય પણ અનેક અભ્યાસુઓને નવી દિશા સૂચવી જાય છે. જેવું એમનું ભવ્ય જીવન હતું. એવું જ એમનું આત્માનાં ઉંડાણને સ્પર્શતું તત્વજ્ઞાાન હતું.

તેઓ મહાત્મા ગાંધીજીના અધ્યાત્મ પંથનાં માર્ગદર્શક બન્યા. તો અનેક મુમુક્ષુઓનાં સાધકોનાં સામાન્ય જીવનના એ  નવા રાહદર્શક બન્યા.

બહુ ઓછા સમયમાં એમની પાસેથી ધર્મ, અધ્યાત્મ, માનવ કલ્યાણ અંગે જગતને એટલું બધું પાથેય સાંપડયું છે કે જેને સમજવા માટે માનવીનું દીર્ઘાયુષ પણ ઓછું પડે. શ્રીમદ્ રાજચંદ્રજીનાં જીવન કાળ દરમિયાન એમને સ્મરણ શક્તિ, જાતિ સ્મૃતિજ્ઞાાન કે અવધાનનાં પ્રયોગ દ્વારા એમને પૂર્વસંસ્કારો અને પ્રબળ સ્મૃતિની અનુભૂતિ થયેલી. એમનાં શાતાવધાનનાં પ્રયોગોને પરિણામે તેમની કીર્તિ દેશ-વિદેશમાં ફેલાતી રહી. એક વખતે તેમને આ બધું પોતાના અધ્યાત્મ જીવનરાહમાં આડખીલી રૂપ લાગ્યું, ત્યારે તેમણે આ બાહ્ય સિધ્ધિનો ક્ષણભરમાં ત્યાગ કર્યો.

શ્રીમદ્ રાજચંદ્રજીએ એમનાં કાવ્યો પત્રો અને ગધ્ય ગ્રંથો દ્વારા મનુષ્યોને માટે આત્મશુધ્ધિ અને આત્મસિધ્ધિનો અનુપમ આલેખ આપ્યો. એમના નિર્દોષ ચારિત્ર્યમય ચરિત્ર અને સાહજિક વિતરાગ વૃત્તિથી તેઓ ભગવાન શ્રી મહાવીરનાં આત્મમાર્ગનાં પ્રદર્શક બની રહ્યા- તેઓએ ધર્મના ગૂઢ રહસ્યોને સરળવાણીમાં સાચા સ્વરૂપે પ્રગટ રાખ્યા. 

જુદા- જુદા માર્ગો અપનાવ્યા કરીને કોઈ મોક્ષ પામ્યું નથી. એમ કહેનાર શ્રીમદના વચનો મત-મતાંતરનો ત્યાગ કરીને આત્મકલ્યાણનાં માર્ગે ચાલવાનું આહવન કરે છે.

આમ સ્વયં પણ અમૃત પદ પામીને જગતને માટે આત્મકલ્યાણનાં પ્રકાશનો ઉજાસ પ્રસરાવનાર, શ્રીમદ્ રાજચંદ્રનાં તત્વજ્ઞાાને વિશ્વને એક વિરલ માર્ગ ચીંધ્યો.