Get The App

આત્માનો પોકાર: પ્રાર્થના

Updated: Oct 9th, 2019

GS TEAM

Google News
Google News
આત્માનો પોકાર: પ્રાર્થના 1 - image


દિલ એટલેકે અંતરાત્માથી કરેલી પ્રાર્થના પરમાત્મા સુધી લઈ જાય અને ભગવાન સાથે તાદામ્ય સંધાય છે. અને આપણા જીવનમાં પ્રકાશ પથરાય છે. 

પ્રાર્થના એટલે પરમાત્મા પાસે સામાજિક અને આધ્યાત્મિક પથ પર ચાલીને સારા-સાત્ત્વિક ભાવન (ભાવ)ની યાચના કરવી. કુસુમાંજલિમાં કહ્યું છે કે ભગવાન પાસે શ્રેષ્ઠ અને ઉચ્ચત્તમ ઇચ્છાથી વિનંતી કરવી. એનું નામ પ્રાર્થના.'પૃ' એટલે શ્રેષ્ઠ અને 'અર્થ' એટલે ઇચ્છા. પ્રાર્થના એટલે હૃદયનાં ઊંડાણમાંથી નીકળેલો આર્તનાદ. પ્રાર્થના એટલે આપણામાં રહેલ સદોષ મનોવિકારને ધોવા માટેની અરજ...

મનુષ્ય સામાજિક અને આધ્યાત્મિકના પથ પર ચાલતા ચાલતા પોતાના સ્વપ્રયત્નોથી સફળતા પામવા પ્રયત્નો કરે છે. છતાં તેને તેમાં ક્યારેક નિષ્ફળતા મળતી હોય છે. ત્યારે તે હતાશામાં અને નિરાશામાં ઘેરાઈ જાય છે. ત્યારે આવા સમયે ભગવાનને હૃદયથી પ્રાર્થના કરી પોતાને સહાયભૂત થવાનો પોકાર કરે છે. ભગવાન તેની આર્દવાણી સાંભળી તેની મદદે પહોંચી જાય છે.

સામાજિક જીવનપથ પર ઉચ્ચકોટીનાં દૃષ્ટિબિન્દુથી જીવનમાં ન્યાય, નીતિથી સત્યના પથ પર ચાલવા માટે અને આધ્યાત્મિક પથ પર પ્રભુ પ્રત્યે પ્રેમ-ભક્તિ, લાગણી અને ભાવની સાથે વિહરવા પ્રાર્થના અનિવાર્ય છે. જેમ શરીર માટે અન્નાદિ ખોરાકની આવશ્યકતા છે. તે રીતે  આધ્યાત્મિક ક્ષેત્રે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પ્રાર્થના જરૂરી છે.

ભક્તિનાં ભોજનમાં પ્રાર્થના ભળે ત્યારે પ્રસાદ થઈ જાય

સંગીતમાં પ્રાર્થના ભળે ત્યારે ધોળ-પદ થઈ જાય

ભક્તિકાર્યમાં પ્રાર્થના ભળે ત્યારે સેવા થઈ જાય

માણસમાં પ્રાર્થના ભળે ત્યારે તે ભક્તજન કહેવાય

વહેલી સવારમાં મંદિરોમાં, શાળાઓમાં તથા ઘણાં ઘરોમાં પ્રાર્થના થતી સાંભળવા મળે છે. આ પ્રાર્થનાઓમાં ઇશ્વર સ્મરણની સાથે ગુરુજનો માતા-પિતાનું સ્મરણ શુદ્ધ હૃદયના ભાવથી થતું દેખાય છે. સત્ય, ન્યાય, નીતિથી કરેલી પ્રાર્થના એટલે સ્તુતિ એવો અર્થ પણ નીકળે છે. ઘણી પ્રાર્થનાઓ સ્વહિત માટેની હોય છે તો થોડીક પ્રાર્થનાઓ પરોપકાર કાજે પણ થતી હોય છે.

જેમ સ્નાન કર્યા પછી શરીર તાજગીનો અનુભવ કરે તેમ પ્રાર્થના એ આપણી અંદરના આત્માનું સ્નાન છે. વિશ્વાસ, સદ્દગુણો અને શ્રદ્ધાને આ પ્રાર્થના જ પુષ્ટ કરતી હોય છે. પ્રાર્થનામાં દુષ્ટતાને નાશ કરવાની શક્તિ છે તથા શરીરમાં ઉર્જા પેદા કરવામાં એ ભાગ પણ ભજવે છે.

પ્રાર્થનામાં માગણીના કરતાં ઇશ્વર સાથે તાદાત્મ્ય સધાવું જોઈએ અને નિસ્વાર્થભાવે પ્રાર્થના કરવી જોઈએ તો જ પ્રાર્થના ફળે છે. ને ભગવાન સહાય કરે છે.

ભરીસભામાં જ્યારે દુ:શાસન દ્રૌપદીના અંગ ઉપરથી વસ્ત્ર ઉતારી રહ્યો હતો ત્યારે શ્રીકૃષ્ણને અંતરના પોકારથી પ્રાર્થના કરતાં દ્રૌપદીને ભગવાન સહાયભૂત થાય છેને નવસો નવાણું ચીર ગુપ્ત રીતે પૂરી ને દ્રૌપદીની લાજ બચાવી હતી. દ્રૌપદીની અંતરની પુકાર જો ભગવાન સાંભળતો હોય તો અન્યનો પોકાર કેમ ન સાંભળે ?

ગજેન્દ્ર મોક્ષની આવી જ એક સહાયભૂત કથા ભાગવતમાં લખાઈ છે. તેમાં ગજેન્દ્ર (હાથી)ને ભગવાન ઉગારી લે છે. જીવ પોતાની અહંતા અને મમતાથી કજિયા, કલહ કરે છે. જો જીવમાં પોતાપણુંને મમતાપણું છૂટી જાય તો કજિયા, કલહનો અંત આવી જાય આવા અહંતા-મમતાવાળાને ગજેન્દ્રની ઉપમાં અપાઈ છે.

ગજેન્દ્રમોક્ષની કથામાં કહેવાનું તાત્પર્ય એ છે કે આ જીવનરૂપી અહંતા મમતારૂપી હાથીને કાળરૂપી ઝૂંડે પકડેલ છે. આ રીતે જીવનો અને કાળનો ગજગ્રાહ ચાલ્યા કરે છે. પરંતુ જો ભગવાનને અંતરાત્માથી પ્રાર્થના કરીએ તો આ કાળરૂપી ગજગ્રાહથી છુટીને ભગવાનની કૃપાથી મોક્ષપદ અવશ્ય પ્રાપ્ત થાય. જ્યાં સુધી જીવ કમલનયન નેત્રવારા ભગવાનનું પ્રાર્થનારૂપી સ્મરણ કરતો નથી ત્યાં સુધી તે ચિંતારૂપી સાગરમાંથી મુક્તિ મેળવી શક્તો નથી.

દિલ એટલેકે અંતરાત્માથી કરેલી પ્રાર્થના પરમાત્મા સુધી લઈ જાય અને ભગવાન સાથે તાદામ્ય સંધાય છે. અને આપણા જીવનમાં પ્રકાશ પથરાય છે. અને પ્રલોભનો, વિકારો, અહંતા, મમતા, મદ, મત્સર વગેરે ઉપર વિજ્ય અપાવે છે. અંત:કરણની શુદ્ધિ થઈ જાય છે અને પ્રભુને પામવાનો પ્રેમભીનો પંથ બને છે. અને આત્માનો વિકાસ થાય છે. અને ભવસાગરમાં ભૂલા પડેલ દિશાયંત્ર છે. અને જીવનું પરમ મંગલકારી કલ્યાણ થાય છે. 

- પ્રવીણભાઈ જી.મેંદપરા

Tags :