મર્યાદાથી છલકાતા, વૈભવી, વિરાટ રામાયણનું દર્શનીય આગમન

- 'હું ભગવાન રામનું પ્રતિનિધિત્વ કરવા આવ્યો નથી, હું તો તેમની પાસેથી શીખવા આવ્યો છું. તેમના ગુણો અપનાવીને આજે પણ જીવનને ધન્ય બનાવી શકાય.'
અત્યાર સુધીની સૌથી ખર્ચાળ અને વૈભવી ફિલ્મ 'રામાયણ'માં ભગવાન રામ તરીકે રણબીર કપૂરનું આગમન થઈ ગયું છે. રૃા.ચાર હજાર કરોડથી વધુના ખર્ચે બની રહેલી 'રામાયણ'નું ટીઝર જોઈ એક વેળાની - 'રામાયણ' સીરિયલની સીતામાતા એટલે કે દીપિકા ચિખલિયાએ પણ તેના ભરપૂર વખાણ કર્યા છે. આટલું જ નહીં, 'રામાયણ' ફિલ્મના ભગવાન રામ- રણબીર કપૂરે પણ કહ્યું છે કે મને નથી લાગતું કે, 'હું અહીં ભગવાન રામનું પ્રતિનિધિત્વ કરવા આવ્યો છું. હું તો અહીં તેમની પાસેથી શીખવા આવ્યો છું. તેમનામાં સરળતા, પવિત્રતા અને મર્યાદાના અનેરા લક્ષણો છે, ગુણો છે, જે આજે પણ અપનાવીને જીવનને ધન્ય બનાવી શકાય. આ ગુણો દુર્લભ છે. આ ગુણોને આત્મસાત કરવાનો પ્રયત્ન કરવો એ ખૂબ જ નમ્ર અનુભવ રહ્યો છે.
'રામાયણ' ફિલ્મનું ૨.૩૮ મિનિટનું ટીઝર રિલિઝ કરતા નિર્માતા નમીત મલ્હોત્રાએ કહ્યું હતું કે અમે આ ફિલ્મ અત્યંત પ્રેમથી બનાવી છે, તેને રિલિઝ કરતા પહેલાં તેને સાચવી રાખવાની ઇચ્છા થાય છે અને અમે કહીએ છીએ કે શું આપણે તેને શેર કરવા તૈયાર છીએ? નિતેશ અને ટીમનો આભાર જેમણે આ પ્રેમના શ્રમને રજૂ કરવા માટે અત્યંત સખત અને ગહન પરિશ્રમ કર્યો છે, જે માટે હું ગર્વ અનુભવું છું. મને આશા છે કે તમને બધાને તે ખૂબ જ ગમશે. ખરેખર તો તમે-અમે રામાયણ પસંદ નથી કરતા, પણ રામાયણ આપણને પસંદ કરે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
'રામાયણ'ના દિગ્દર્શક નિમેશ ત્રિવેદી છે, જેમણે આ પહેલા 'દંગલ' અને 'છિછોરે' જેવી ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. આ ફિલ્મ કંઈ આજકાલની નહીં, પણ છેલ્લા સાત વર્ષથી આકાર લઈ રહી છે. આ સંદર્ભે દિગ્દર્શક નિમેશ મલ્હોત્રાએ જણાવ્યું હતું, આજની આ પળો સુધી પહોંચવામાં મને વ્યક્તિગત રીતે સાત વર્ષ લાગ્યા છે. ફિલ્મમેકિંગ તો એક કાલ્પનિક અને એકલવાયી પ્રક્રિયા છે. આ સાત વર્ષોની દરેક ક્ષણે મેં આ પળની કલ્પના કરી હતી કે જ્યારે તે બહાર આવશે ત્યારે તેની પ્રતિક્રિયા કેવી હશે? આજે તમારી બધાની પ્રતિક્રિયા જાણીને મને લાગે છે કે આ સાત વર્ષ તો સાત વર્ષની દરેક પળોના મૂલ્યના છે. ઘણા લોકોએ આ ફિલ્મમાં કામ કર્યું છે. અમને આશા છે કે અમને તમારા તરફથી ઘણો બધો પ્રેમ મળશે. 'રામાયણ' ફિલ્મને બે ભાગમાં રિલિઝ કરવામાં આવશે અને આ ફિલ્મમાં રણબીર કપૂરને ટ્રિપલ રોલમાં રજૂ કરવામાં આવશે, જેમાં ભગવાન વિષ્ણુના વિવિધ અવતારો વચ્ચેનો સંબંધ દર્શાવાયો છે. આ ઉપરાંત રણબીર કપૂરનો પરશુરામ ભગવાનનો ખાસ લુક હશે. આ ફિલ્મની વિઝ્યુઅલ્સને વધુ ભવ્ય બનાવવા માટે ઓસ્કાર વિજેતા કંપની વી.એફએક્સ કામ કરી રહી છે, જે 'રામાયણ'ને હોલિવુડના સ્તરનો અનુભવ આપશે. ફિલ્મમાં સંગીત પણ ખાસ હશે, જે એ. આર. રહેમાન અને હાન્સ ઝિમર તૈયાર કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. હોલિવુડના ટોચના નિષ્ણાતો આ ફિલ્મ સાથે નિકટથી સંકળાયેલા છે.
બોલિવુડમાં સૌ પહેલી 'રામાયણ' આધારિત ફિલ્મ 'સીતા' ૧૯૩૪માં બની હતી, જેમાં સીતાની ભૂમિકા દુર્ગા મોરે અને રામની ભૂમિકા પૃથ્વીરાજ કપૂરે ભજવી હતી, ત્યારે તેમની વય માત્ર ૨૮ વર્ષ હતી. જો કે 'રામાયણ'માં રામ તરીકે રણબીર કપૂર ઉપરાંત, સીતા તરીકે સાઈ પલ્લવી, ભગવાન હનુમાન તરીકે સન્ની દેઓલ, લક્ષ્મણ તરીકે રવિ દુબેવ અને રાવણ તરીકે યશ ભૂમિકા ભજવી રહ્યા છે. 'રામાયણ'એ નિર્માણ નમીત મલ્હોત્રાના પ્રાઈમ ફોકસ સ્ટુડિયો અને ડીએનઈજી મોન્સ્ટર માઇન્ડ ક્રિએશન્સ સાથે મળીને કરવામાં આવ્યું છે.
'રામાયણ' ફિલ્મના ટિઝરમાં રામ તરીકે રણબીર કપૂરનું તો અવતરણ થયું સાથે ભવ્ય યુધ્ધભૂમિ, ભવ્ય મહેલો, ગાઢ જંગલો પણ દર્શાવવામાં આવ્યા છે. જેમાં રણબીર કપૂર સોનાના આભૂષણોથી સજ્જ શાહી પોશાકમાં જોવા મળે છે, જેમાં અવધના રાજા અને યોધ્ધાનું ચિત્રણ છે.
આમ અત્યાર સુધી દર્શાવાયેલી 'રામાયણ' પરની ફિલ્મો અને સિરિયલો કરતાં ય હવે જે 'રામાયણ' આવી રહી છે તે વધુ ભવ્ય, આંખોને આંજી નાખે એવી મર્યાદાથી ભરપૂર્વ અપૂર્વ ફિલ્મ બની રહે તો નવાઈ નહીં કેમ કે આ ફિલ્મના ટીઝરે તો દર્શકોમાં અનેરી ઉત્કંઠા જગાવી છે.








