સૌથી નાનું દરિયાઈ પ્રાણી: સી ઓટર
જળચર પ્રાણીઓમાં સી.ઓટર તદૃન જુદા પ્રકારનું સસ્તન પ્રાણી છે. ચાર ફૂટ લાંબા અને એક ફૂટ લાંબી પૂંછડીવાળા સી.ઓટર દરિયાઈ પ્રાણીઓમાં સૌથી નાના સસ્તન પ્રાણી છે. સીઓટર ને તરવા માટે પાંખો નથી પરંતુ પાછલા પગના પંજાની આંગળીએ ચામડીથી જોડાયેલી હોય છે તે હલેસાનું કામ કરે છે. દરિયાકિનારે છીછરા પાણીમાં સપાટી પર ચત્તાં સૂઇને આરામ કરતાં સી-ઓટરના ટોળાં જોવા જેવા હોય છે.
સીઓટર દેખાવમાં સસલાં જેવા લાગે. ગોળાકાર મોઢું, મીણી આંખો અને ગોળાકાર પણ મોટાં કાન હોય છે. જળચર ઝીણીઓના શરીર પર વાળ બહુ ઓછા જોવા મળે પણ સીઓટરને શરીર પર ભરચક વાળ હોય છે. કાળા કે બદામી રંગના વાળ સુંવાળા અને બારીક હોય છે.
સીઓટર પાણીમાં ડૂબકી મારે ત્યારે તેના કાન અને નાક બંધ થઈ જાય છે. તે પાણીમાં સરળતાથી જોઈ શકે છે. આગલા પગ વડે શિકાર કરે છે. સીઓટર નિર્દોષ અને રમતિયાળ પ્રાણી છે. તે ઠંડા પાણીમાં રહે છે. કેલિફોર્નિયા, કેનેડા અને ઉત્તર પેસિફિકના કાંઠા પર જોવા મળે છે. સીઓટરના વાળ સુંવાળા અને બારીક હોય છે. તેના આકર્ષક વાળ માટે તેનો શિકાર થાય છે.