સજ્જનનું છઠ્ઠું લક્ષણ : નીતિમય જીવન

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
આજના મોડર્નયુગના માનવીની અનેક લાક્ષણિકતાઓ પૈકીની એક વિશિષ્ટ લાક્ષણિકતા એ છે કે એ રોજેરોજ પોતાના મોબાઈલમાં સ્ટેટસ મૂકે છે અને એ સ્ટેટસ એવું મુકવાનું પસંદ કરે છે કે જે શ્રેષ્ઠ હોય - લોકોને આકર્ષિત કરે તેવું હોય અને દુનિયાને જેની કોપી કરવી પડે તેવું હોય... લાખ રૂપિયાનો સવાલ એ છે કે મોબાઈલનું સ્ટેટસ બનાવવામાં વ્યક્તિ આટલી સજાગ છે તો જિંદગીનું સ્ટેટસ બનાવવામાં એ કેટલી સજાગ હોવી જોઈએ ? જિંદગીનું સ્ટેટસ શ્રેષ્ઠ હોય-સૌનાં હૃદયને સ્પર્શે તેવું હોય અને કોપી કરવા જેવું હોય એમ થવું જ જોઈએ ને ? સજ્જન બનવું એ જિંદગીના સ્ટેટસને શ્રેષ્ઠ બનાવવા સમાન છે અને એટલે જ મહાન જૈન ધર્મગ્રન્થ 'સિંદૂરપ્રકર'ના ચોસઠમાં શ્લોકનાં માધ્યમે આપણે સજ્જન બનવા માટેના આઠ લક્ષણોનો વિચાર કરી રહ્યા છીએ. ત્યાં સજ્જનતાની પ્રાપ્તિ માટેનું છઠ્ઠું લક્ષણ દર્શાવતા લખાયું છે 'નોજ્ઝતિ નયં.' મતલબ કે 'સજ્જન વ્યક્તિ એ છે કે જે ન્યાય-નીતિપૂર્વક જીવન જીવે, ન્યાય-નીતિના માર્ગનો ક્યારેય ત્યાગ ન કરે.'
પહેલાના જમાનામાં સિંહની ડણક સાંભળીને પણ ગભરાઈ ન જનારો માનવ આજે રૂપિયાના સામાન્ય 'ખણિંગ-ખણિંગ' અવાજ સામે પણ કાયર બનીને અનીતિના રવાડે ચાલી જતો હોય છે. આ રીતે ન્યાય-નીતિપૂર્વકનું જીવન ન જીવવામાં ચાર નુકસાન થાય છે (૧) ગમે તે રીતે વધુને વધુ સંપત્તિ મેળવવાની ઝંખનાથી લાલચ વધે છે. (૨) અનીતિથી મેળવેલી સંપત્તિ મહદંશે સન્માર્ગે વાપરવાનું મન થતું નથી તેથી કંજૂસાઈ વધે છે. (૩) સંપત્તિ મેળવવાની વૃત્તિ લાલસાનાં કારણે વ્યક્તિ ગમે તેવી અયોગ્ય પ્રવૃત્તિઓ કરવા તૈયાર થઈ જાય છે તેથી પાપ વધે છે અને (૪) અયોગ્ય તેમજ અશુભ પ્રવૃત્તિઓ પુણ્યનો જંગી માત્રામાં ક્ષય કરે છે તેથી પુણ્ય ઘટે છે. આ રીતે નીતિમત્તાના ત્યાગથી વધેલું પાપ અને ઘટેલું પુણ્ય કઈ રીતે વ્યક્તિનાં જીવતરને ઝેર જેવું બનાવી દે છે એ જાણવું છે ? તો વાંચો આ સત્ય ઘટના :
વર્ષો પૂર્વે મુંબઈના કો'ક મુનિમહાત્મા પાસે આવીને એક ભાઈએ પોતાની આપવીતી સંભળાવતા કહ્યું : 'સાહેબ ! જીવનમાં એવી ઉપાધિઓના ખડકલા થયા છે કે જીવન ટૂંકાવી નાંખવાનું મન થઈ જાય. યુવાન દીકરો મંદબુદ્ધિનો છે. એનું પાગલપન ઘરમાં સતત ચાલુ જ છે. પત્નીને પેરાલીસીસ થઈ ગયું છે તેથી એ સંપૂર્ણ બેડરેસ્ટ છે. ઉગ્ર સ્વભાવની દીકરીના માંડ લગ્ન કરાવ્યા હતા ત્યાં એ ઘરે પરત આવી છે. સાહેબ ! શું કરવું એ ખબર પડતી નથી.' મુનિ ભગવંત ભાઈને આશ્વાસન આપવા જતા હતા ત્યાં જ ભાઈની આંખોમાં દડ દડ અશ્રુઓ વરસવા લાગ્યા અને ભીની આંખે ભાઈ બોલ્યા : 'સાહેબ ! તમને શું કહું ? ખરેખર તો હું આશ્વાસનને લાયક પણ નથી. હકીકતમાં હું આપની પાસે અત્યારે મારા દુ:ખોનું વર્ણન કરવા નહિ, પણ મારા પાપોનો એકરાર કરવા આવ્યો છું. મારી ઉપાધિઓનાં મૂળમાં ખરેખર હું જ છું. વર્ષોથી લોકોના પાકીટ ચોરવાનો ધંધો કરતો હતો. એમાં અત્યંત નિષ્ણાત છું હું. પાકીટ ચોરવાનો મારો પસંદગીનો દિવસ એટલે મહિનાનો આખરી દિવસ. એ દિવસે લોકોને પગાર મળ્યો હોય. ખીસું ભરેલું હોય. હું એવી સિફતથી પાકીટ તફડાવતો કે કોઈને અણસાર સુદ્ધાં ન આવે. તેમની મહિનાની કમાણી હું એક દિવસમાં ઉઠાવી જતો. ઘરે જઈને સહુ રાતે પાણીએ રોતા. ખૂબ નિસાસો નાંખતા મારા ઉપર. એ નિસાસાનું પરિણામ આજે મારી સામે છે.' અનીતિનો પૈસો જીવનમાં કેવી અશાતાનું સર્જન કરશે તેની ઝલક પ્રસ્તુત ઘટનામાં મળે છે. આવો, અનીતિની આવી સંપત્તિને દૂરથી જ સલામ કરવાના સંકલ્પ સાથે યાદ રાખીએ આ વાતને : 'ન્યાયની થોડી કમાણી પણ સોના જેવી છે... અનીતિની ઘણી કમાણી પણ અંગારા જેવી છે...'









