Magazines

સમગ્રના કલ્યાણની ભાવનાનું બીજ એક વિશાળ વટવૃક્ષ બની ગયું !

By GS TEAM
25 Jun 20254 mins read
સમગ્રના કલ્યાણની ભાવનાનું બીજ એક વિશાળ વટવૃક્ષ બની ગયું !

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

તાલુકા કક્ષાના એ ગામમાં મોટા ભાગની વસતી મધ્યમ વર્ગ, ખેડૂતો અને શ્રમિકોની હતી. સુરભિ આવા જ એક પરિવારની નવ વર્ષની પુત્રી ધર્મસ્થાનકમાં સાધુ-સંતો આવે તો માતા સાથે અવશ્ય દર્શન-વંદન કરવા જાય અને વ્રત પણ કરે.

સુરભિ ચાર-પાંચ સહેલી સાથે ધર્મસ્થાનકમાં જાય છે, પણ હોલમાં જગ્યા નથી તેથી સાથેની બધી સહેલીઓ નિરાશ થઈ પાછી જાય છે, પણ સુરભિ જ્યાં થોડી જગા હોય ત્યાં બેસવા જાય ત્યાં આજુબાજુવાળા પહોળા થઈને બસે ને તેને બેસવાની જગ્યા ન મળે. બે-ત્રણ વાર અંદર જઈને પાછી આવે છે. જગ્યા ન મળવાને કારણે બહાર એક ખૂણામાં બેસીને રડે છે. બહારથી એક સાધ્વીજી અંદર જવા માટે આવે છે. તેને હીબકાનો અવાજ સંભળાય છે, તે જુએ છે. બાલિકાને ઓળખી જાય છે. કહે છે કે, 'સુરભિ, કેમ રડે છે ?' સુરભિ કહે, 'સ્વામી, મને અંદર બેસવા નથી મળતું. આજે મહાવીરજ્યંતી છે. મારે નૃત્ય સાથે ચૌદ સ્વપ્નાં જોવાં છે ને બાળપ્રભુના પારણિયામાં બાળ વર્ધમાનનાં દર્શન કરવાં છે.' સાધ્વીજી તેને અંદર લઈ ગયા ને બેસવાની સારી વ્યવસ્થા કરી.

ત્રિશલામાતાનાં ૧૪ સ્વપ્નનાં દેદીપ્યમાન ચિત્રપટો, શિલ્પ, નૃત્ય અને બાલવીરનાં દર્શન કરી અત્યંત આનંદિત થઈ. ઘરે રાત્રિના વિચારે ચડી ગઈ કે, 'આપણા ગામનું ધર્મસ્થાનક ઘણાં વર્ષ જૂનું છે. જૈનોની વસ્તી વધી તેથી સ્થાનક ટુંકું પડે છે.' પર્યુષણ પહેલાં મોટા શહેરમાંથી મંડળ આવેલ. પ્રતિનિધિઓ જગા જોવા આવ્યા હતા. સંવત્સરી-ક્ષમાપર્વને દિવસે તે લોકો ક્ષમાપના પર નૃત્યનાટિકા કરવી હતી, પણ તેણે કહ્યું કે, જગ્યા બહુ જૂની છે ને ઘણી નાની છે તેથી તે આ ગામમાં કાર્યક્રમ નહીં કરે. સ્થાનકની જગ્યા મોટી ને સારી હોવી જોઈએ જેથી મારા જેવીને બેસવાની જગ્યા મળે. અને ધર્મના બધા જ કાર્યક્રમોનો બધાને લાભ મળે. જગા ન મળતાં મારી સહેલીઓ કેવી નિરાશ થઈને પાછી ચાલી ગઈ તેવું તો ન બને. રાત્રિના, 'હે અરહિંત પ્રભુ, અમારું સ્થાનક નવું ને ખૂબ મોટું બનાવી દો.' તેવી પ્રાર્થના કરતાં કરતાં ને નિદ્રાધીન બની. બરાબર એક વર્ષ પછી તેને ન્યુમોનિયા થયો. ઔષધિ ઉપચારની અસર થતી ન હતી. શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. અંતે છેલ્લો શ્વાસ લઈ અરિહંતશરણ થઈ. સુરભિના અવસાન પછી તેના કબાટમાંથી પુસ્તકો, કપડાં વગેરે કાઢયાં. સાથે તેની બચતપેટી પણ કાઢી. બચતપેટી ખોલી તો તેમાંથી કેટલાક રૂપિયાના સિક્કા, બે દસ ગ્રામ ચાંદીના સિક્કા કે જે સુરભિને જૈન શાળામાં નાટકમાં પ્રથમ પારિતોષિક રૂપે નવકારમંત્ર અંકિત કરેલ મળ્યો હતો. બીજો સિક્કો શાળાની વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવવા બદલ સરસ્વતીની મુદ્રા મળેલ હતી. સુરભિને પિતા તરફથી જે પોકેટમની વાપરવા મળતા તેમાંથી બચાવીને તે બચતપેટીમાં રાખતી. જ્યારે સાધુ-સંતોની પધરામણી હોય ત્યારે ધર્મસ્થાનકમાં જાય તો બચતમાંથી પચીસ પૈસાનો સિક્કો લઈ જાય અને ત્યાંની ધર્માદાપેટીમાં નાખે.

બચતપેટીમાંથી નીકળેલ ચિઠ્ઠી વાંચવાનું પિતાએ શરૂ કર્યું: ''હે પ્રભુ, મારા ગામનું ધર્મસ્થાનક જૂનું અને નાનું છે તે વિશાળ અને સુંદર બનાવી દેજે. આજથી હું સ્થાનકના નવા મકાન માટે બચત કરવાની શરૂ કરીશ અને આવતા પર્યુષણ પર્વના પ્રથમ દિવસે જ મારા પિતાજીને લઈને સ્થાનકમાં સંઘપતિ પાસે આ બચતના બધા જ રૂપિયા નવા મકાન માટે અર્પણ કરીશ.''

ચિઠ્ઠી વાંચીને બચતપેટીના રૂપિયા ગણ્યા તો તે રોકડા રૂપિયા એંશી હતા અને ચાંદીના બે સિક્કાનું મૂલ્ય વીસ રૂપિયા ગણીએ તો બચત રૂપિયા એકસોની થઈ. સુરભિના પિતા શાંતિદાસ બચતપેટી અને ચિઠ્ઠી લઈને પર્વાધિરાજના પ્રભાતે સંઘપતિને તમામ વૃતાંત કહીને સુપ્રત કરે છે. ગુરુ ભગવંતે વ્યાખ્યાનમાં આ આખી ઘટનાનું વૃત્તાંત કહ્યું. શહેરમાંથી દર્શન કરવા આવેલ એક વરિષ્ઠ પત્રકારે આ ઘટનાની કવરસ્ટોરી રૂપે પત્રિકામાં અને વર્તમાનપત્રમાં પ્રગટ કરી. સાથેસાથે શ્રી સંઘે ધર્મસ્થાનની જરૂરિયાત માટે દાનની અપીલ કરી તે પણ પ્રકાશિત થઈ.

અનેક શ્રેષ્ઠીઓ, સંઘો અને દાનવીરો તરફથી દાનનો પ્રવાહ આવવા લાગ્યો. સંઘ પર એક ફોન આવ્યો કે, 'તમારા ધર્મસ્થાનકને યોગ્ય મારી પાસે પ્લોટ છે. 'તમારી ઘટના વાંચી મેં નક્કી કર્યું કે, નિર્દોષ બાલિકાના સ્વપ્નને સાકાર કરવા હું મારી બે એકર જમીન તમને ઉપાશ્રય, દેરાસર અને ધર્મશાળા બાંધવા બાલિકાના એંસી રૂપિયા અને દસ ગ્રામની બે ચાંદીની મુદ્રાના બદલામાં આપવા માગું છું.' સંઘે આભાર માન્યો.

એક દસ વર્ષની બાલિકાના સંકલ્પ અને ધર્મ પ્રત્યેની ભાવનાથી માત્ર સો રૂપિયાના પાયાના દાનની શરૂઆત કરોડો રૂપિયાની કિંમતનું એક વિશાળ ધર્મસંકુલનું નિર્માણ થયું. સમગ્રના કલ્યાણની ભાવનાનું નાનકડું બીજ એક વિશાળ વટવૃક્ષ બની જાય.