Magazines

રાકેશ બેદીની કારકિર્દીનો બીજો તબક્કો વધુ રોમાંચક

By GS TEAM
30 Apr 20264 mins read
રાકેશ બેદીની કારકિર્દીનો બીજો તબક્કો વધુ રોમાંચક

- સોશિયલ મીડિયાના ફોલોઅર્સ ત્રણ ગણા થયા

સિનિયર અભિનેતા રાકેશ બેદી પોતાની લોકપ્રિયતામાં અનપેક્ષિત છતાં અભૂતપૂર્વ ઉછાળો અનુભવી રહ્યો છે, જેનું એક કારણ છે 'ધુરંધર: ધી રિવેન્જ'. ૭૧ વર્ષની વયે, જ્યારે ઘણા કલાકારો ધીમા પડે છે, ત્યારે બેદી અગાઉ કરતા પણ વ્યસ્ત બન્યા છે અને મુલાકાતો, પોડકાસ્ટ, બ્રાન્ડ એમ્બેસેડોર, સ્ટેજ પરફોર્મન્સ તેમજ સોશિયલ મીડિયા કન્ટેન્ટ પણ સંભાળી રહ્યા છે. ઊંઘમાં નોંધપાત્ર ઘટાડો થવા છતાં, બેદી માને છે કે આવી અંધાધૂંધી વચ્ચે તેને માનસિક શાંતિ મળી રહી છે. બેદી માટે આવા તોફાની તબક્કામાંથી પસાર થતી વખતે માનસિક સંતુલન જાળવી રાખવું જરૂરી છે. બેદીના મતે આવો તબક્કો પડકારજનક હોવા સાથે સંતોષકારક પણ હોય છે.

પોતાની લાંબી અને પ્રભાવશાળી સફર વિશે મંથન કરતા બેદી કબૂલ કરે છે કે તેણે દાયકાઓ દરમ્યાન અનેકવાર આવી સફળતા માણી હતી. 'એક દુજે કે લિયે'ની ભાવનાત્મક ગૂંજથી લઈને 'ચશ્મે બદ્દૂર'ના સદાબહાર આકર્ષણ અને 'યહ જો હૈ જિંદગી' તેમજ 'શ્રીમાન શ્રીમતી'ની ટેલીવીઝન લોકપ્રિયતા સુધી, તેમણે વિભિન્ન યુગમાં પ્રસિદ્ધિના શિખર જોયા છે. જોકે બેદી માને છે કે તેનો વર્તમાન તબક્કો અગાઉ તમામ કરતા અલગ તરી આવે છે. બેદી કહે છે મુખ્ય તફાવત ડિજિટલ મંચોની શક્તિમાં રહેલો છે. અગાઉના સમયથી વિપરીત જ્યારે સફળતા મૌખિક પ્રશંસા અને પરંપરાગત મીડિયા દ્વારા ધીમે ધીમે મળતી, જ્યારે આજનું સોશિયલ મીડિયા ઈકોસિસ્ટમ માન્યતામાં તાત્કાલિક વધારો કરે છે જેના કારણે પ્રસિદ્ધિ વધુ સરળતાથી અને વધુ તીવ્રતાથી મળે છે.

બેદી નિખાલસતાથી જણાવે છે કે કેવી રીતે સોશિયલ મીડિયાએ તેની પહોંચ અને વિઝિબિલિટીમાં ભારે પરિવર્તન કર્યું છે. 'ધુરંધર: ધી રિવેન્જ'ની રજૂઆત અગાઉ તેની પાસે માત્ર બે લાખ ફોલોઅર્સ હતા. આ સંખ્યા હવે ટૂંક સમયમાં જ ત્રણ ગણી થઈ ગઈ છે, જે ઘટના બેદીને પણ અચરજ પમાડી રહી છે. અગાઉ તેમને વિસ્મય થતો કે ઈન્ફ્લ્યુઅન્સરો કેવી રીતે લાખો ફોલોઅર્સ મેળવે છે અને આખરે તેમની લોકપ્રિયતા આટલી કેમ વધે છે. પણ હવે તેને સમજ આવી ગઈ છે કે કેવી રીતે એક સિંગલ વાયરલ રીલ રાતોરાત એવી સફળતા અપાવી શકે જે મેળવવા સામાન્યપણે વર્ષો સુધી સતત પરિશ્રમ કરવો પડે. હવે જ્યારે તે આ ડિજિટલ પરિવર્તનને અનુકૂળ થઈ રહ્યો છે ત્યારે બેદી પરિવર્તનનો વિરોધ કરવાની બદલે આ પ્રવાહમાં ડૂબકી મારીને ઉત્સુક્તા અને ખુલ્લાપણાથી તેને અપનાવી રહ્યા છે. પોતાને મળતી ઓફરોમાં ભારે ઉછાળો આવવા સાથે બેદીએ સંતુલનની કળા પણ શીખી લીધી છે. બેદી કબૂલ કરે છે કે એક તરફ તકો તો ભરપૂર છે, પણ સાથે તેણે પોતાની વય અને શારીરિક ક્ષમતા પણ ધ્યાનમાં રાખવી પડશે. તેના માટે હવે પસંદગી મહત્વની બની ગઈ છે અને પોતાની પાસે વધુ કામ માગી લેતા પ્રોજેક્ટ નકારતા તે બિલકુલ ખચકાતા નથી. તેમના આ સાવધ અભિગમમાં સમજદારી ઉપરાંત અર્થસભર કાર્યો માટે પોતાની ઊર્જા  અને ધગશ જાળવી રાખવાની તેની ઈચ્છા પણ પ્રતિબિંબિત થાય છે. હવે જ્યારે તે આ નવી લોકપ્રિયતા માણી રહ્યો છે ત્યારે પણ તે વિનમ્રતા તેમજ પોતાના વ્યવસાયની વાસ્તવિકતા પ્રત્યે વ્યવહારુ રહ્યો છે.

સાથે જ બેદી સારી રીતે જાણે છે કે વ્યાપક પ્રસિદ્ધિની આવી પળો દુર્લભ અને અસ્થાયી હોય છે. બેદી આવા તબક્કાને જીવનમાં ક્યારેક મળતા અનુભવ સાથે સરખાવતા જણાવે છે કે એક મહત્ત્વની સફળતા પછી વધેલી અપેક્ષાને અનુરૂપ થવું પડકારજનક સાબિત થઈ શકે, માત્ર તેના માટે જ નહિ પણ એ પ્રોજેક્ટ પાછળ રહેલી સમગ્ર ટીમ માટે. તેની આ સજાગતા તેની સફળતામાં વિનમ્રતાનું એક નવું સ્તર ઉમેરે છે, અને સાથે જ તે લાપરવા થયા વિના વર્તમાનને માણી રહ્યો છે.

ભાવિ તરફ નજર નાખતા બેદી પાસે પ્રોજેક્ટોની વણઝાર લાગી છે. તે હવે ડેવિડ ધવન દિગ્દર્શિત 'હૈ જવાની તો ઈશ્ક હોના હૈ' તેમજ ઓટીટી સીરીઝ 'રાખ'માં દેખાશે. રાકેશ બેદીએ વધુ પ્રોજેક્ટો પણ તેની પાસે હોવાનો સંકેત આપ્યો છે પણ તે વિગતો બાબતે ચૂપકીદી જ રાખી રહ્યા છે. 

બેદીએ 'ધુરંધર: ધી રિવેન્જ'માં પોતાના પાત્ર જમીલ જમાલી અને પાકિસ્તાની રાજકરણી નબીલ ગબોલ વચ્ચેની સરખામણીનો પણ જવાબ આપ્યો છે, જેના પરથી આ રોલ પ્રેરિત હોવાનું માનવામાં આવે છે.  તેમની શારીરિક સામ્યતા કબૂલ કરીને બેદીએ સાફ શબ્દોમાં ગબોલની નકલ અથવા અનુકરણ કરી હોવાનો ઈન્કાર કર્યો છે. રસપ્રદ બાબત છે કે શરૂઆતમાં આ પાકિસ્તાની રાજકારણી નારાજ હતો અને 'ધુરંધર'-વન પછી કાનૂની કાર્યવાહીનો વિચાર કરી રહ્યો હતો, પણ સીક્વલ પછી ગબોલનો દ્રષ્ટિકોણ નરમ પડયો અને ત્યારથી તેણે બેદી માટે લાગણી પણ વ્યક્ત કરી.

અનેક રીતે રાકેશ બેદીની વર્તમાન સફર પુનર્શોધ અને અનુકૂલનનો પુરાવો રહી છે. બેદીના ઉદાહરણથી સાબિત થાય છે કે જ્યારે પ્રતિભા ક્ષમતા સાથે મળીને બદલતા સમય સાથે અનુકૂલન સાધે  ત્યારે દાયકાઓ પછી પણ નવી સફળતા હાંસલ થઈ શકે.