બાળકોના બેડરૂમની સજાવટનું સાયન્સ

આજના જમાનામાં તો, જેટલું વડિલો પોતાના શયનખંડ કે ગૃહિણી પોતાના રસોડા માટે ખ્યાલ રાખે છે, એટલો જ વડિલો હવે બાળકોના બેડરૂમ માટેનો પણ ખ્યાલ કરતાં થઇ ગયા છે પણ તેમાં થોડી દેખાદેખી ઘૂસી ગઇ છે. ક્યાંક ક્યાંક, કોઇ ઘરોમાં બાળકોના રૂમની ડિઝાઇનમાં પશ્ચિમી દેશોનું આંધળું અનુકરણ પણ આજકાલ આપણને નજરે ચઢે છે, જરૂર છે ભારતીય વાતાવરણને અનુરૂપ ડિઝાઇન. દાખલા તરીકે લાકડાના સુંદર પરંપરાગત રમકડાં અથવા આપણા જુદા જુદા પ્રાંતોના પટેટ્સ કે માસ્કસ વગેરેથી પણ સુંદર સુશોભન થઇ શકે.
બાળકોના રૂમ ફક્ત મોંઘી વસ્તુઓનું સંગ્રહસ્થાન જ નહીં પરંતુ જ્યાં બાળકોની પોતાની આગવી દુનિયા કે પોતાનો 'કોર્નર' બને તેવું વાતાવરણ હોવું જોઇએ. બાળકો પોતાના મિત્રો સાથે અલગ ટીવી કે વીડિયો ગેમ્સની મજા માણી શકે. દિવાલો ઉપર પોતાના મનગમતા કાર્ટુન પાત્રોના પોસ્ટરો લગાવી શકે. તેમના બેડની ડિઝાઇન પણ જુદા જુદા આકારની હોય જેવી કે કાર ટાઇપ, વહાણ ટાઇપ વગેરે.
ફ્લેટ નાનો હોય અને બે કે વધુ બાળકો હોય તો દરેકને માટે અલગ અલગ રૂમની ફાળવણી મુશ્કેલ બને છે. આના માટે 'બંકર બેડ' વધુ ઉત્તમ છે, જગ્યા પણ ઓછી રોકે અને સ્ટોરેજ પણ ઘણો મળી રહે.
બાળકો માટેના બેડરૂમની પ્લાનિંગ માટે નીચેના પાંચ અગત્યના મુદ્દાઓ સૌ કોઇએ ધ્યાન રાખવા જેવા છે.
સ્લિપિંગ એરિયા : થ્રી ડાયમેન્શનલ પ્લાનિંગ બંકર બેડ વગેરે હવા ઉજાસ ક્રોસ વેન્ટીલેશન.
સ્ટડી એરિયા : ફોલ્ડિંગ ટેબલ્સ વગેરે.
રિક્રિએશન એરિયા : વીડિયો ગેમ્સ વગેરે માટે કોર્નર ડેકોરેટીવ આઇટમ્સ, પોસ્ટર્સ, વોલ પેપર્સ બ્રાઇટ કલર્સ.
પ્લે એરિયા : બને તેટલી બડરૂમમાં ખુલ્લી જગ્યા સ્ટફ ટ્રોયસ ગોઠવવા.
સ્ટોરેજ : થ્રી ડાયમેન્શનલ પ્લાનિંગ તેમ જ બીજા એરિયામાં સ્ટોરેજ.
બાળકોના રૂમની ડિઝાઇન કરતી વખતે તેમના માનસનો, તેમના ગમા - અણગમાનો પણ ખાસ ખ્યાલ કરવો જરૂરી છે. તમારા બાળકોને કેવા કલર ગમે છે, કઇ ગેમ્સમાં વધુ રુચિ છે, કેટલી ઉંમરનું બાળક છે? તે બધાનો ખ્યાલ તમારે અને ડિઝાઇનરને કરવો જરૂરી છે. વડીલો સાથે ચર્ચા કરતી વખતે બાળકની હાજરી પણ હોવી જરૂરી છે. તેમની પણ આ બાબત માટે જરાયે અવગણના ન થવી જોઇએ. દરેક વડીલ આ વાતને ખાસ મહત્વ આપે.
બાળકોનો બેડરૂમ હંમેશા હવાઉજાસવાળો હોવો જોઇએ. બાળકોના રૂમ માટે હવે ખાસ ડિઝાઇન કરેલા પંખા, ઇલેક્ટ્રીકલ ફિટિંગ્સ વગેરે પણ બજારમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત બાળકોના બેડની ચાદરો, ટુવાલ તેમ જ મનગમતા રમકડાંઓ પણ મળી રહે છે. આવી તમામ ખરીદી વખતે, તમે તમારા બાળકોને સાથે રાખશો તો વધુ બહેતર રહેશે કારણ કે મોટેભાગે આવી વસ્તુઓ તમારા બાળકો જ વાપરવાના છે તેથી તેમની જ પસંદગીની ચીજો લેવી હિતાવહ છે.
બાળકોના બેડરૂમની દિવાલોના કલર કે ફર્નિચરના કલર બ્રાઇટ હોવા જરૂરી છે. બાથરૂમમાં પણ જુદા જુદા કલરના ફિટિંગ્સ વાપરવા જોઇએ. ટાઇલ્સમાં પણ ઘણી વેરાયટી આપણને બજારમાં જોવા મળી રહે છે. જેમ કે કાર્ટુન, ડિઝનીના પાત્રો, પશુ-પક્ષીઓ વગેરે.
બાળકોનો બેડરૂમ ફર્નિચરથી ભરી ન દેતાં, તેને રમવા માટે ખુલ્લી જગ્યા મળે તે રીતે બેડ, કબાટ કે ભણવાના ટેબલની ગોઠવણી થવી જોઇએ. સ્ટડી ટેબલવોલ ઉપર જ ફીટ થાય તે રીતે બનાવેલું હોય છે. જે જરૂર પડે ત્યારે છુટું પાડી શકાય. બાળકોના સ્કેલને અનુરૂપ ફર્નિચરની ડિઝાઇન તેમ જ ઓછામાં ઓછું મેઇનટેનન્સ માંગી લે તેવા ફિનિશિસ દા.ત. લેમિનેટેડ સરફેસિસ વગેરે હોવા જોઇએ. બાળકની સલામતી માટે કાચનો ઉપયોગ તેમના રૂમમાં બહુ ઓછો કરવો જોઇએ.
બાળકોના પુસ્તકો અને કપડાં રાખવા માટે બારીઓની નીચે અથવા ઉપર દરવાજાવાળા ખાના બનાવડાવો, જેમાં એક યા બે છાજલીવાળા ખાના પણ નાંખો. જો વધુ જગ્યા હોય તો અનેક ખાનાવાળી લાકડાની કેબિનેટ અથવા કબાટ બનાવી શકાય છે જેને સહેલાઇથી ખસેડી શકાય. આ કેબિનેટો ઉપરો બાળકોને મનગમતાં મોટી સાઇઝના રમકડાંઓ ગોઠવી શકાય.
બાળકોનું માનસ તેની વિચારસરણી, ઘરની અંદરનું તેમ જ આજુબાજુના વાતાવરણ પર ઘણો આધાર રાખે છે. બાળકની આંતરિક શક્તિને (ટેલેન્ટને) બહાર લાવવા ક્રિએટીવ બેડરૂમ ઘણો મહત્વનો ભાગ ભજવે છે. બાળકોના સ્વપ્નો સાકાર કરતા બેડરૂમ માટે, વડીલોએ ખાસ વિશેષ ધ્યાન આપવાની જરૂર તો છે જ.









