Get The App

પતંગનું વિજ્ઞાન અને ઇતિહાસ

Updated: Jan 10th, 2020

GS TEAM


Google News
Google News
પતંગનું વિજ્ઞાન અને ઇતિહાસ 1 - image


પતંગ ચગાવવાનો શોખ ન હોય તેવા કોઈ વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે. અમદાવાદ પતંગના શોખ માટે જાણીતું છે. પરંતુ વિશ્વભરના દરેક દેશોમાં પતંગ લોકપ્રિય છે. પતંગ કાગળ કે હળવા કાપડમાંથી બને છે. હવે તેનું સ્થાન પ્લાસ્ટિકે લીધું છે. પતંગનો મૂળ આકાર એટલે ચતુષ્કોણ કાગળના સામસામેના ખૂણાને જોડે તે રીતે લાકડાની સળી ચોડીને બનાવેલું માળખું. જુદા જુદા દેશોમાં પતંગના જુદા જુદા આકાર જોવા મળે છે પરંતુ પતંગને આકાશમાં ઊડવા માટેનો સિદ્ધાંત એક સરખો જ છે.

વહેતો પવન પતંગની બંને સપાટી પરથી પસાર થાય છે. જ્યારે સપાટીની નીચે પવનનું દબાણ વધે ત્યારે તે ઉપરની દિશામાં ધકેલાય છે. પવન તેને ક્ષિતિજ તરફ પણ ખેંચે છે. પતંગના બે ખૂણા લાકડાની પાતળી સળી વડે જોડાયેલા હોય છે. ઊભી સળીને ઢઢ્ઢો કહે છે જ્યારે આડી અર્ધગોળાકાર સળીને કમાન કહે છે.

ઢઢ્ઢાની બંને તરફના ખૂણાનું અંતર સરખું હોય છે. અને વચ્ચે કિન્ના બાંધેલી હોવાથી બંને તરફ સરખું દબાણ લાગે છે. પતંગની પૂંછડી સુકાનનું કામ કરે છે. શોખીનો પોતાની આવડત મુજબ પવનને કાબૂમાં રાખે છે. લાંબી પૂંછડીવાળા પતંગ આકાશમાં વધુ સ્થિર રહે છે. પતંગની ડિઝાઈન પક્ષીઓ કે ઊડતા જંતુઓના આકારની બનતી.

પતંગ ચગાવવાની શરૂઆત અઢી હજાર વર્ષ પહેલાં ચીનમાં થઈ હતી. ચીનમાં કાગળ અને રેશમની શોધ સૌ પ્રથમ થઈ હતી. ચીનમાં વાંસ પણ પુષ્કળ થાય છે. આ ત્રણે વસ્તુઓ સહેલાઈથી મળતાં ચીનમાં કાગળના પતંગ બનાવવાની શરૂઆત થઈ. ચીનમાં 

પાંચમી સદીમાં મોઝી અને લુબાન નામના સાધુઓએ પ્રથમવાર કાગળના પતંગ ચગાવ્યાની ઇતિહાસમાં નોંધ છે. ૧૬મી અને ૧૭મી સદી દરમિયાન પતંગ ચગાવવાની પ્રથા વિશ્વના ઘણા દેશોમાં પરંપરા બની ગઈ. રાઈટ ભાઈઓએ વિમાનની શોધ પણ પતંગમાંથી પ્રેરણા લઈને કરેલી ઈ.સ. ૧૮૬૦થી ૧૯૧૦નો ગાળો પતંગ માટે સુવર્ણકાળ બન્યો.

વિજ્ઞાાનીઓ હવામાનનો અભ્યાસ કરવા, એરીયલ ફોટોગ્રાફી કરવા, વિમાનના મોડેલો બનાવવાના પ્રયોગો કરવા પતંગનો ઉપયોગ કરવા લાગ્યા. પતંગની જેમ ઊડતાં ગ્લાઈડર પણ શોધાયા. બીજા વિશ્વયુદ્ધમાં પતંગનો ઉપયોગ સંદેશા મોકલવા માટે પણ થવા લાગ્યો.

બેન્જામીન ફ્રેન્કલીને વાવાઝોડામાં પતંગ ચગાવી આકાશમાં થતી વીજળીમાં કરંટ હોવાની શોધ કરેલી.

Tags :