બુધ્ધિની પવિત્રતા .

બુદ્ધિધન દરેકની પાસે એકસરખું નથી હોતું. ઘરના સંસ્કાર અને સામાજિક વાતાવરણ મુજબ વ્યક્તિની બુદ્ધિ વિકસે છે. આગળ જતાં માણસ જ્યારે પુખ્ત બનતો જાય છે ત્યારે વાંચન, સત્સંગ અને અલગ-અલગ અનુભવોથી બુદ્ધિનું ઘડતર થતું હોય છે. તે મુજબ દુર્બુદ્ધિ કે કુબુદ્ધિ કે સદ્બુદ્ધિ જ માણસને ડૂબાડતી કે તારતી હોય છે.
મોટેભાગે ખોટું કરવામાં જ માણસ બુદ્ધિ ખર્ચી નાખતો હોય છે. સાચો વ્યવહાર કરવામાં તો સહજ બુદ્ધિ જ વપરાતી હોય છે. આજનો માણસ પોતાને બીજા કરતાં વધારે બુદ્ધિમાન સમજતો હોય છે. પોતાને ચાણક્ય અને બીજાને મૂર્ખ સમજતો હોય છે. વાસ્તવમાં બુદ્ધિની શુદ્ધિ વગર અથવા તો બુદ્ધિની પવિત્રતાનું મહત્વ સમજ્યા વગર જીવનમાં સાચી શાંતિ, સાચું સુખ અને સાચો આનંદ નથી મળી શકતો.
બુદ્ધિની પવિત્રતાની શરૂઆત આત્માનો અંદાજ સાંભળવાથી થતી હોય છે. બુદ્ધિની શુદ્ધિ કર્યા વગર બુદ્ધિમાં પવિત્રતા નથી આવતી. મેલી બુદ્ધિ રાખીને કે આત્માના અવાજને દાબીને માણસ પ્રસન્ન કે આનંદિત નથી રહી શકતો. બુદ્ધિને મલીન કરવાથી હંમેશા ઉચાટ, ઉદ્વેગ અને તનાવ જ પ્રાપ્ત થતા હોય છે. મનોરોગી બનવામાં માણસ પોતે જ જવાબદાર થતો હોય છે.
અણહક્કનું લેતી વખતે, નિંદાકુથલીઓમાં, દગો-પ્રપંચ કે દગો-છેતરપિંડી આચરવામાં જો બુદ્ધિની પવિત્રતા નહીં થઈ હોય તો માણસના જીવનમાં દુ:ખ આપોઆપ ડેરા નાખે છે. કુદરતથી વિરૂદ્ધ જઈને માણસ જ્યારે દોઢડાહ્યો થવા જાય છે ત્યારે પોતાના પગ ઉપર જ કુહાડી મારતો હોય છે.
પ્રભુ ભક્તિમાં લીન થવા માટે બુદ્ધિની પવિત્રતા જ સાર્થક સાબિત થતી હોય છે. કારણ કે બહારથી સ્વચ્છ અને સાફસુથરો દેખાતો માણસ ભીતરથી કેટલો ગંદો હોય છે એની ખબર તો ભગવાનને હોય જ છે. એટલે સ્તો પ્રભુને આપણે અંતર્યામી કહીએ છીએ. એમનાથી આપણી બુદ્ધિની અપવિત્રતા છાની રહે ખરી..?
- દિલીપ રાવલ








