Magazines

સંત કહે, 'તમારે તમારી સાથે વાત કરવી' .

By GS TEAM
24 Jun 20264 mins read
સંત કહે, 'તમારે તમારી સાથે વાત કરવી'                            .

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

વૈભવી જીવનશૈલીમાં જીવતા આ યુવાનને પિતાએ વારસામાં ઘણું આપ્યું હતું, પણ વારસામાં મળેલ ધંધાના વિકાસમાં પણ તેનું સારું યોગદાન હતું... આમ બધી રીતે સુખી હતો, તેનું મન અશાંત રહેતું. તેને લાગતું હતું કે, 'કાંઈક ખૂટે છે, પરંતુ તેને સમજાતું ન હતું કે, એ જીવનની આ ખૂટતી કડી શું છે ? આમાં અધૂરું શું છે ?' એ સમજતો હતો કે, 'ગુરૂ પાસે જઈએ તો ખુલ્લે દિલે બધી જ વાત કરી દેવી જોઈએ.' ગુરૂ અને ડોક્ટર પાસે કોઈ વાત છુપાવવી નહીં, જીવનની કિતાબ ખુલ્લી કરી દેવી જોઈએ. ગુરૂજીને કહેતો કે, 'હું દારૂ પીઉં છું, જુગાર રમું છું, માંસાહાર કરું છું અને નીતનવી સ્ત્રીઓના સંગનો મને શોખ છે.' જ્યારે એ પોતાની આવી જીવનશૈલીની વાત કરતો ત્યારે ગુરૂ તેને સલાહ આપતા કે, 'દારૂ, જુગાર, માંસ અને વ્યભિચાર છોડી દો તો એ જીવનમાં આપોઆપ શાંતિ આવી જશે.'

તેને આ બધું છોડવાની વાત લગીરે ગમતી ન હતી. આ બધું તેનાથી સહેજે છૂટી શકશે નહીં તેવું તેને લાગતું. એક દિવસ સવારે જિમમાંથી પરત ફરી રહેલા ત્યારે રસ્તામાં એક મિત્ર મળી ગયો. તેને કહે, 'ઋષિ સવારસવારમાં ક્યાં જઈ રહ્યો છે ?' ઋષિ કહે પારસ, ધર્મસ્થાનકમાં એકધ્યાની અને આત્મજ્ઞાાની સંત પધાર્યા છે, તેમના સત્સંગમાં જઈ રહ્યો છું. અડધો કલાક માટે અત્યારે સત્સંગ છે, તું મારી સાથે ચાલ.' પારસ કહે, 'મને આમાં કાંઈ સમજ નહીં પડે.' ઋષિ કહે, 'ના ભાઈ, સમજ ન પડે એવું કાંઈ ભારેખમ નથી. બહુ સરળ વાતો કરે છે, જે આપણને સમજાય જાય એટલું જ નહીં, આપણા જીવનની જટીલ સમસ્યાનો ઉપાય પણ બતાવે છે.'

પારસ વિચારે છે, 'ચાલો જઈએ, કદાચ મારી મૂંઝવણનો ઉકેલ બતાવે તો મારું કામ થઈ જાય.' તે કહે, 'હું સત્સંગમાં આવું છું.' બન્ને મિત્રો સત્સંગમાં બેસે છે. સત્સંગમાં સંત કંઈ ઉપદેશાત્મક વાત કરતા ન હતા, કોઈ પણ આજ્ઞાા પણ ન આપતા, તમારે આ કરવું, આ ન કરવું, બાધા આપવી, કે પચ્ચખાણ આપવા એવી કોઈ તેમના સત્સંગમાં વાત ન હતી. માત્ર આત્મસ્મરણની. આત્મા અને શરીર ભિન્ન છે તે વાત સરળતાથી સમજાવતા હતા. વળી આપણામાં રહેલ આત્મામાં કેટલા બધા ગુણો છે, આપણા આત્મામાં કેટલી પ્રચંડ તાકાત રહેલી છે, ભીતરમાં એક ઊર્જાનો અખંડ સ્ત્રોત વહી રહ્યો છે... આ ભીતરની મહાન શક્તિથી આપણે અજાણ છીએ. આ જાણીએ તો આપણને જ્ઞાાત થશે કે 'જે આપણે આ ન કરી શકીએ, આ કરવાને સમર્થ નથી એવી મિથ્યા માન્યતાનો છેદ ઉડી જશે. આપણું સંકલ્પબળ વધશે. સત્સંગ પૂરો થયા પછી પારસે ગુરૂ પાસે પોતાની મૂંઝવણની વાત કરી. પોતાની જીવનશૈલી અંગે ખૂલ્લા દિલે એકરાર કરીને વિગતે વાત કરી અને કહ્યું કે, 'આ બધું છોડવું મારે માટે અશક્ય લાગે છે. મને શાંતિ મળે તેવો ઉપાય બતાવો.'

સંત કહે, 'તમારી વર્તમાન જીવનશૈલી અંગે મારે કશું કહેવાનું નથી. હું કહું તે પ્રમાણે તમે માત્ર અડધો કલાક કરવા તૈયાર છો ? તો એ પ્રયોગ હું તમને બતાવું.' પારસે હા કહી. સંત કહે, 'દરરોજ ત્રણ મહિના સુધી અડધો કલાક તમારી આંખો બંધ કરી મૌન બેસી જવું. બધું ભૂલીને તમારે માત્ર તમારી સાથે વાત કરવી. વાતમાં કહેવાનું કે, 'મેં દારૂ છોડી દીધો છે. મેં જુગાર રમવાનું છોડી દીધું છે. મારું પેટ મૃતપ્રાણીની કબર નથી માટે મેં માંસાહાર છોડી દીધો છે. મને દરેક સ્ત્રીમાં માતા દેખાય છે -'ઁ મૈયા શરણમ્ મમ:' જેટલી વાર બોલી શકાય તેટલી વાર ઉપરના વાક્યો તમારી જાતને સંબોધીને કરો. પછી વિચારો કે મારામાં રહેલ આત્મામાં અખંડ તાકાત છે, તે બધું જ કરવા સમર્થ છે.' માત્ર અડધો કલાક આ આત્મસમરણ, બાકી બધું વિસ્મરણ કરવાનું છે.' સંત કહે, 'ત્રણ મહિના સુધી આ પ્રયોગ કર્યા પછી મને મળવા આવજો.' બન્ને મિત્રો સંતને વંદન કરીને બહાર નીકળ્યા. પારસ કહે, 'કેવું સરસ ! સંતે તો દારૂ, જુગાર આદિ કશું છોડવાની વાત ન કરી. માત્ર અડધો કલાક મૌનના પ્રયોગમાં આ બધું છોડી દીધું છે એવું કહ્યું. આ તો હું કરી શકીશ.'

ત્રણ મહિના પછી પારસ સંતના દર્શને જાય છે ને કહે છે, 'થોડા દિવસથી દારૂનો ગ્લાસ અને માંસવાળો આહાર જોઉં છું તો મને ઉલ્ટી જેવું થઈ જાય છે. વાસ સુદ્ધાં લઈ શકતો નથી.' સંત કહે, 'હજુ ત્રણ મહિના આ ધ્યાન આત્મસ્મરણનો પ્રયોગ ચાલુ રાખો.' બીજા ત્રણ મહિના પછી પારસ સંતના દર્શને જઈ કહે છે, 'છેલ્લા એક મહિનાથી જુગાર રમવાનું છૂટી ગયું છે અને 'ઁ મૈયા શરણં મમ:'ના જાપ કરતી વખતે મને હકીકતમાં સ્ત્રીમાં માતાનાં દર્શન થાય છે. મારા આચાર બદલાઈ ગયા. મને જીવનમાં સાચા અર્થમાં શાંતિની પ્રાપ્તિ થઈ.' તેણે ગુરૂને વંદન કર્યા. ગુરૂજીએ કહ્યું, 'શુભ વિચારના સાતત્યથી તારો આચાર શુદ્ધ થયો છે.