Magazines

ફેશનના વિશાળ ફેલાવામાં સલવાર કુર્તીની પહોંચ

By GS TEAM
8 Sep 20256 mins read
ફેશનના વિશાળ ફેલાવામાં સલવાર કુર્તીની પહોંચ

ફેશન કરવી એટલે ભીડમાં બધાથી થોડા જુદા દેખાવાનો  પ્રયત્ન ઘણા લોકો  કરે છે, પણ યોગ્ય રીતે ફેશનને સ્વીકારીને તેને જાળવી રાખવાની આવડત માત્ર  દસ ટકા લોકોમાં જ હોય છે. આને માટે કહેવત છે, ''નકલ માટે પણ અક્કલ હોવી જોઈએ.'' આજે જ્યારે કપડાં પરથી માણસની કિંમત આકવામાં આવે છે,  ત્યારે એવા સંજોગોમાં સામાન્ય માણસ પણ પોતાના પોશાક પ્રત્યે સજાગ થઈ ગયો છે.

સલવાર કુરતા અથવા ઝભ્ભો પાયજામો એક એવો પોશાક છે કે, જેણે સમયની સાથે સાથે જ ચાલતાં રહીને પણ પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે. અનેક પ્રકારની મુશ્કેલીઓ સહન કરતાં કરતાં એણે સૈકાઓ સુધીની લાંબી યાત્રા કરી છે. સમય  અને માંગ મુજબ વિવિધ પ્રકારના ફેરફાર સ્વીકારી લઈને સલવાર - કૂરતાની ડિઝાઈનોમાં વિવિધ પ્રકારનાં પરિવર્તન પણ આવ્યાં છે. જો ફેશન ગોળ ગળાની છે, તોે કુરતામાં પણ્ ગોેળ ગળું થયું. ફેશન ચોરસ ગળાની છે, તો એ મુજબ ચોરસ જ લંબાઈમાં ઘુંટણ સુધીની ફેશન છે, તો ઘુંટણ સુધી સ્વીકારી લીધું. આમ દરેક સમયે ફેશન જુદાં જુદાં નામો સાથે અનેક રીતે વિકસિત અને પ્રચલિત થતી રહી છે.

સૌથી પહેલાં આ પોશાક પંજાબના ગામડાંઓમાં નિમ્ન વર્ગની મહિલાઓ અને છોકરીઓ પહેરતી હતી. ધીમે ધીમે એ ઉચ્ચ વર્ગમાં પ્રચલિત થયો. પછી તો જાણે એક ક્રાંતિકારી  પરિવર્તન આવ્યું અને આ પોશાક સ્ત્રીઓનો પ્રિય પોશાક બની દેશના દરેક ભાગમાં  પ્રચલિત થઈ ગયો.

સ્વતંત્રતા પછી તરત જ ફિલ્મી દુનિયામાં પણ તેનો સ્વીકાર થયો. ભારતીય સમાજની આ એક મોટી ખાસિયત છે કે, એકવાર જે ફેશન ફિલ્મોમાં આવી કે તરત જ એ સામાન્ય જનમાનસ સુધી પહોંચી જ જાય છે.

પ્રારંભના દિવસોમાંક ફ્રોક જેવા ઢીલાં કૂરતાની ફેશન હતી. જેમાં આગળના ભાગમાં ત્રણ કે ચાર બટન ગરદનની નિકટ હોય, તેમ ટાંકેલા  હતાં તેનું ગોળ ગળું અને ઘુંટણ સુધીની લંબાઈ હતી. આ કુરતા આજે 'ગુજરાતી કુરતા' ના નામે જાણીતાં છે. જૂની ફિલ્મોમાં કુમકુમ, સુરૈયા, નલીની જયવંત વગેરે અભિનેત્રીઓ આ પ્રકારનાં  કુરતા પહેરતી હતી.

આ પછી થોેડા સમય બાદ ફિટિંગવાળા ચપટી ભરેલાં કુરતાની ફેશન આવી, જેમના ગળાની લંબાઈ ત્રણ ઈંચ હતી. ગરદનથી સહેજ નીચે ગોળ ગળું હતું અને તેમાં પાઈપીન લગાવેલી જોવા મળતી આવાં કુરતાની લંબાઈ ઘુંટણથી થોડી વધુ નીચે સુધી હતી.

ચુસ્ત  ફિટિંગવાળા કુરતા-પાયજામાની ફેશનનું શ્રેય એ સમયની પ્રસિદ્ધ  અભિનેત્રીઓ સાધના, આશાપારેખ અને તનુજાને ફાળે જાય છે. તેમાં પણ કુરતાનાં ગળાનો આકાર બે કે ત્રણ ઈંચથી નીચે નથી ગયો. અલબત્ત, તેમની લંબાઈ જરૂર ઘૂંટણથી થોડી ઉપર રહેતી પહેરવામાં સુવિધા રહે એ માટે તેમાં પાછળ ચેઈન લગાવવામાં આવતી હતી.

આ દરમિયાન બંગાળી કુરતાંની ફેશન પણ આવી, જે બિલકુલ સાદા અને ઢીલાં હતાં. આમાં સાથે દુપટ્ટો ઓઢવાની પણ જરૂર નહોતી. તેમ જ આગળના ભાગમાં બટન ટાંકેલા હતા.

૧૯૮૦ના સમય પછી ફેશન શબ્દ જાણે એક ભૂલ ભૂલામણીમાં ખોવાઈ ગયો. યુવતીઓ ફેશનમાં એટલી બધી ડૂબી ગઈ કે, તેમને ફેશન શબ્દનો અર્થ જ યાદ ન રહ્યો એની પાછળ એક કારણ એ પણ હતું કે સલવાર કુરતાની ફેશનમાં વારંવાર પરિવર્તન આવતું હતું. એક દિવસ ચુસ્ત સિલાઈવાળા -કુરતાં જોવા મળે તો, બીજે દિવસે એકાએક લખનવી સ્ટાઈલની ફેશન આવી જતી આજનો સમય તો આધુનિક અને ઝડપી યુગનો સમય છે. આજે મોટા ભાગની યુવતીઓ પોતાની પસંદગી મુજબનાં સલવાર-કુરતા સિવડાવે છે. આજકાલ તો કોઈપણ સ્ટાઈલ કે માપનું જાણે કોઈ મહત્ત્વ જ  રહ્યું નથી.

આજકાલ જૂની ફેશન જાણે ફરી નવા સ્વરૂપે પાછી  આવી છે પરંતુ તેમાં હવે ચોક્કસ માપને સ્થાન નથી, કેમ કે હવે 'આકાર' અને 'માપ' શબ્દનું  કંઈ અસ્તિત્વ જ નથી રહ્યું. પહેલાનાં સમયમાં લોકો દરજી પાસે જઈને માપ આપીને પાછા આવી જતાં. કેમ કે ગળાની લંબાઈ લગભગ એક જ રહેતી,  તે  બે કે ત્રણ ઈંચથી વધારે લાંબી ન હતી. કુરતાની લંબાઈ પણ ૩૬ ઈંચ  જ હતી. પરંતુ હવે ગળાની લંબાઈ ત્રણથી સાત ઈંચ સુધી પહોંચી ગઈ છે અને એમાં પણ નિતનવી ડિઝાઈને જોવા મળે છે. જેમાં ગ્લાસ ગળું, વી ગળું ચોરસ ગળું, ગોળ ગળું, બોટ નેક અને નહેરુ ટાઈપ ગળું વગેરે મુખ્ય છે. આમાં લંબાઈનું ખાસ કાંઈ મહત્ત્વ હોતું નથી.

ફેશનના નામે અંગ પ્રદર્શન કરવાની  સ્પર્ધામાં  છોકરીઓ વધુ નીચા ગળાની ડિઝાઈનના કુરતા પહેરતાં પણ અચકાતી નથી. એટલું જ નહીં, ગળાની લંબાઈ પણ હવે ત્રણથી દસ ઈંચ સુધી  થઈ ગઈ છે. બટન કુરતામાં એક ખાસિયત એ છે કે ગળું નાનું, મોટું કરી શકાય કુરતા અને સ્લીવલેસ કુરતામાં ગળાને તેટલું  લાંબુ કરી શકાય છે.

આજકાલ તો કુરતાની લંબાઈનું પણ ચોક્કસ માપ રહ્યું નથી. છોકરીઓ પોતાના વજન અને ઊંચાઈ તરફ ધ્યાન આપ્યા વિના જ માત્ર એકબીજાની નકલ કરીને કુરતાની લંબાઈ નાની મોટી રાખે છે. 'સિલસિલા' ફિલ્મમાં રેખાએ પગ સુધી પહોંચે એટલું લાંબુ કુરતું પહેરેલું. જેની લંબાઈ લગભગ ૪૪ ઈંચ હતી બસ, પછી તો વાત જ શી  કરવી? આટલાં લાંબા કુરતાની ફેશન બહુ પ્રચલિત થઈ ગઈ!!

કેટલીક છોકરીઓ બાજુમાંથી ખુલતાં કુરતા રાખે છે, જેમાં હૂક બીડેલા હોય છે, કદાચ ભીડમાં બધાંથી જુદાં દેખાવાની ઈચ્છા  આની પાછળ હોય. 'નૂરી'  ફિલ્મમાં પૂનમને પઠાણી કુરતામાં જોઈને છોકરીઓમાં તેની ફેશન ખૂબ ઝડપથી  પ્રચલિત થઈ  ગઈ હતી.

વર્તમાન સમયમાં ગળાની લંબાઈ અને કુરતાની ઊંચાઈ ફેશનની હોડમાં જાણે  સંતાકૂકડી રમી રહ્યા છે. પરંતુ આંખો પર પટ્ટી બાંધીને  ફિલ્મી સ્ટાઈલની ફેશન અપનાવવી પણ ખરેખર યોગ્ય નથી. ફેશન એટલે કે સમય, પરિસ્થિતિ અને આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણી આજુબાજુનું વાતાવરણ જોઈને પોતાને શોેભે એવા વસ્ત્રો પહેરવાં જોઈએ.

સ્થૂળકાય છોકરીઓ, જેમનું વજન તેમની ઊંચાઈ કરતાં વધારે છે, તેઓ યોગ્ય કપડાંની પસંદગી દ્વારા પોતાની સ્થૂળતાને છુપાવી શકે છે. આવી છોકરીઓએ કુરતાનું ગળું  ઓછામાં ઓછું ચાર ઈંચ સુધી જ રાખવું જોઈએ. જેથી કુરતાનું ગળું લટકતું હોય તેમ ન લાગે. જો તેઓ ફેશનની સાથે સાથે પગલાં ભરવાં ઈચ્છતી હોય તો ગળું છ ઈંચથી વધુ નીચું ન રાખવું જોઈએ. કુરતાંની લંબાઈ ઘુંટણથી થોડીક નીચે સુધીની રાખવી જોઈએ, જેથી તેઓ પોતાની સ્થૂળતા છુપાવી શકે. કુરતાની ડિઝાઈન પણ વજનને અનુરૂપ પસંદ કરવી જોેઈએ. આવી  છોકરીઓએ સહેજ ચુસ્ત સિલાઈવાળા કપડાં પહેરવાં જોઈએ અથવા તો  બંગાળી કુરતા સાથે દુપટ્ટો  અત્યંત જરૂરી બની જાય છે. 

દૂબળી-પાતળી છોકરીઓ પોતાના શારીરિક બાંધા અનુસાર પોશાકની પસંદગી કરે, તો તેમનું વ્યક્તિત્વ પણ વધુ ખીલી ઉઠે, તેમાં કંઈ શંકાને સ્થાન નથી. કુરતાનાં ગળાની લંબાઈ ઓછામાં ઓછી બેથી ચાર ઈંચ સુધી જ રાખવી જોઈએ. બંધ ગળાવાળા  કુરતા તેમને વધુ શોભશે. ખાસ કરીને  નહેરુ ટાઈપનાં ગળાવાળું કૂરતું ખૂબ સારું લાગશે. ગુજરાતી કે લખનવી કુરતા પહેરવાથી તેઓ સહેજ જાડા દેખાશે.  કુરતાની લંબાઈ ઘુંટણથી એક અથવા બે ઈંચ ઉપર હોવી જોઈએ. 

ઓછી ઊંચાઈવાળી છોકરીઓએ ગળાની લંબાઈ અને પહોળાઈ એમ બંને પ્રત્યે ધ્યાન રાખવું જોઈએ. તેમણે આગળ બટનવાળા અથવા સાઈડમાં દોરીવાળા કુરતા પહેરવાં જોઈએ. કુરતાની લંબાઈ પોેતાની ઊંચાઈ મુજબ પ્રમાણસર રાખવી જોઈએ. આવી છોકરીઓને ખુલ્લાં અને લાંબા કુરતા જ સારા લાગે છે.

લાંબી છોકરીઓને  ગળે પાઈપીન હોય તેવાં કુરતા વધુ સારાં લાગે છે. ગ્લાસ અથવા વી આકારનું ગળું પણ તમને સારું લાગશે. કુરતાંની લંબાઈ ઘૂંટણથી સહેજ ઊંચી રાખવી જોઈએ.

કુરતામાં ગળાની ડિઝાઈન પસંદ કરતી વખતે ગરદનના આકારનો ખ્યાલ રાખવો  જરૂરી છે. જે છોકરીઓની ગરદન વધારે પડતી લાંબી હોેય એવી છોકરીઓને ગ્લાસ  યુ કે વી આકારનું ગળું સારું નથી લાગતું.એથી તેમની ગરદન વધારે લાંબી દેખાય છે. ગળાની લંબાઈ બે ત્રણ ઈંચથી વધારે ન હોેવી જોઈએ. તેમને ગોળ ગળું જ વધારે સારું લાગશે. જો તમારી ગરદન થોડી ભરાવદાર છે, તો વધુ ચિંતિત થવાની જરૂર નથી. યોગ્ય ડિઝાઈન અને યોગ્ય લંબાઈ દ્વારા તમે અમુક અંશે તેને છુપાવવામાં સફળ થઈ શકો છો. તમારે હમેશાં થોડાં લાંબા ગળાનાં કુરતા પહેરવા જોઈએ. વી ગળું  અથવા ગ્લાસ ગળું તમારા માટે યોગ્ય રહેશે.

બટનવાળા ગળાની ડિઝાઈનને કારણે  ગરદનની લંબાઈ વધારે હોવા છતાં તે પ્રમાણસર લાગે છે. 

આમ જો તમે સહેજ બુદ્ધિનોે ઉપયોગ કરો, તો તમે જાતે જ નક્કી કરી શકશો કે, કયા પ્રકારનું ગળું તમારા પોશાક અને વ્યક્તિત્વ સાથે બંધ બેસે છે. એનાથી તમારું વ્યક્તિત્વ આકર્ષક લાગશે, એટલું જ નહીં, આધુનિક ફેશનની સાથે પગલાં ભરવામાં તમે પાછા નહીં જ પડો. કેમ કે, ફેશન જ આપણને સમય સાથે ચાલવાનું શીખવાડે છે. આ પ્રમાણે લોકોેના સમૂહમાંથી અલગ તમે તમારા વ્યક્તિત્વની એક આગવી ઓળખ ઊભી કરી શકશો અને ફેશન કર્યાનો સંતોષ પણ અનુભવી શકશો!!