માનવ જીવન સાથે અત્યંત ઘનિષ્ઠ રીતે સંકળાયેલી વર્ષાઋતુ

પશ્ચિમના દેશોમા આપણી જેમ ચોમાસાની કોઈ ઋતુ નથી. તે વર્ષમાં ગમે ત્યારે પડી શકે છે, આપણે ત્યાં ઉનાળા અને શિયાળા તદ્ન સુકા હોય છે. માત્ર ઈશાનના મોસમી પવનોને કારણે ચેન્નાઈ કિનારે શિયાળામાં પણ થોડો વરસાદ પડે છે. આમ ભારતમાં ચોમાસુ આવે એટલે સમૃદ્ધિ લાવે. ધનધાન્યના ભંડારો ઉભરાય , બજારો છલકે. ચોમાસુ એટલે કામદેવતાની પ્રિય મોસમ. ઉષ્ણ હવામાનમાં જાતીય વૃત્તિઓ પસીને રેબઝેબ થઈ જાય છે. ભીની ભીની મોસમમાં પ્રેમીઓને મહાલવાનું ખૂબ જ ગમે છે. મોરલા ટહુકતા હોય, મેઘો ગરજતો હોય, વીજળીના ચમકારા થતા હોય અને લાબં વિયોગ પછી જોડલા મળતા ન હોય ત્યારે ગાઢ આલિંગનો અને પ્રેમના સંવાદોમાં સમય ક્યાં પસાર થઈ જાય છે તેનું ભાન રહેતું નથી.
ભારતીય પુરુષોને વર્ષાઋતુમાં ભીંજાયેલી નારીની દેહલત્તા કામાતુર કરે છે. બીજા કોઈ દેશમાં આ રીતે વર્ષા અને સેક્સનો આવો ઘનિષ્ઠ ે સંબંધ દેખાતા નથી. કેટકેટલાં કાવ્યો, લોકગીતો, શાસ્ત્રીય રાગો, નાટકો, કથાઓ અને ફિલ્મોમાં વર્ષાની મદમાતી ઋતુને બહેલાવતી અને બહેકાવેલી છે. સ્ત્રીનું સમગ્ર ચેતનતંત્ર વરસાદના માહોલમાં ઝૂમી ઊઠે છે અને તેનું તનબદન જાણે વર્ષાની હેલી માફક હિલોળે ચઢે છે. જોબન છલકે અને મનડા મલકે છે. વર્ષાના ઠંડા ટીપાં જાણે ધગધગતા યૌવન ઉપર ટકરાઈને બાષ્પ બની જાય છે.
આપણે સંસ્કૃત નાટકોમાં આલેખેલી કામાતુર વર્ણનશૈલીનો આનંદ માણી શકતા નથી. કેમ કે આ પ્રાચીન ભાષા આપણી પાસેથી અંગ્રેજોએ છીનવી લીધી છે અને ત્યારબાદ જે શાસકીય સંરચના ગોઠવણી છે તેણે તો સંસ્કૃત- ગુજરાતી અને અંગ્રેજી ત્રણેયને બોદા બનાવી દીધા છે. પેલી રસવૃત્તિ જાણે બુઠ્ઠી થઈ ગઈ છે.
વરસાદની મદમાતી મોસમને જો કોઈએ જીવાડી હોય તોે તે ભારતીય ફિલ્મ જગતે. વરસતા વરસાદમાં ભીંજાતા ભીંજાતા ગીત ગાતા યુગલની પ્રેક્ષકોને ઈર્ષ્યા આવે છે. દિગ્દર્શક નારી દેહના સૌંદર્યને વર્ષાના વ્હાલથી તરબોળ કરીને અલપ ઝલપ દર્શકોની સામે રજૂ કરે છે. કશુંક આશ્ચર્યકારક અને લોલૂપ કરે તેવું ઉભરાય છે પણ તૃપ્ત કરતું નથી. આ અતૃપ્તિ જ દર્શકને વારંવાર કશુંક શોધવા માટે થિએટરમાં જવાની ફરજ પાડે છે. અદાકાર પુરુષ અને સ્ત્રી વર્ષાના માહોલમાં પોતાની જુવાનીના તરખાટને આગામી અનેક પેઢીઓ સુધી અમર બનાવી દેવા મન મૂકીને અભિનય કરે છે. એદ્રશ્યોને જીવી જાય છે. કેમેરો જાણે આ ઋતુમાં દિવાનો બનીને ન જોવાનું હોય ત્યાં ખાંખાખોળા કરવા લાગે છે.
ભારતીય સિનેમા ઉદ્યોગમાં સૌપ્રથમ વાર વર્ષા ઋતુને પ્રેમગીત સાથે અત્યંત કલાત્મક અને સૂઝબૂઝભરી દ્રષ્ટિથી રજૂ કરી હોય તો તે રાજ કપૂરે આ ગીત કરોડોનું માનીતું બની ચૂક્યું છે.
બરસાતમેં હમ સે મિલે તુમ સજન,
તુમસે મિલે હમ, બરસાતમેં.....
તેના યાદગાર પિક્ચરનું નામ જ બરસાત હતું. ઉપરોક્ત ગીત અર્ધ શતાબ્દી પછી પણ જાણે તરોતાજા છે. રાજકપૂરને કોણ જાણે કેમ વર્ષા અને પાણી, નારીનો ભીનો દેહ અને તેનું શિલ્પકૃતિ જેવું બેનમૂન કંડારેલું સ્વરૂપ ખૂબ જ ગમતું હતું.
પ્યાર હુઆ ઈકરાર હુઆ- ગીત વર્ષાની બેનમૂન નવાજીશ છે. છત્રીની નીચે ઊભેલા રાજ-નરગીસ અલપઝલપ ભીજાવાની મજા માણતા કે કેવા ઝૂમી ઉઠે છે?
રાજ કપૂરને નારીના વક્ષ સ્થળનું અનેરું આકર્ષણ હતું. મેરા નામ જોકરમાં મીનુ માસ્ટર એટલે કે પુરુષના વેશમાં પદ્મિની વરસતા વરસાદમાં તેના માટે પલળતી પલળતી ઝૂરે છે. એવી જ રીતે ઝીન્નત અમાનને ધોધ નીચે સ્નાન કરતી દર્શાવી હતી. યશોમતી મૈયા સે બોલે નંદલાલાનું ગીત આજે પણ લોકોેના કાનોમાં ગુંજે છે. રામ તેરી ગંગા મૈલીમાં મંદાકિનીના નીલી આંખો અને શરીર સૌષ્ઠવનો તેણે બખૂબી ઉપયોગ કર્યો હતો. ભીંજાયેલી કાયાનું જાણે તેને એક ઓબસેસન થઈ ગયું હતું. વર્ષાઋતુ રાજ કપૂરની મન પસંદ મોસમ હતી.
૧૯૫૦ થી ૧૯૭૦ થી ગાળામાં વરસાદમાં ભીંજાયેલી નારી એક અનિવાર્યતા બની ગઈ હતી. મનોજ કુમાર (ભારત કુમાર) રાજ કપૂરના પગલે દોરવાઈ રહ્યો હતો. પણ આદર્શોના અંચળા નીચે છૂપાયેલા આ બંને પાક્કા બિઝનેસમેન હતા. દેશપ્રેમ અને દેશદાઝના ચિત્રોમાં ભિંજાયેલા દ્રશ્યનુું કામણ પીરસવાની તાલાવેલી જાણે એક નબળાઈ સિદ્ધ થવા લાગી હતી.
પૂરબ ઔર પશ્ચિમનું ગીત પૂર્વા સુહાની આઈ રે (ગાયું હતું. ભારતીએ) યાદ હશે જ. રોટી કપડાં ઔર મકાનમાં વર્ષામાં ભીંજાયેલા યૌૈવન સાથે ગીતો રજૂ થયાં હતાં. ઝીન્નત અમાન પૂર્વની સાડી અને પશ્ચિમના ડ્રેસમાં શોેભી ઊઠે છે. તેનું ગીત થિએટરમાં લોકોેને પ્રસન્ન કરી દે છે. તેરી દો ટકીયાં કી નોકરી મેરા લાખોં કા સાવન જાયે. હીટ ગયુ ંહતું. બીજું ગીત હતું પાની રે પાની તેરા રંગ કૈસા.... આ ગીત બરસાતમેં હમસે મીલે તુમ કરતાં વધારે ઉત્તેજક સિદ્ધ થયું હતું.
બોલીવૂડ ફિલ્મ ઉદ્યોગમાં વર્ષાઋતુની સુંદરતાને ઉજાગર કરવાને બદલે તેને અતિસેક્સી બનાવીને ટંકશાળ પાડવાનો જ ઈરાદો સેવ્યો હોય તેવું દેખાઈ આવે છે. નમક હલાલનું આજ રપટ જાયે ગીતે વધુ પડતું સેક્સી નથી લાગતું? અમિતાભ અને સ્મિતા પાટીલ કાદવમાં રગદોળાઈને એક બીજામાં કેવો ઓતપ્રોત બની જાય છે? આટલા બધા ઊંચા ગજાના કલાકારો અને પ્રકાશ મહેરા જેવા દિગ્દર્શક પાસેથી આપણે આવી હલકી ચેષ્ટાઓની અપેક્ષા રાખી શકીએ ખરા?
સ્મિતાએ પાછળથી પત્રકારોની સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે જ્યારે હીરોેને તેના શરીર ઉપર ઝળુંબવાનું કહેવામાં આવ્યું ત્યારે હું સાવ લાકડાની જેમ પડી રહી હતી.
જીતેન્દ્રની પોતાની ફિલ્મ હમજૌલીમાં હીરોઈન લીના ચંદાવરકર સાથે તેણે વરસતા વરસાદમાં ગાડાની નીચે છુપાઈને હાયે રે હાયે ગીત ફિલ્માવાયું હતું. ખૂણામાં કરચલાની જોડીને સંવનન કરતા દર્શાવીને તેણે બાકીની વાતને સૂચિત કરી દીધી હતી.
સવાલ એ ઊભો થાય છે કે બોલીવૂડના દિગ્દર્શકો વર્ષાઋતુ જેવી સોહામણી મોસમને આવા કામાતુર અને અસંસ્કારી માહોલ દ્વારા શા માટે રજૂ કરે છે? શું તેમને એવો ખ્યાલ છે કે ભારતીય દર્શકો સેક્સ ભૂખ્યા અતૃપ્ત પ્રાણીઓ છે? શુ ંથિએટરમાં તેઓ પોતાની અધૂરી કામનાઓ સંતોષવા આવે છે? જો દર્શક આવો હલકો હોત તો દિલીપની દેવદાસ હીટ થઈ હોત. પાકીઝા, બંદીની, મુગલે-એ-આઝમ હીટ થયાં ન હોત. દિગ્દર્શકોની અધૂરપ આ માટે જવાબદાર છે. પહેલી હરોળમાં બેસનારા વર્ગ વિષે આ લોકો વધુ ચિંતાતૂર જણાય છે. પરંતુ થર્ડ ક્લાસમાં જ સાચા ફર્સ્ટ ક્લાક માનવો જોવા મળે છે.
વરસાદમાં ફિલ્માવાયેલા બધાં જ દ્રશ્યો જુગુપ્સાપ્રેરક હોતા નથી. મિસ્ટર ઈન્ડિયા શ્રીદેવી વરસતા વરસાદમાં એક અદ્રશ્ય માનવી સાથે કામાતુર પ્રેમનું પ્રદર્શન કરે છે, પરંતુ તેની અંદર કલાત્મક ઋજુતા અને હૈયાને પ્રસન્ન કરે તેવી કમનીયતા છે. આને અંગ્રેજીમાં કહેવાય ઈસ્થેટિક બ્યુટી. ઊંચા પ્રકારની સૌંદર્ય ભાવના કેળવી શકાય છે. અને ઊંચી કેળવાયેલી વૃત્તિ બિભત્સને પણ કલાત્મક રંગે રંગી શકે છે. હકીકતમાં બિભત્સ કુદરતમાં કશું છે નહીં. એ માત્ર માણસના મનની પેદાશ છે. જ્યારે મન રૂપાળું બને છે. પછી બિભત્સમાંથી જ પરમ સુંદરતા નીપજે છે. કાદવમાંથી જ કમળ ખીલે છે. છીપમાંથી જ મોતી મળે છે. સેક્સને જે બિભત્સ ગણે છે. તે માનવીના પ્રાદુર્ભાવની પવિત્ર પ્રક્રિયાનું હાડોહાડ અપમાન કરે છે.
લક્ષ્મી પ્યારેના સંગીતમાં કેવું રમણીય ગીત કંડારાયું જ છે?
કાટે નહિ કટતે, યે દિન યે રાત....
શેખર કપૂરના સૂઝબૂઝવાળાં દિગ્દર્શન હેઠળ કિશોરના મધુર અવાજમાં રજૂ થયેલું આ ગીત એક સુંદર મિસાલ બની રહેશે. પણ શેખરને બોલીવૂડ કરતા હોલીવૂડનું વધુ ખેંચાણ થયું અને આપણે એક હોેનહાર દિગ્દર્શક ખોઈ બેઠા.
વર્ષાઋતુને તેની પૂરેપૂરી નજાકત સાથે ઝીલનારા જૂજ ઉત્તમ દિગ્દર્શકો પણ છે. આવા ગીતો સાથે અત્યંત મધૂર સૂરો ભળે તો આખું વાતાવરણ જાણે તરબતર થઈ જાય છે અને તેમાં શાયરની શબ્દાવલી ભરી ભરી માદકતા ઉત્પન્ન કરે છે.
ગાઈડ ફિલ્મમાં આ શબ્દોથી વર્ષાની ઉન્મુક્તા રજૂ થઈ છે. પણ તે માત્ર લોેંગ પ્લે રેકોર્ડ સિવાય ક્યાંય સાંભળવા મળશે નહિ.
ઐસી હી રીમઝીમ,
ઐસી ફુહારેં,
ઐસીહી થી બરસાત,
ખુદ સે જુદા,
ઔર જગ સે પરાયે
હમ દોનો થે સાથ.
ઐસી હી સાવન
ફીર ક્યોં ન આયે
દિન ઢલ જાયેં.
હાયે રાત ન જાયે
તૂ તો ન આયે
તેરી યાદ સતાયેં
દિગ્દર્શક હતો વિજય આનંદ. આજ દિગ્દર્શકે નાના ભાઈ દેવ અન વહિદાને કાલાબાઝારમાં ગવડાવ્યું હતું.
'રિમઝિમ કે તરાને લેકે આઈ બરસાત' આજે પણ વર્ષા ઋતુમાં આ ગીત રેડિયેો ઉપર અચૂક સાંભળવા મળે છે. વર્ષાની સાથે અતીતના આક્રંદ અને ઊના ઊના નિસાસા જોડાયેલા છે. વર્ષા પ્રકૃતિના આંસુ જ છે. પ્રેમીને વિરહ વ્યથા કેવી અકળાવે છે.
મજરૂહ લખે છે યાદ આયે કીસી સે વોહ પહેલી મુલાકાત. (ફિલ્મ કાલાબાઝાર). વર્ષમાં એકવાર આવતી આ ઋતુમાં બંને સાથે હતા, અને કેવા તરબતર તરબોળ થઈને નાહ્યા હતા? અને પછી એવા તે અળગા પડયા કે બારે માસ માસ યુગ થઈ પડયા કે પછી પ્રેમના એ સંભારણા હૃદયના ખાનગી ખૂણે કસકતા રહ્યા અને દેહના સોદા કોઈ નિષ્ઠુર, હૃદયહીન વેપારીની સાથે થયા. અમે તોે અંદરથી રહ્યા તમારા, અને દેહને વેચ્યા કોડીને દામ.
વર્ષાના રંગરૂપ પણ પળે પળે બદલાય. ક્યારેક માત્ર અમીછાંટણા કરે તો ક્યારેક સાંબેલાધાર તૂટી પડે, ક્યારેક વાઝડીમાં બદલાય તો ક્યારેક ગર્જનાઓ અને વીજળીના કડાકા ભડાકા સાથે તાંડવ કરે. ક્યારેક ઘૂંઘટમાં છૂપાયેલી નવોઢા બની જાય તો ક્યારેક ધીરગંભીર પ્રૌઢ પત્ની જેવી સાલસ બની જાય છે.
વયની વૃદ્ધિ સાથે ઉમંગોની ભરતીમાં ઓટ આવે છે. જે આનંદની છોળો ઊછળતી હતી તે હવે શાંત નીરમાં પલટાઈ જાય છે. હવે પહેલાં જેવી ઉન્માદક શક્તિનાધોધ ક્યાં ઉછળે છે? હવે બધું ઠરીઠામ થઈ ગયું છે. વયની સાથે વયના વમળોના આકારો બદલાય છે. વર્ષા યુવાનોની અનોખી તો વયસ્કોની નોખી કાગળની કશ્તી અને વરસાદી પાણી વહી ગયા પછી માત્ર સંભારણા જ બની રહે. એ ફરી કદી પાછા વળે નહિ.
છતાં સ્મૃતિમાં સંગ્રહાયેલા સોનેરી સોેણલા તો જીવીએ ત્યાં સુધી કેડોેેના છોડે. દર વરસે મેહુલો ગાજે અને મોરલો ટહુકે ત્યાં રૂદીયામાં રૂમઝુમ કરતી વર્ષારાણી મહાલવા હાલી નીકળે.
હેમા માલિની અભિનેત્રી ફિલ્મમાં ગાય છે
ઓ ઘટા સાંવરી
થોડી થોેડી બનવારી,
હો ગઈ હય બરસાત ક્યાં?
વરસાદની નજાકતને રૂપેરી પડદે રજૂ કરનારા દિગ્દર્શકોમાં વિજય આનંદ પછી મણિરત્નમને યાદ કરવા જ પડે. રત્નાગીરીના સમુદ્ર તટ પર તેણે ફિલ્માવ્યું કહેના હી ક્યાં? (ફિલ્મ બોમ્બે) : મનિષા કોઈરાલાને મરાઠાઓના કિલ્લામાં જે રીતે પલળતી બતાવી છે તે અદ્ભૂત છે. કદાચ આવી અદ્ભૂત જાતીય ઉન્મુકતતા પ્રથમવાર કોઈ દિગ્દર્શકે પડદા ઉપર દર્શાવી છે.
અગાઉના દિગ્દર્શકોમાં બીમલ રોયએ દો બીઘા જમીનમાં એક વર્ષા ગીત રજૂ કર્યું હતું. આયો રે આયો રે, સાવન આયો રે. એવી જ રીતે મધર ઈન્ડિયામાં મહેબૂબખાને રજૂ કર્યું હતું. એક અદ્ભૂત શાબ્દિક ચિત્ર ઉમડઘૂમડ કર આઈ રે ઘડા - આદિત્ય ચોપ્રાની નવી ફિલ્મ દિલ તો પાગલ હૈમાં શબ્દમાધુર્ય ઘટયું છે અને સંગીતનો શોર વધ્યો છે. નિર્દોષતાનું સ્થાન જાતીય આવેગે લઈ લીધું છે. વિધુ વિનોદ ચોપરાની ૧૯૪૨- અ - લવ સ્ટોરીમાં રાહુલ દેવ બર્મનના સંગીત અને જાવેદ અખ્તરની શાયરીએ કમાલ કરી નાખી છે.
રીમઝીમ રીમ ઝીમ,
રૂમઝુમ રૂમઝુમ
ભીગી ભીગી રાતમેં
તૂમ હમ, હમ તૂમ ચલતેં હય,
બજતા હૈ જલતરંગ
ટીન કે છત પે જબ,
મોતીયોં જૈસા બૂંદ બરસે
રાહે ધૂંઆ ધૂંઆ,
જાયેંગે હમ કહાં?
સોચ કે મને યે તરસે-
પૂર્વ ભારતમાં જે લોકો રહ્યા, અને ટીનના છાપરા નીચે રાતો વિતાવી હશે તેમને જાવેદની શાયરીની ખૂબી સમજાશે. ટીનના પતરા ઉપર પડતો વરસાદ એક અદ્ભૂત પ્રકારની સુરાવલી છેડે છે જે મનમાં અનેક ભાવોને જાગૃત કરે છે. જાણે કુદરત જલતરંગ વગાડી રહી ન હોય તેવો ભાસ થાય છે.
આજે સેક્સી વાતાવરણનો જમાનો ચાલે છે. વર્ષાનો ઉપયોગ વધુમાં વધુ જાતીય આવેગ પ્રદર્શિત કરવા માટે થવા લાગ્યો છે, પરંતુ ૧૯૬૦ અને ૧૯૭૦ ના દશકમાં હિરોનો એવો ખાસ આગ્રહ રહેતો હતો કે એક વરસાદમાં રજૂ થતું ગીત તો હોવું જ જોઈએ. આર.ડી. બર્મન અને લક્ષ્મીકાંત પ્યારેલાલ જહેમતપૂર્વક આવા ગીતોની રચના કરતા હતા. આર.ડી. નું કભી કભી ઐસા ભી .... જીતેન્દ્ર હેમા માલિનીની ફિલ્મ વારીસનું વર્ષા ગીત તથા રાજેન્દ્રકુમાર અને બબીતા ઉપર ફિલ્માવેલું ગીત રીમઝીમ કે ગીત સાવન ગાયે (અંજાના) આજે પણ લોકોને ગમે છે.
આજે વિવિધ ભારતી અને ગોલ્ડન ઓલ્ડીઝમાં જૂની ફિલ્મોના ગીતો સાંભળવા મળે છે. ધર્મેન્દ્ર અને આશા પારેખ ઉપર ફિલ્માવાયેલું આયા સાવન ઝૂમકે ગીત હીટ ગયું હતું. ગોદાન ફિલ્મમાં પ્રથમવાર પંડિત રવિશંકરે સંગીત આપ્યું ત્યારે તેમાં એક ભોજપુરી ભાષામાં ગીત રજૂ કર્યું હતું.
પૂર્વા કી ઝોકવાને
લાયો રે સંદેશવા
કે ચાલ આજ દેશવાકી ઔર.
એવી જ રીતે પ્રેમચંદજીની અજય નવલ ઉપર આધારિત ફિલ્મમાં શંકર જયકિશનને એક યાદગાર કૃતિ રજૂ કરી હતી. એવી જ રીતે ગોદાનમાં પણ એક વર્ષાગીત છે.
તૂમ બીન સાજન
બરસે નયન
જબ જબ બાદલ બરસે
કાલાપાનીમાં એસ.ડી. બર્મને એક અદ્ભૂત ગીત રજૂ કર્યું. કાલી ઘટા છાયે, બંદિનીમાં એક ગીત છે - અબકે બરસ ભેજ ભૈયા કો બાબુલ (બંને આશા ભોંસલેએ ગાયા છે) કનુ રોયની બહેન ગીતા દત્તે અનુભવ ફિલ્મમાં ગાયું હતું. કોઈ ચૂપ હી સંઈયા કે જે ગીતાના જીવનનો અંતિમ તબક્કો હતો. બીનફિલ્મી સંગીતમાં પણ વર્ષા ગીતો રજૂ થયેલાં છે.
વર્ષા ગીતોમાં મોહમ્મદ રફીનું ગીત કદી ભુલાય તેવું નથી- તેમાં નિરાશાના વાદળો ઘેરાયાં છે.
સાવન કે મહિને મેં
ઈક આગ સી સીને મેં લગી હય
તો પી લેતા હું,
દોર ચાર ઘડી જી લેતા હું
પરંતુ મોટાભાગે વર્ષા ગીતો આનંદ અને મસ્તીનો માહોલ રજૂ કરે છે.
જીવનનો આયનો કવિતા અને ગદ્ય સાહિત્ય ગણાય છે, પરંતુ તેમાં ગીત-સંગીતને અવકાશ નથી. નાટકો કોઈ નિશ્ચિત સ્થાન સાથે જોડાયેલાં છે. જ્યારે ફિલ્મોનો પ્રસાર વ્યાપક છે. આથી જીવનનો ધબકાર ફિલ્મોનો વધુ અસરકારક રીતે રજૂ થાય છે. વર્ષાઋતુ માનવીના જીવનમાં અત્યંત ઘનિષ્ઠ રીતે સંકલાયેલી છે. આથી ફિલ્મ જગતમાં તેનું મહત્ત્વ ક્યારેય ઘટવાનું નથી.
- નયના








