- દયારામની ઘણી ગરબીઓમાં ગોપી અને ઉધ્ધવ, ગોપી અને કૃષ્ણ તથા ગોપી અને વાંસલડી વચ્ચેના સંવાદો પણ નાટયાત્મક શૈલીેએ રજૂ થાય છે.
આપણો 'ગરબી કવિ' દયારામ એ આપણો મધ્યકાલીન સાહિત્યનો અંતિમ, તેજસ્વી પ્રતિનિધિ સર્જક છે. બાળપણથી જ કૃષ્ણભક્ત એવા દયારામનો જન્મ ઈ.સ. ૧૭૭૭માં નર્મદા કિનારે ચાણોદ ગામના સાઠોદરા નાગર કુળમાં થયો હતો. શુધ્ધાદ્વૈતનો પંડિત અને ભગવદ્ ભક્ત દયારામ શ્રીકૃષ્ણનો સમર્પણી ભક્ત હતો અને એટલે જ એણે આજીવન મીરાંની જેમ શ્રીકૃષ્ણને જ પોતાનો પ્રિયતમ માનીને દાસીભાવથી તેની ભક્તિ કરી હતી. એણે 'બ્રાહ્મણ-ભક્ત વિવાદ', 'રૂકમણીસીમંત', 'સત્યભામા વિવાદ', 'અજામિલ આખ્યાન', 'શ્રીહરિ ભક્તિ ચંદ્રિકા', 'ગરૂડ-હનુમાન સંવાદ', 'શ્રીકૃષ્ણનામમાહાત્મ્યમંજરી' તથા 'શ્રીકૃષ્ણસ્તવન ચંદ્રિકા' જેવી અનેક રચનાઓ રચી છે. પરન્તુ એની મોટાભાગની રચનાઓમાં દયારામે પુષ્ટિસંપ્રદાયનો વેદાંતમત, શુધ્ધાદ્વૈત કે જેને આપણે બ્રહ્મવાદ પણ કહી છીએ તેનું તથા એ સંપ્રદાયના ભક્તિ સિધ્ધાંતનું નિરૂપણ કર્યું છે.
જો કે, દયારામ રચિત કૃષ્ણકીર્તનાત્મક સાહિત્યમાં કાવ્યદ્રષ્ટિએ સૌથી આકર્ષક એની ગરબીઓ છે. એમાં દયારામની પ્રતિભા એક ઊર્મિકવિ રૂપે વિશેષ દીપી ઉઠે છે. ઠેર ઠેર શ્રીકૃષ્ણલીલાવિષયક અદ્ભૂત વર્ણનોથી શોભતી 'સારાવલિ', 'બાળલીલા', 'પત્રલીલા', 'કમળલીલા', 'રાસલીલા', 'રૂપલીલા', 'મુરલીલીલા' અને 'દાણચાતુરી' જેવી એની કૃતિઓમાં દયારામ વિશેષ ખીલે છે. આ ગરબીઓનો મુખ્ય વિષય પણ રાધા અને ગોપીઓની ઉત્કટ શ્રીકૃષ્ણભક્તિ અને શ્રીકૃષ્ણની એમની સાથેની લીલા છે. એમાં દયારામે ભાગવતનું સમગ્ર વ્રજ ઊભું કરી દીધું છે. દયારામે સ્વયં જ ગોપીઓ સાથે તાદાત્મ્યભાવ અનુભવી પોતે જ એવી કૃષ્ણઘેલી વ્રજાંગના બનીને એની કૃષ્ણરતિ વિવિધ ભાવોથી મન ભરીને ગાઈ છે. એનું અંગે અંગ અનન્ય સૌંદર્યથી સભર છે, એવા શ્રીકૃષ્ણની મોહકતાથી આકર્ષાયેલી ગોપી પોતાના મનોભાવોને આ રીતે પ્રગટ કરે છે જેમ કે,
- તારૂં હસવું જાણે વરસે મીઠડાં ફૂલ
- શોભા સલુણા સ્યામની તું જો ને સખી શોભા સલુણા શ્યામની
- કિયે ઠામ મોહિની ન જાણી રે મોહનજીમાં
- કામણ દીસે છે અલબેલા તારી આંખમાં
આવા ગરબી પદોમાં કૃષ્ણનાં સૌંદર્યનું અદ્ભૂત વર્ણન થયું છે. તો કેટલીક ગરબીઓમાં તો સૂરજ ઉગવાની સાથે જ કૃષ્ણના મુખારવિંદના દર્શન ઈચ્છતી ગોપીઓ તેને મળવા કેટલી બધી ઉત્સુક છે, અને તેમની કૃષ્ણમિલનની ઝંખનાને રસોત્કટ વાણીમાં પ્રગટ થાય છે, જેમ કે -
- સામું જો નંદના છોગાળા, મારૂં ચિત્તડું ચોરણવાળા
- ઘેલી મુને કીધી શ્રીનંદજીના નંદે,
- ઊભા રહો તો કહું વાતડી બિહારીલાલ,
- ઓરો આવને સલૂણા હરિ શામળા જો
- મારૂં મન મોહ્યું વાંસલડીને શબ્દે કાનડ કાળા
- કાનુડો કામણગારો રે, સાહેલી કાનુડો કામણગારો
શ્રીકૃષ્ણના મોહક સૌંદર્યથી આકર્ષાયેલી કુંવારી કન્યા સમ ગોપી હવે કૃષ્ણનો વિરહ સહી ન શકતાં તે બધી જ સામાજીક કે સ્ત્રીસહજ લજ્જા ત્યાગીને પોતાની માતા સમક્ષ પોતાનું મન રજૂ કરતાં કહે છે કે,
- નંદનો કુંવર પરણાવ રે હો માડી મુને નંદનો કુંવર
- માડી નંદનો કુંવર મારી કેડે પડયો છે
દયારામની ઘણી ગરબીઓમાં ગોપી અને ઉધ્ધવ, ગોપી અને કૃષ્ણ તથા ગોપી અને વાંસલડી વચ્ચેના સંવાદો પણ નાટયાત્મક શૈલીેએ રજૂ થાય છે. એમની ઘણી ગરબીઓ નાટયાત્મક કે પાત્રલક્ષી ઊર્મિકાવ્યો બને છે, જેથી તેની ગરબીની દરેક પંક્તિઓ ગોપીહૃદયની સચોટતા અને નિર્મળતા પ્રગટ કરે છે. સતત કૃષ્ણની કેડે બંધાયેલી કે મુખ ઉપર બિરાજમાન વાંસળીને જોઈને ગોપી સહજ રીતે ઇર્ષ્યાભાવ અનુભવીને વાંસળી ઉપર આરોપ મૂકે છે કે -
- પીજો અધરામૃત પિયુતણું તું વાંસલડી
- માનીતી તું છે મોહન તણી હો વાંસલડી
- અમારે શોક્ય સરખી તું સાલ રે હો વાંસલડી
તો સામે વાંસલડી પણ કૃષ્ણએ પોતાને આપેલા આ સન્માન બદલ એના આરોપનો જવાબ આપે છે કે,
મારે અંગે વાઢ વઢાવિયાં, વળી એ સંઘાડે ચડાવિયાં
તે ઉપર છેદ પડાવિયાં ઓ વ્રજનારી રે
ત્યારે હરિએ હાથ કરી લીધી, સૌ કો માં શિરોમણિ કીધી.
આમ આ ગરબીઓમાં જેમ કૃષ્ણ-ગોપીનો પ્રણયાનુરાગ સોળે કળાએ ખીલ્યો છે તો ક્યાંક કૃષ્ણની પ્રિય આ ગોપીનો કૃષ્ણ પ્રત્યેનો રિસામણાંનો ભાવ પણ સુંદર રીતે પ્રગટ થયો છે જેમ કે,
- હાવાં હું સખી નહિ બોલું રે નંદકુંવરની સંગે,
- શ્યામ રંગ સમીપે ના જાવું મારે આજ સખી
- કાનકુંવર કાળા છો અડતાં હું કાળી થઈ જાઉં.
આમ, આ ગરબીઓમાં વિલાસી કલ્પનાથી રાધા-કૃષ્ણ અને ગોપીઓના શૃંગારને લગતી વિવિધ પરિસ્થિતિઓને સર્જીને દયારામે પોતાના પ્રિયતમની લીલા અને કૃષ્ણમય વ્રજાંગનાઓના વિવિધ મનોભાવોને મન ભરીને ગાયાં છે. નાનાં કદમાં સઘનતાથી રજૂ થતી કૃષ્ણમય ગોપીઓના હૈયાની સુકુમાર અને રસભર ભાવોર્મિઓ છે. ટૂંકમાં દયારામની આ ગરબીઓમાં એની કવિતા, રસિકતા, ચિત્ર નિર્માણ કૌશલ્ય તથા શબ્દપ્રભુત્વની વાસ્તવમાં પ્રતીતિ થાય છે અને એટલે જ દયારામ આપણી મધ્યકાલીન વૈષ્ણવ ભક્તિ કવિતાનું ઉચ્ચ શિખર ગણાયો છે.
- ઋષિકેશ રાવલ


