Magazines

સહુના ગુણોનું ગાન : સજ્જનનું બીજું લક્ષણ

By GS TEAM
28 Jan 20263 mins read
સહુના ગુણોનું ગાન : સજ્જનનું બીજું લક્ષણ

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ

માર્ગ ઉપરથી વાહન હંકારતી વેળાએ વાહનચાલકે ત્રણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ : (૧) માર્ગ જો ઉબડખાબડ હોય, ટ્રાફિકવાળો હોય, ઢાળવાળો હોય, જોખમી હોય તો બ્રેક સતત દબાવીને રાખવી જોઈએ. (૨) માર્ગ જો મધ્યમ ટ્રાફિકવાળો અને સરળ હોય ત્યારે બ્રેક પર હાથ યા પગ રાખવો જોઈએ - જરૂર પડે બ્રેક મારવી જોઈએ અને (૩) માર્ગ જો ટ્રાફિક વિનાનો તેમજ ખાડા-ટેકરા વિનાનો સરસ હોય ત્યારે વાહનને બ્રેક લગાવ્યા વિના મુક્તમનથી ચલાવવું જોઈએ. જેવી રીતે વાહન હંકારતી વેળાએ આ ત્રણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એવી જ રીે વાણીનો ઉપયોગ કરતી વેળાએ પણ ત્રણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ : (૧) ક્રોધ આવી જાય - કર્કશભાષાનો પ્રયોગ થાય એવી સંભાવના હોય ત્યારે વાણી ઉપર બ્રેક લગાવવી જોઈએ. (૨) સામાન્ય વાર્તાલાપનો પ્રસંગ હોય ત્યારે જરૂર પડે વાણીને વહેવા દેવી અને જરૂર પડે વિવેકપૂર્વક અટકાવી દેવી જોઈએ તેમજ (૩) અન્યોના ગુણકીર્તનનો અવસર હોય-પ્રભુની ભક્તિનો પ્રસંગ હોય-શાસ્ત્રાભ્યાસનું કારણ હોય ત્યારે વાણીને બેરોકટોક-અવરોધ વિના વહાવી દેવી જોઈએ. 'સિંદુરપ્રકર' ગ્રન્થનાં માધ્યમે આપણે ગતલેખથી સજ્જનોનાં આઠ લક્ષણોની જે વિચારણા આરંભી છે, તેમાં બીજા લક્ષણનું કનેક્શન થાય છે વાણી સંબંધિત પૂર્વોક્ત ત્રીજી બાબત સાથે. સજ્જનોનું બીજું લક્ષણ દર્શાવતા ત્યાં ગ્રન્થમાં શબ્દો લખાયા છે 'પરગુણંવક્ત્યલ્પમપ્યન્વહમ્' મતલબ કે બીજાના થોડા પણ ગુણોને રોજ યાદ કરીને બોલે એ છે સજ્જન.

અન્યોના ગુણોને રોજ બોલવાથી પાંચ લાભો થાય છે : (૧) રોજ ગુણો બોલવાનાં કારણે વ્યક્તિ ગુણોની પ્રેમી બની જાય છે. તેના હૈયામાં ગુણાનુરાગ પ્રગટે છે. (૨) ગુણો બોલવાથી વ્યક્તિ સ્વયં ગુણસંપન્ન બને છે. (૩) જે બીજાના ગુણો બોલે-હંમેશા સારું બોલે તેને સહુ કોઈ પસંદ કરે છે એટલે કે લોકપ્રિયતા વધે છે. (૪) અન્યોના સદ્ગુણ બોલવાથી સામેની વ્યક્તિમાં તે ગુણ પ્રત્યેની દ્રઢતા વધે છે અને (૫) નજર ગુણલક્ષી બની જવાથી સર્વત્ર ગુણોનાં દર્શન થાય છે. અન્યોના ગુણો બોલવાથી આ પાંચ મહાન લાભોમાંથી આપણે માત્ર પાંચમા લાભના અનુસંધાનમાં યાદ કરીએ અહીં એક નાનકડી પ્રેરણાસ્પદ ઘટના :

મહાભારતના બે પ્રસિદ્ધ પાત્રો (૧) દુર્યોધન અને (૨) યુધિષ્ઠિર. એક વાર દુર્યોધનને રાજસભામાં બોલાવીને કહેવામાં આવ્યું કે 'નગરમાંથી કો'ક ગુણવાન વ્યક્તિને શોધીને લઈ આવો'. થોડીવાર પછી ખાલી હાથે પરત ફરીને દુર્યોધને જણાવ્યું : 'નગરમાં કોઈ ગુણવાન-સારી વ્યક્તિ છે જ નહિં. દરેક વ્યક્તિમાં વિવિધ દોષો જ દેખાય છે, તેથી ખાલી હાથે આવ્યો.' એ પછી યુધિષ્ઠિરને બોલાવી કહેવાયું કે 'નગરમાંથી કોઈક દુષ્ટ વ્યક્તિને શોધીને લઈ આવો.' થોડા સમય પછી ખાલી હાથે પરત ફરીને યુધિષ્ઠિરે કહ્યું : 'નગરમાં કોઈ દુષ્ટ વ્યક્તિ છે જ નહિ. દરેક વ્યક્તિમાં અનેક સદ્ગુણો જ દેખાય છે, તેથી ખાલી હાથે પરત ફર્યો.' નગર એકનું એક છે, લોકો એકના એક છે. છતાંય દુર્યોધનને દરેકમાં દુર્જનના દર્શન થયા અને યુધિષ્ઠિરને સહુમાં ગુણીજનના દર્શન થયા. કહેવાની જરૂર ખરી ? કે યુધિષ્ઠિરના આ ઉત્તરમાં 'સર્વત્ર ગુણોનાં જ દર્શન'નો મસ્ત સ્વભાવ ઝલકી રહ્યો છે. આવો, પરગુણ બોલવાના એક નહિ, બલ્કે પાંચ લાભો જીવનસાત્ કરવાનો સંકલ્પ આપણે પણ કરીએ. છેલ્લે યાદ રાખીએ આ જીવન ઉપયોગી વાત કે 'દોષો બોલવાથી દોષો વધશે... ગુણો બોલવાથી ગુણો વધશે.'