Magazines

પંચમહાભૂતમાં વાયુનું સ્થાન .

By GS TEAM
10 Sep 20252 mins read
પંચમહાભૂતમાં વાયુનું સ્થાન                     .

સંસ્કૃતમાં એક ઉક્તિ છે : ક્ષિતિ, જલ, અગ્નિ, ગગન, સમીરા અર્થાત્ જમીન (પૃથ્વી), પાણી, અગ્નિ, આકાશ અને પવન (વાયુ) એ પંચમહાભૂત મનાય છે. આ પંચમહાભૂતમાં વાયુનું સ્થાન પણ મહત્વનું છે. વાયુ અર્થાત્ પ્રાણવાયુ વિના જીવનું જીવન શક્ય નથી. આપણે ત્યાં વડ, પીપળો અને વનસ્પતિ કે વૃક્ષો પ્રાણવાયુ આપે છે. રામભક્ત શ્રી હનુમાનજીને પવનસુત કહેવામાં આવે છે.

વાયુના ગુણધર્મો વિશે વિચારીએ તો વાયુ શીતળ (ઠંડો) કે ગરમ (ઉષ્ણ) હોઈ શકે છે. વાયુ મંદ (ધીમો) કે ઝડપી પણ હોય છે. વાયુથી અગ્નિની જ્વાળાઓ વધુ ઝડપથી ફેલાય છે. આપણે કોઈ સમાચાર ઝડપથી બન્યા છે તેવું સાંભળીએ છીએ ત્યારે વાયુ વેગે શબ્દ વાપરીએ છીએ.

ભક્ત કવિ નરસિંહ મહેતાએ પણ ગાયું હતું : પવન શું, પાણી શું, ભૂમિ શું, ભુધરા.. આપણે ત્યાં વાત, પિત્ત અને કફ એ ત્રિદોષ મનાય છે તેમાં વાતનો અર્થ વાયુ થાય છે. શરીરમાં વાયુ પ્રકોપ થાય તો નુકશાન કે દુ:ખાવો થાય છે.

વાયુ દેખાતો નથી, સ્પર્શી શકાય છે કે અનુભવી શકાય છે. વાવાઝોડું આવે ત્યારે વંટોળ ફુંકાય છે, ધુળની ડમરીયો ઉડે છે. આમ ઝડપી પવન નુકશાનકારક પણ સાબિત થઇ શકે છે, વાયુ વરસાદને ખેંચી લાવે છે કે ઉડાડી પણ મુકે છે. શરીરમાં વા (વાયુ) ને કારણે દુ:ખાવો થઇ શકે છે. વા (વાયુ) વાહક પણ છે તે સુગંધ કે દુર્ગંધને ફેલાવે છે. એક લોકગીતમાં પણ કહ્યું છે - 'વા વાયા ને વાદળ ઉમટયાં...' વાયુનું એક અલગ શાસ્ત્ર અને વિજ્ઞાાન પણ છે. બિહારની નાલંદા યુનિવર્સિટીમાં ઘણાં વર્ષો પૂર્વે વાયુશાસ્ત્રનું જ્ઞાાન આપવામાં આવતું હતું. વાયુ શબ્દના પર્યાય: વાયુ, પવન, સમીર, અનલ, વીંઝણો, વાત તથા વા વિ. છે. પંચમહાભૂતમાં વાયુનું સ્થાન મહત્વનું છે તે ભૂલવા જેવું નથી. વાયુની અલગારી દુનિયાને સલામ !

- ભરત અંજારિયા