Magazines

સત્ય માર્ગ ધર્મનો માર્ગ .

By GS TEAM
10 Jun 20262 mins read
સત્ય માર્ગ ધર્મનો માર્ગ                                              .

ભારતીય સંસ્કૃતિમાં સત્યનું અનેરૂ સ્થાન છે. વર્ષૌથી સત્યનો હરહંમેશ આગવો મહિમા રહ્યો છે. વાસ્તવમાં સત્યનો માર્ગ કંટકનો માર્ગ છે - કઠિન માર્ગ છે જેનો અંતિમ પડાવ કે પરિણામ વિજયી, સાર્થક, સુખદ અને શુભદાયી બની રહે છે. વળી-સત્યનો માર્ગ કે સત્ય આચરણ એ ધર્મમાર્ગનો જ ભાગ છે માટે જ ધર્મમાં સત્ય સર્વોચ્ચ સ્થાને રહ્યું છે. અન્ય રજૂ કરીએ તો - ''જ્યાં સત્ય છે - સત્ય પરાયણતા છે ત્યાં માનવમન શુધ્ધ છે - સાફ સુથરું જોવા મળે અશુધ્ધિને અહીં સ્થાન નથી.''

ભારતભૂમિમાં હિંદુધર્મનાં ચાર વેદો - ઋગ્વેદ, યર્જુવેદ, સામવેદ અને અથર્વવેદ આધ્યાત્મ જગતનાં મૂલ્યવાન -બહુમૂલ્ય વેદો રહ્યાં છે જે પૈકી અથર્વવેદમાં માનવીની જીવનશૈલી વાણી, વ્યવહાર, શિક્ષા-વિદ્યા-જ્ઞાાન સંસ્કાર સંદર્ભે ધર્મચર્ચાનું મનોહર નિરૂપણ છે. આ વેદ આત્મા-પરમાત્મા-ધર્મભાવ-સત્યપ્રીતિ-સમભાવની વિચારધારા રજૂ કરે છે. જો માનવી અથર્વવેદનાં મંત્રો-ઋચાઓનું સંપૂર્ણ આચરણ કે પાલન કરે તો સત્ય આધારિત સ્વસ્થ, સ્વચ્છ અને આદર્શ ઉર્જાવાન જીવનશૈલીનો મનોહર શિલ્પી બની રહે. આ વેદ પ્રમાણે સત્ય એ શિવ છે - સત્યનું જોડાણ શિવ સ્વરૂપે છે. વિશેષ લખું તો - શિવની સર્જન આ સૃષ્ટિમાં સર્વ વસ્તુ, સર્વ જીવો તેમજ મનુષ્ય પણ નાશવંત સ્વરૂપે છે. આ બાબત અહીં સત્યરૂપે સ્વીકૃતિપાત્ર બને છે. અથર્વવેદની મધુરવાણી લેખનસ્વરૂપે ગ્રંથમાં છે જે સત્ય સમજથી ભરપૂર છે જ્યાં અહમં, દંભ કે આડંબરને ક્યાંય સ્થાન નથી. મહાભારત સમયનાં, અધ્યાત્મ જગતને યાદ કરીએ તો યુધિષ્ઠિરનું વંદનીયપાત્ર સત્યઉપાસક તરીકે આજે પણ સન્માનને પાત્ર સત્યશ્રધ્ધા-આસ્થાનાં માર્ગને અનુસરણે જીવંત રહ્યું છે. આવો-આપણે સૌ રોજિંદા જીવનવ્યવહારમાં સત્યમાર્ગે-ધર્મનાં માર્ગે પવિત્ર જીવનશૈલી એ જીવન સફરનાં સાર્થક યાત્રી બનીએ! શુભમ્ ભવતું - સૌનું કલ્યાણ થાઓ!

સર્જનાત્મક ટિપ્પણ :

* સત્ય હરહંમેશ મનુષ્યને સ્વસ્થ અને સન્માનનીય બનાવે.

* સત્ય મનુષ્યને આધ્યાત્મ ઉન્નતિનો શાંતિમાર્ગ બતાવે.

* સત્યનાં માર્ગે મનુષ્યનાં હૈયે આનંદ - પ્રસન્નતાનો ઉદય થાય.

* હૃદયેન હિ સત્યમ્ જાનાતિ - હૃદય સત્ય જણાવે.

* સત્યમ્ પરમ ધિમેહિ :