સૃષ્ટિનાં સર્જનનો શુભારંભ દિન 'ગુડીપડવો'
પૂ.પાડુરંગ દાદા કહે છે, આ પવિત્ર ગુડી પડવાનો તહેવાર માનવીનાં મૃતમનને ચેતનવંતુ બનાવી, પોતાનાં શરીરમાં વિજ્યશક્તિનો સંચાર કરે, પોતાને મળેલી બુધ્ધિ સંપત્તિએ પ્રભુએ આપેલી પ્રસાદી છે. જેનો સૌના કલ્યાણ માટે ઉપયોગ કરીએ.
બ્રહ્મપુરાણમાં જણાવ્યા પ્રમાણે, 'ચૈત્ર માસિ જગદ્ બ્રહ્માસસર્જ પ્રથમડહનિ ।'
અર્થાત: ચૈત્ર માસનાં પ્રથમ જ દિવસે બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરેલી. આ પહેલો દિવસ 'ગુડીપડવા' નો કહેવાયો છે. ગુડી પડવો એટલે ચૈત્રીય નોરતાંનો પણ પ્રારંભ દિન ગણાય છે. કેટલીક જગ્યાએ નૂતન વર્ષનો પ્રારંભ ચૈત્ર સુદ એકમ પ્રતિપદાથી થાય છે અને તે નવા વર્ષનો પ્રથમ દિન હોવાથી તેનું વિશેષ મહત્વ છે.
'ગુડી પડવા'નો તહેવાર પ્રાચીનકાળથી પ્રચલિત છે અને વૈદાદિ શાસ્ત્રમાં પણ તેનો મહિમા ગાયો છે. પૌરાણિક કથા પ્રમાણે, ભગવાન વિષ્ણુજીએ ચૈત્રશુકલની પ્રતિપદાનાં દિવસે મત્સ્યરૂપમાં અવતાર ધારણ કર્યો હતો. સૃષ્ટિનાં નિર્માણના કાર્યનો પ્રારંભ આ દિવસે થયેલો અને સૃષ્ટિ સંરક્ષક પ્રભુએ સંસારનાં પરિત્રાણ માટે મત્સ્યરૂપમાં પ્રથમ અવતાર લીધો તેથી વૈશ્વિક ઇતિહાસની દ્રષ્ટિએ પણ આ દિનનું આગવું મહત્વ છે.
ગુડી પડવાના શુભદિનનાં પ્રભાતે જે વાર હોય એ વર્ષનો મુખ્યવાર ગણાય છે. જેનો ઉલ્લેખ 'સ્કંધ પુરાણમાં જોવા મળે છે,
'ચૈત્રે સિપ્રતિ પદિ વારો... કોદયે સ વર્ષેશ.'
ગુડી પડવાના દિને પ્રથમ બ્રહ્માજીનું પૂજન કરવાનું મહાત્મ્ય છે. તે સવારે સ્નાનાદિ બાદ વસ્ત્રાચ્છાદિત બાજઠ ઉપર અક્ષતોનું અષ્ટદલ બનાવી તેના પર યથાવિધિ કળશ સ્થાપના કરીને, ગણપતિજી સાથે બ્રહ્માજીનું ષોડશો પચારથી પૂજન કરીને, બધાય દેવી દેવતાઓને નમસ્કાર કરાય છે. પૂજન પછી પંચાગનું જે આજે ચૈત્રી પંચાંગ તરીકે પ્રચલિત છે તેનું શ્રવણ કરીને ગૃહ સ્થાને ધજા પતાકાથી શુશોભિત કર્યા બાદ ધજારોપણ કરવામાં આવે છે.
મહારાષ્ટ્રમાં ગુડી પડવાનાં ઉત્સવનું વિશેષ મહત્વ જોવા મળે છે. ગુડી-પડવાનાં પર્વની એક પૌરાણિક કથા છે. કહેવાય છે કે ભગવાન શ્રીરામે વાલીનાં ત્રાસમાંથી ત્યાંની પ્રજાને મુક્ત કરી હતી.
જેના લીધે દક્ષિણની ભૂમિને પાપ મુક્ત કરી પવિત્ર બનાવી. આ સમયે વાલીનાં ત્રાસમાંથી છૂટેલી પ્રજાએ ખૂબ જ આનંદવિભોર બનીને ઉત્સાહપૂર્વક ઘેર ઘેર ધ્વજાઓ એટલે કે ગૂડીઓ ઉભી કરી. સહુએ પોત પોતાના આગણામાં પોતાના ઘરોને શણગારીને ઘર દ્વાર પર વિજય સૂચન ધરાવતી ધજાઓ ગોઠવેલી ત્યારથી આ પવિત્રદિન તરીકે ઉજવાતો આવ્યો છે.
આ સિવાય પણ શક સંવતનાં પ્રારંભ માટે એક ઐતિહાસિક તથ્ય છૂપાયેલું છે. શકોએ દેશ પર હૂમલો કર્યો ત્યારે લોકો શસ્ત્ર વિના અસહાય હતા. તેમના માટે શકોનો સામનો કરવાનું મુશ્કેલ હતું. ત્યારે શાલિવાહન નામનાં વીર યોધ્ધાએ પ્રજામાં ચૈતન્ય પ્રગટાવ્યું. સૈન્યમાં પ્રાણ પૂર્યા. તેમનું પૌરુષ જાગૃત કરીને શકોનો પરાજ્ય કરાવ્યો. જેને કારણે આજે પણ શાલિવાહનનાં પરાક્રમ અને વીરત્વનાં સ્મરણમાં આપણે શાલિવાહન શક તરીકે નવા વર્ષની ઉજવણી કરીએ છીએ.
પૂ.પાડુરંગ દાદા કહે છે, આ પવિત્ર ગુડી પડવાનો તહેવાર માનવીનાં મૃતમનને ચેતનવંતુ બનાવી, પોતાનાં શરીરમાં વિજ્યશક્તિનો સંચાર કરે, પોતાને મળેલી બુધ્ધિ સંપત્તિએ પ્રભુએ આપેલી પ્રસાદી છે. જેનો સૌના કલ્યાણ માટે ઉપયોગ કરીએ. માનવીનાં અંતરમાં સમર્પણની ભાવના પ્રગટે, આસુરીવૃત્તિ સામે વિજ્ય પ્રાપ્ત કરીને જયરૂપી પતાકાની ગુડી લહેરાવે. એવી નૂતન વર્ષની શુભેચ્છાઓ.