Magazines

''મારનાર કરતાં બચાવનાર મોટો છે.'' ભગવાન બુદ્ધ

By GS TEAM
29 Apr 20263 mins read
''મારનાર કરતાં બચાવનાર મોટો છે.'' ભગવાન બુદ્ધ

- રાજકુમાર સિદ્ધાર્થ કરુણાના સાગર હતા. ઘાયલ હંસની વેદનાને પોતાની વેદના સમજીને તેની પાસે ગયા. હંસને પોતાના ખોળામાં લીધો. તેની પાંખ નીચેથી તીરને હળવેથી ખેંચી લીધું. લોહીની ધારા વહી રહી હતી. તે જોઈને રાજકુમારની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી

કોઈને મારવું કે મારી નાંખવું સહેલું છે. પરંતુ તે મરેલાને જીવીત કરી શકવાની ક્ષમતા ન હોય તો કોઈને મારવાનો આપણને અધિકાર નથી. તેથી મારનાર કરતાં બચાવનારને મોટો કહેવાય છે.

રાજકુમાર સિદ્ધાર્થ મહારાજા શુધ્ધોધનના લાડકા પુત્ર હતા. તેમને રમવા અને ફરવા માટે સુંદર ઉપવન તૈયાર કરાવ્યું હતું. રાજકુમાર સિદ્ધાર્થ એક વખત તે ઉધ્ધાનમાં ખુશનુમા સવારમાં ભ્રમણ કરી રહ્યા હતા. કુદરતે વેરેલા સૌંદર્યને માણી રહ્યા હતા. તેવામાં આકાશમાં ઊડતો હંસ નીચે પડયો. રાજકુમારે જોયું તે હંસના શરીરમાં તીર વાગ્યું હતું. તેથી તે હંસ નીચે પડીને તરફડી રહ્યો હતો.

રાજકુમાર સિદ્ધાર્થ તો કરુણાના સાગર હતા. આટલી નાની ઉમરમાં પણ તે ઘાયલ હંસની વેદનાને પોતાની વેદના સમજીને તેની પાસે ગયા. ઘાયલ હંસને પોતાના ખોળામાં લીધો. તેની પાંખ નીચેથી તીરને હળવેથી ખેંચી લીધું. લોહીની ધારા વહી રહી હતી. તે જોઈને રાજકુમારની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. તેમણે અનુયાયી પાસે મલમ મંગાવ્યું તે હંસને મલમ લગાવ્યું લાંબા સમય સુધી હંસને પ્રેમથી પંપાળતા રહ્યા. હંસને શાંતિ થઈ.

રાજકુમાર સિદ્ધાર્થનો પિતરાઈ ભાઈ દેવદત ત્યાં આવ્યો. ક્યાં છે મારો હંસ ? કહે તો, આમ તેમ નજર દોડાવતો હતો. મારા તીરથી ઘાયલ થયેલાં હંસ આટલામાં જ ક્યાંક પડયો છે. તેની નજર સિદ્ધાર્થના ખોળામાં ગઈ. હંસને તેની ગોદમાં જોઈને તે હંસ આપી દેવા કહ્યું.

રાજકુમાર સિદ્ધાર્થ કહે આ હંસ મારા શરણે આવ્યો છે. ક્ષત્રિય તરીકે શરણાગતની રક્ષા કરવાની મારી ફરજ છે. હું આ હંસ તમને આપીશ નહીં.

દેવદત કહે હું ક્ષત્રિય રાજકુમાર છું. આખરે રમવાનો, શિકાર કરવાનો મારો હક્ક છે. આ હંસને મારું તીર વાગ્યું છે તે મારો શિકાર છે માટે મને આપી દે. બન્ને વચ્ચે લાંબા સમય સુધી ચકચાર ચાલી. છેવટે દેવદતે કહ્યું : આપણે મહારાજા શુધ્ધોધન પાસે ન્યાય કરાવા જઈએ. બન્ને રાજકુમાર સંમત થયા.

મહારાજા શુધ્ધોદન દરબાર ભરીને બેઠા હતા. બન્ને રાજકુમારોએ ન્યાય માટે વિનંતી કરી.

રાજકુમાર સિદ્ધાર્થ કહે મહારાજ આ હંસને કોઈએ તીર માર્યું હતું તે આપણા ઉદ્યાનમાં પડયો તરફડતો હતો. મેં તેને શરણ આપ્યું છે.

રાજકુમાર દેવદત કહે મહારાજ મેં આ હંસને તીર માર્યું છે. આ હંસ મારો શિકાર છે માટે આ હંસ મને મળવો જોઈએ.

મહારાજાએ મંત્રીઓની સલાહ લીધી.

મંત્રીઓ કહે : આ હંસને મુક્ત રીતે ફરવા દો. બન્ને રાજકુમાર વારા ફરતી તેને બોલાવે. હંસ જેની પાસે જાય તેને હંસ સોંપી દેવો. બન્ને રાજકુમાર સંમત થયા દેવદતે હંસને ખૂબ જ મોટા અવાજે બોલાવ્યો. પરંતુ હંસ તેની પાસે ગયો નહીં.

પછી રાજકુમાર સિદ્ધાર્થનો વારો આવ્યો. રાજકુમારે બહુ જ પ્રેમથી હંસને બોલાવ્યો હંસ પાંખો ફફડાવતો રાજકુમાર સિદ્ધાર્થની ગોદમાં આવીને બેસી ગયો.

સભાએ ન્યાય આપતાં કહ્યું ''ખૂદ હંસ જ રાજકુમાર સિદ્ધાર્થ પાસે જવા તૈયાર થયો છે. તેને પ્રેમ અને કરુણા ભર્યો વ્યવહાર ગમ્યો છે. માટે આ હંસ રાજકુમાર સિદ્ધાર્થને સોંપવામાં આવે છે.'' મારનાર કરતાં બચાવનાર મોટો છે.

આ રાજકુમાર સિદ્ધાર્થ મોટા થઈને કરુણામૂર્તિ ભગવાન બુદ્ધના નામે ખ્યાતિ પામ્યા, બુધ્ધ ધર્મની સ્થાપના કરી. લાખો અનુયાયીઓને પ્રેમ અને કરુણાના પાઠ ભણાવ્યા.

- નાથાલાલ બ્રહ્મક્ષત્રિય