''ઈર્ષા'' કરનારનો, ''આ લોક'' અને ''પરલોક'' બંને બગડે છે

સંસારમાં ''ઈર્ષા'' સૌને પજવે છે. સામાન્ય માનવીથી માંડીને જ્ઞાની-યોગીઓને પણ નડે છે.
''ચાંગદેવ'' પોતે, પ્રાપ્ત કરેલી યોગસિદ્ધિના બળે ૧૪૦૦ વર્ષ જીવ્યા હતા એમ કહેવાય છે. તેઓ સિદ્ધિઓનાં અભિમાનમાં ફસાયેલા હતા. અન્યની કીર્તિ-પ્રતિષ્ઠા-નામના જોઈ તેમનામાં ''ઈર્ષા'' ભભૂકતી.
ચાંગદેવે ''જ્ઞાનેશ્વર''ની કીર્તિ-પ્રતિષ્ઠા ફેલાતી સાંભળી. તેમને થયું, ''અરે આ ૧૬ વર્ષનો છોકરો મારા કરતાં પણ શું આગળ વધી ગયો ?'' ચાંગદેવ 'જ્ઞાનેશ્વર' ઉપર ઈર્ષા કરવા લાગ્યા.
ન રહેવાયું એટલે ઈર્ષાથી ભર્યો પત્ર જ્ઞાનેશ્વરને લખવાનું વિચાર્યું - ચાંગદેવને થયું, અરે ! સંબોધન કેવી રીતે કરવું ? મારાથી નાનો છે...સિદ્ધિઓ વગરનો છે. તેને 'પૂજ્ય' તો કેમ લખાય? એટલે કંઈ પણ લખ્યા વગરનો 'કોરો' કાગળ જ્ઞાનેશ્વરને લખ્યો.
ચાંગદેવનો કોરો કાગળ જ્ઞાનેશ્વરને મળ્યો..તેઓ તો સાચા જ્ઞાની-તપસ્વી-યોગી સંત હતા તેથી કાગળમાંની ઇર્ષાની તેમના ઉપર કંઈ અસર ન થઈ. 'જ્ઞાનેશ્વર'નાં બહેન 'મુક્તાબાઈ' એ પણ ઊંચી અવસ્થા પ્રાપ્ત કરી હતી. ચાંગદેવની ઇર્ષાને તે પામી ગયાં. ચાંગદેવને ભાનમાં લાવવા તેમણે 'ચાંગદેવને' પત્રનો જવાબ આપતાં લખ્યું કે, તમારી ૧૪૦૦ વર્ષની ઉંમર થઈ, પરંતુ ૧૪૦૦ વર્ષે પણ તમે કોરા જ છો?
ચાંગદેવને થયું, 'હવે તો મારે જ્ઞાનેશ્વરને મળવું જ પડશે. તેથી ચાંગદેવ વાઘ ઉપર સવારી કરી, સિદ્ધિઓનો પ્રભાવ પાડવા નીકળ્યા. જ્ઞાનેશ્વરે દૂરથી તેમને વાઘ ઉપર સવારી કરીને આવતા જોયા...જ્ઞાનેશ્વરને થયું કે ચાંગદેવ ઈર્ષાળું બની પોતાનો પ્રભાવ બતાવવા આવી રહ્યાં છે, તેથી અભિમાન ઊતારવા બોધપાઠ આપવા વિચાર્યું.
ચાંગદેવ, પણ સંત છે. તેનું સ્વાગત કરવા તો સામે જવું જોઈએ એવું વિચારી તે વખતે તેઓ એક ઓટલા ઉપર બેઠા હતા તે ઓટલાને ચાલવાનું કહ્યું, ઓટલો તો ચાલવા માંડયો. સામેથી આ ચમત્કાર ચાંગદેવે જોયો...ને ચાંગદેવનું અભિમાન પીગળી થયું.
ચાંગદેવે નમી પડીને જ્ઞાનેશ્વરને વિનમ્રતાથી કહ્યું, મેં તો હિંસક પશુઓને વશ કર્યાં છે ત્યારે તમે તો જડને પણ ચેતન કરી શકો છો. ચાંગદેવ જ્ઞાનેશ્વરના સાચા શિષ્ય બની ગયા. ચાંગદેવે હઠયોગથી બળાત્કારથી મનને વશ કરેલું, પણ મનને-હૃદયને વિશાળ બનાવ્યું ન હતું.
સંતો મહાત્માઓ કહે છે કે, મનમાં મત્સર (ઈર્ષા) રાખશો નહિ મનમાં રહેલા મત્સરને કાઢશો તો ભગવાનનું સ્વરૂપ દેખાશે. મનુષ્ય નિર્મત્સર ન બને ત્યાં સુધી તેનો ઉદ્ધાર થતો નથી. કોઈપણ જીવ પ્રત્યે ઇર્ષાભાવ ન હોવો જોઈએ. મન ઉપર સત્સંગ નો અને ભક્તિનો અંકુશ રાખવો જરૂરી છે.
- લાભુભાઈ ર. પંડયા









