પથારી પાથરવામાં જ રાત વીતી ગઈ

જન્મ-બચપણ-ખેલકુદ- અભ્યાસ અને યુવાન વય પ્રાપ્ત કરીને શ્રેષ્ઠ જીવન વ્યતીત કરવા માટે ધન પ્રાપ્તી જરૂરી છે. તે માટે રાત દિવસ મહેનત કરી મુડી એકત્ર કરી માતા-પિતા પણ હવે પુત્રને સ્થિર કરવા માંગતા હતા. તેમની ઈચ્છા અને ગમતા પાત્ર સાથે જીવન સાથી પસંદ કરીને લગ્નના બંધનમાં બંધાયો.
ધંધા તરફનું ધ્યાન, નવું લગ્નજીવન બન્ને વચ્ચે સમતોલન કરતા કરતા જીંદગીનું ગાડું ગબડતું જતું. સંતાન પ્રાપ્તી, તેમનો ઉછેર, અભ્યાસ તેમની નોકરી-ધંધા અને દીકરીને સારો વર અને સારૃં ઘર મળે તેમા ઘણી જ મહેનત કરી. દીકરાએ પણ ધંધામા સ્થાન જમાવ્યું તો પણ પોતે ધંધાકીય કાર્ય ચાલુ જ રાખ્યું. દીકરાના સંતાનો મોટા થયા તેમને સ્થિર કરવા મા દીકરાના ત્થા દીકરીનીના લગ્નપ્રસંગમાં મામેરૂ જેવી સામાજીક જવાબદારીઓ નિભાવી હવે શરીર થાક્યું. મન થાક્યું, પણ તોય તો તેમાને તેમા ગળાડૂબ.
અચાનક કોઈ સદ્ગુરુનો સંપર્ક થયો. પ્રભુની વાણી સાંભળી પ્રભુ આપેલ જીવનનો મર્મ સમજાવ્યો.
પણ જીવનના શ્રેષ્ઠ દિવસો તો પથારી પાથરવામાં જ વ્યતીત કરી દીધાં. હવે, દાન-પુણ્યનુ કાર્ય સદ્કાર્યો કરવાની ભાવના જાગી ત્યાં તો રાત વીતી ગઈ. અર્થાત્ ઉપર જવાની વેેળા થઈ ગઈ. મહામુલો માનવભવ મળ્યો પણ અસમંજે ગુમાવી દીધો. જાગ્યો પણ ઘણો જ મોડો જાગ્યો હવે શું ? આત્મા માટે કંઈ કરી શક્યો નહીં. તેલધાણીના બળદની જેમ ગોળ-ગોળ ફરતો જ રહ્યો અને રામ બોલો ભાઈ રામ બોલ્યું.
- હસમુખભાઈ વેદલીયા








