જૈનધર્મનો શ્રેષ્ઠત્તમ પવિત્ર દિવસ વૈશાખ સુદ-10 (દસમ)

- મહાવીરને-કેવળજ્ઞાન પ્રાપ્ત થયું અને ચર્તુવિધ સંઘની સ્થાપના કરી
બારમા ચાર્તુમાસના વિહાર દરમ્યાન શ્રી મહાવીર અપાપા નગરીમાંથી જાંભિક ગામે આવ્યા. આ નગરીની બહાર ક્રુજવાલકા નદીના ઉત્તર કિનારા ઉપર શ્યામક નામના ગૃહસ્થનું ક્ષેત્ર હતું. ત્યાં વૈયાવત નામના ચૈત્યના (બગીચાના) ઇશાનખૂણામાં આવેલ એક શાલવૃક્ષની નીચે મહાવીર ગોદોહાસને (ઢીંચણ ઉંચા અને માથુ નીચે એમ ઉભડક આસને બેસી કઠોર તડકામાંજ ધ્યાનસ્થ થયાં. તે વખતે તેમને છ ટંકના નિર્જળા ઉપવાસ થયા હતા. ૧૨ વર્ષની ઉગ્ર તપસ્યા બાદ તે દિવસ વૈશાખ સુદ-૧૦ નો હતો અને ચંદ્રનો ઉત્તરફાલ્ગુની નક્ષત્ર સાથે યોગ થયો હતો. અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આ કેવળજ્ઞાનને લીધે તેઓ ભૂત-ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળની હકીકતો જાણી શકતાં. આમ કેવળજ્ઞાન પ્રાપ્ત થયાં બાદ તેમણે અર્ધમાગીધી ભાષામાં ઉપદેશ આપ્યો અને સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો ચર્તુવિધ જૈન સંઘની સ્થાપના કરી. કેવળી થયાં બાદ ૩૦ વર્ષ સુધી વિહાર કરીને અર્ધમાગથી ભાષામાં ઉપદેશ પણ આપ્યો. વિહાર દરમ્યાન ચાર્તુમાસ સિવાયના શેષકાળમાં નાના ગામમાં એક રાત્રિ અને મોટા ગામમાં પાંચ રાત્રિથી વધારે રોકાણ કરતાં ન હતાં. તેઓ વિહાર દરમ્યાન જીવ હિંસાને ધ્યાને રાખી 'અહિંસા'નો ઉપદેશ આપતાં. અનેક સ્ત્રી પુરુષો તેમનાં શિષ્ય બન્યાં. માંસાહાર નહીંવત્ થયો, જીવહિંસા ઓછી થઈ. અહિંસા 'પરમધર્મ' મનાયો. અંતે ૭૦ વર્ષની વયે ઇ.સ.પૂર્વે ૫૨૭માં આસોવદ અમાવસ્યાના દિવસે બિહારના પાવાપુરી નામના ગામમાં ઉત્તરરાધ્યયન સુત્રનું પ્રવચન કરી રહ્યાં બાદ નિર્વાણ પામ્યા. આ તિથીથી 'જૈન વીરસંવત'નો પ્રારંભ થાય છે. જો કે તેમના નિધન અંગે અલગ અલગ અલગ અભિપ્રાયો પ્રવર્તે છે. પ્રતિવર્ષ પર્યુષણ પર્વ દરમ્યાન વંચાતા 'કલ્પસૂત્ર'માં શ્રી મહાવીરના જીવનનું સવિસ્તર વર્ણન છે. ચર્તુવિધ જૈન સંઘમાં સાધુ, સાધ્વી-શ્રાવક અને શ્રાવિકા'નો સમાવેશ થાય છે. આમ જૈનસંઘના અધિષ્ઠાતા શ્રી મહાવીર સ્વામી છે. અને મહાવીરની પરંપરા કહેવાય છે. સાધુ-સાધ્વી ચાર્તુમાસમાં કે શેષકાળમાં ધર્મોપદેશ આપે છે. જૈન ધર્મના કડક નિયમોનું પાલન કરે છે. જ્યારે શ્રાવક-શ્રાવિકા જેઓ સંસારી છે. તેઓ સંસારના કર્મો કરતાં યથાશક્તિ તપ વગેરે કરે છે, અને જૈન ઉપાશ્રયોનો ખૂબ જ ચીવટપૂર્વક વહીવટ કરે છે અને સાદુ-સાધ્વિની વ્યાજબી જરૂરિયાતો અને ગોચરી મળી રહે તેનું ચીવટપૂર્વક ધ્યાન રાખે છે. શ્રી મહાવીર ભગવાનના ઉપદેશોનો બહોળો પ્રચાર કરનાર અને તેનું અર્થઘટન કરનાર તેમનાં પ્રથમ ૧૧ શિષ્યો ગણધર નામથી ઓળખાય છે. શ્રી મહાવીરભગવાને પ્રગટ કરેલું જ્ઞાન ૧૪ પૂર્વોના નામે ઓળખાય છે. અને આ ૧૪ પૂર્વોના છેલ્લાં જાણકાર ભદ્રબાહુ સ્વામી ઇ.સ. પૂર્વે ૩૦૦ની આસપાસ થઈ ગયા. શ્રી મહાવીર ભગવાનનો સઘળો ઉપદેશ આચાર્યો અને સાધુ-સાધ્વીઓ કંઠસ્થ રાખતાં અને શિષ્ય પરંપરાથી શીખી લઈ યાદ રાખતાં. આગમ ગ્રંથી ક્રમશ : નાશ પામતાં ગયાં, આમ છતાં કેટલાંક મૂળ આગમગ્રંથો આજે પણ સુરક્ષિત છે. દિગંબર સંપ્રદાયના મતે સર્વે મૂળગ્રંથો લુપ્ત થયાં છે.
- સંકલન-દિનેશ શાહ








